આર્થિક ફંડ:15 દિવસમાં પાલિકાને દાન પેટે રૂ. 2500 જ ફંડ મળ્યું!, કોવિડ-19 બેંક ખાતામાં 4.59 કરોડ જમા થયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શરૂઆતમાં 1-1 કરોડના ફંડ દાન પેટે આવતા હતા

કોરોના માટે શરૂઆતમાં સુરત મહાનગર પાલિકાને આર્થિક મદદ કરવા વિવિધ ટ્રસ્ટો, કંપની, સંસ્થાઓ વગેરે આગળ આવી હતી અને પાલિકાના કોવિડ-19 બેંક ખાતામાં દાનની સરવાણી વહી હતી. પરંતુ છેલ્લા 15 દિવસથી દાનના ધોધનો પ્રવાહ એકદમથી જ બંધ થઇ ગયો છે. છેલ્લા 15 દિવસમાં માત્ર 2500 રૂપિયાનું જ ફંડ મળ્યું છે. આમ અત્યાર સુધીમાં કુલ 4.59 કરોડ જેટલી રાશિ સુરત મહાનગર પાલિકાના કોવિડ-19 બેંક એકાઉન્ટમાં જમા થઇ છે.

સુરત શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવાનું શરૂ થયું છે. છેલ્લા 3 દિવસથી સરેરાશ 50 કેસ આવી રહ્યા છે, જેના કારણે તંત્ર ચિતિંત થયું છે. કોરોના માટે જરૂરી સાધન સામગ્રી ખરીદવા આર્થિક ફંડની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. જેથી સુરત મહાનગર પાલિકાએ કોવિડ-19 નામનું બેંક એકાઉન્ટ બનાવી આ ખાતામાં આર્થિક સહાય કરવા અપીલ કરી હતી. જેમાં શરૂઆતમાં શહેરની બે જાણીતી કંપની દ્વારા એક-એક કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ટ્રસ્ટ, સંસ્થા, વ્યક્તિ તરફથી પણ યથાશક્તિ મુજબ આર્થિક ફંડ આપવાની શરૂઆત કરતા સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ લોકડાઉન લાંબા સમયથી ચાલુ હોય હવે દાનનો પ્રવાહ ઘટી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં આમ તો ભામાશા ઓની કમી નથી. સામાજીક-ધાર્મિક કાર્યક્રમોમાં હોઇ કે કોઇ નેતાનો શૂટ ખરીદવામાં કરોડો રૂપિયા ખર્ચી નાખનારા આ ભામાશા હાલમાં કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીમાં આગળ આવી રહ્યા નથી. જે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. બીજી તરફ લાખોની સંખ્યામાં શ્રમિકો શહેર છોડી વતન રવાના થઈ રહ્યા હોવાથી તેઓને મદદરૂપ થવા માટે દાનવીરો દ્વારા જે દાન કરાતું હતું તે પણ અટકી જતાં અસર વર્તાઈ હોવાનું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...