તહેવારનો જુસ્સો:ચાઈનીઝ લાઈટનું ઈમ્પોર્ટ અટકતાં લોકલ ઉત્પાદકોને વેપાર મળતા તેજી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હેવીને બદલે લો બજેટથી લાઈટીંગ થશે
  • નવરાત્રિ અને ગણેશોત્સવમાં વેપાર મળ્યો ન હતો, દિવાળી ફળી

કોરોનાની સ્થિતિમાંથી ધીમે-ધીમે બહાર આવી રહેલા સુરતીઓમાં તહેવારનો જુસ્સો હજુ પણ ઓછો થયો નથી. ઓફિસ, મિલ, સોસાયટી ગેટ વગેરે ડેકોરેશન કરાવતાં સુરતીઓએ આ વર્ષે હેવી બજેટવાળી લાઈટની જગ્યાએ લો બજેટ લાઈટથી ડેકોરેશન કરાવ્યું છે. કોરોનાને પગલે ચાઈનાથી લાઈટની આયાત અટકતાં સ્થાનિક ઉત્પાદકોને વેપાર મળતા માર્કેટમાં તેજી તો જોવા મળી રહી છે પણ તેમ છતાં ડેકોરેશનમાં આ વર્ષે 40 ટકા ઓછા ઓર્ડર નોંધાયાનો મત છે.

કોરોનાના કારણે મંડપ અને ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને લગ્નની બંન્ને સિઝન નવરાત્રિ, ગણપતિ જેવા તહેવારોમાં પણ સારો વેપાર મળ્યો નથી. દિવાળીના કારણે તમામ ઉદ્યોગોમાં તેજી નીકળી છે. ત્યારે હવે શહેરની વિવિધ ઓફિસો, માર્કેટ વિસ્તાર, મિલો, સરકારી બિલ્ડીંગો પર લાઈટનું ડેકોરેશન કરવામાં આ‌વી રહ્યું છે. જેના કારણે ધીમે-ધીમે મંડપ ડેકોરેટર્સને વેપાર મળી રહ્યો છે.

આ અંગે મંડપ ડેકોરેશન એસો.ના પ્રમુખ ઓજસ પટેલ જણાવે છે કે, દર વર્ષે દિવાળીમાં લોકો રેસિડેન્શીયલ અને કોમર્શિયલ ઈમારતો પર લાઈટીંગ કરાવતા હોય છે. સરકારી ઈમારતો, બ્રિજ પર પણ સરકારી તંત્રો દ્વારા લાઈટીંગનું ડેકોરેશન કરાવાઈ છે. આ વર્ષે પણ લોકો ઓર્ડર આપી રહ્યાં છે. જોકે, લોકોએ બજેટ ઘટાડ્યું છે, પરંતુ રોશની કરાવવાનું ટાળ્યું નથી, જે આવકાર્ય છે.

રિંગરોડ સ્થિત માર્કેટમાં પણ લાઈટીંગ થઈ છે. ગયા વર્ષની સરખામણીએ 40 ટકા ઓર્ડર છે. લોકોએ બજેટ ઘટાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ લાઈટ્સની માર્કેટમાં ઓછી વેરાયટી જોવા મળી રહી છે. જેની પાછળનું કારણ કોરોનાના કારણે ઈમ્પોર્ટ ઘટી ગયું છે. જેનાથી લોકલ વેપારીઓને વેપાર મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...