શહેરના છેવાડા વિસ્તારમાં આવેલા ગામોમાં ધમધમી રહેલા ગેરકાયદેસર ઝિંગા તળાવ પર જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખજોદ બાદ હવે હજીરા વિસ્તારમાં આવેલા રાજગરી ગામમાં પણ ગેરકાયદે ઝિંગાતળાવો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 13 ગેરકાયદે ઝિંગા તળાવોને બંધ કરાવવામાં આવ્યા હતા.
સુરતના કાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર સરકારી જમીન પર બનાવી દેવામાં આવતા િઝંગા તળાવો પર જિલ્લા કલેકટરે કડક હાથે કામ લેવાનું શરૂ કરી દીધું છે. અગાઉના કલેકટર દ્વારા આવા તળાવો તોડી પાડવા માટેના આદેશ કરવામાં આવતા ઝિંગા તળાવના સંચાલકો કોર્ટમાં જઇને સ્ટે લાવ્યા હતા. જોકે, બાદમાં ફરી તેમણે ઉછેર પ્રવૃતિ શરૂ કરી દીધી હતી.
આ પ્રવૃત્તિને ધ્યાને લઇને મજૂરા મામલતદાર દ્વારા ખજોદમાં આવેલા ગેરકાયદે ઝિંગા તળાવની પ્રવૃતિ અટકાવ્યા બાદ શુક્રવારે ચોર્યાસી મામલતદારની ટીમ હજીરા પંથકમાં આવેલા રાજગરી ગામમાં પહોંચી ગઇ હતી. અને ગેરકાયદેસર ઝિંગા તળાવમાં પાણી ભરીને ઝિંગા માટેની તૈયારીઓ કરતા 13 તળાવોને બંધ કરાવી સ્થળ પરથી એરીએટર, પાણીના પંપ, વાયરો અને વજનકાંટા કબજે લીધા હતા.
એરપોર્ટ પાસે ઝિંગા તળાવ સામે કાર્યવાહીની માંગ
એરપોર્ટને અડીને આવેલા ઝિંગાતળાવોના કારણે પક્ષીઓ વધી જતાં આ તળાવો બંધ કરાવવા માટે સુરત એરપોર્ટ એક્શન કમિટીના સંજય ઇઝાવાએ સીએમને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છેકે, એરપોર્ટને અડીને આવેલી જમીન પર ઝીંગા તળાવના કારણે પક્ષીઓની સંખ્યા વધી રહી છે. એરપોર્ટ પર બર્ડહીટના બનાવો વધી રહ્યા છે. બર્ડહીટમાં સુરતનો દેશમાં પાંચમો ક્રમ છે. આ તળાવો તાત્કાલિક બંધ કરાવવા માંગ કરવામાં આવી છે.
‘ઓલપાડના ગેરકાયદે ઝિંગા તળાવ બંધ કરો’
ઓલપાડમાં ગેરકાયદેસરના ઝીંગા તળાવો બંધ કરવા માટે કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છેકે, ઓલપાડના દાંડી, મોર, ભગવા, લવાછા, કોબા, મંદરાઇ, કરંજ, પારજી સહિતના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ઝિંગા તળાવો ધમધમી રહ્યા છે. જેના કારણે ગામમાં પાણી ભરાવવા ઉપરાંત લોકોની રોજગારી પણ છીનવાય રહી છે. ત્યારે આ ઝિંગા તળાવો બંધ કરાવવા માટેની માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.