સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 32 વર્ષની પરિણીતાને પતિ, બાળકોને મારી નાંખવાની ધમકી આપી પરિચિત યુવાને સાત વર્ષ દુષ્કર્મ આચર્યું હતું. પતિની ગેરહાજરીમાં આવી દુષ્કર્મ કરતા યુવાને અઢી મહિના અગાઉ ફરી આવી માર મારી દુષ્કર્મ આચરતા છેવટે પરિણીતાએ તેના વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.
શોષણ કરતો હતો
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં લિંબાયત વિસ્તારમાં ત્રણ બાળકો સાથે રહેતા બેકરીના સામાનના વેપારીની પત્ની સલમા ( ઉ.વ.32, નામ બદલ્યું છે ) સાથે સાત વર્ષ અગાઉ તેમના જ મકાનના ત્રીજા માળે ભાડેથી રહેતા મોહમદ સૈયદ સીદ્દીકીએ મિત્રતા કરી હતી. જોકે, થોડી મુલાકાત બાદ જ સલમાને કહ્યું હતું કે તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો હું તારા પતિ અને છોકરાઓને જાનથી મારી નાખીશ. ત્યાર બાદ તેણે સલમાના પતિની ગેરહાજરીમાં તેનું જાતીય શોષણ શરૂ કર્યું હતું. તે ધમકી પણ આપતો હતો કે જો તું કોઈને કહીશ તો તને પણ જાનથી મારી નાંખીશ. આ રીતે તે સાત વર્ષથી જાતીય શોષણ કરતો હતો.
પોલીસમાં ફરિયાદ નોધાવી હતી
સલમાનો પતિ વતનમાં લગ્નમાં હાજરી આપવા અઢી મહિના અગાઉ ગયા બાદ મોહમદ સૈયદ સીદ્દીકી સલમાના ઘરે આવ્યો હતો અને શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી. સલમાએ ઈન્કાર કરતા તેને માર મારી દુષ્કર્મ આચર્યું હતું અને ફરાર થઈ ગયો હતો. મોહમદ સૈયદના ત્રાસથી કંટાળીને આખરે સલમાએ ગત 16 મે ના રોજ તેના વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગતરોજ મજૂરીકામ કરતા 32 વર્ષીય મોહમદ સૈયદ મોહમદ જાવીદ સીદ્દીકી ( રહે. રૂમ નં.7, ત્રીજો માળ, પ્લોટ નં.2, ઈચ્છાબાગ સોસાયટી, લિંબાયત, સુરત. મુળ રહે.રાયપુર મુહારી, તા.ખાગા, જી.ફતેહપુર, ઉત્તરપ્રદેશ ) ની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.