ભાસ્કર એક્સક્લૂસિવઆ એપ કરશે તમારાં સંતાનની ‘જાસૂસી’:નવરાત્રિમાં છુપાઈને કોઈ કામ કર્યું તો માતા-પિતાને મિનિટમાં જ ખબર પડી જશે, ફોનમાંથી ડિલિટ પણ નહીં થાય

સુરત6 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી
  • કૉપી લિંક

નવરાત્રિમાં દરેક માતા-પિતાને પોતાનાં સંતાનોની ચિંતા થતી હોય છે. મોડી રાત્રિ સુધી સંતાનો ગરબા ગ્રાઉન્ડ પર રમતાં હોય છે ત્યારે એકલી દીકરી કે દીકરાની સુરક્ષાની ચિંતા સ્માર્ટ રીતે દૂર થાય એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશન સુરતના સોફ્ટવેર એન્જિનિયરે બનાવી છે. આ એપ્લિકેશનથી પોતાનું સંતાન ક્યાં છે એ લોકેશનથી લઈને કોઈ ઓચિંતાની સુરક્ષાલક્ષી મદદની જરૂર પડે તો ફોનમાં ફક્ત એક બટન દબાવતાંની સાથે ગણતરીની મિનિટમાં વાલીઓને ખબર પડી જશે કે પોતાનું સંતાન મુશ્કેલીમાં છે, સાથે જ ખાસ બાબત એ છે કે આ એપથી બાળકની આસપાસના અવાજ કેવા પ્રકારનો છે એ પણ ખબર પડી જશે. મોબાઈલ એપ બનાવનાર આસ્થા ઈમેજીનેશન્સના નિલેશભાઈ દેસાઈએ કહ્યું હતું કે ન માત્ર નવરાત્રિ પર, સ્કૂલ-કોલેજ જતાં બાળકોથી લઈને કર્મચારીઓ અને વાહનો સાથે જોડાયેલા લોકો તથા બાળકોએ મોબાઈલમાં શું જોયું એની હિસ્ટ્રી પર પણ નજર રાખી શકાશે.

ઈન્કવાયરી આવતાં એપ બનાવી
નવરાત્રિ અગાઉ અનોખી એપ બનાવનારા નિલેશ દેસાઈએ કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારી પાસે લગભગ 200થી 250 જેટલી ઈન્કવાયરી આવી હતી. ઈન્કવાયરી કરનારા તમામ લોકો વાલીઓ છે. તેમની માગ હતી કે અમારે નવરાત્રિમાં અમારાં સંતાનો પર વોચ રાખવી હોય તો કઈ રીતે રાખવી એ અંગે વાલીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યાં હતા, જેથી અમે તમામ લોકોની ચિંતા દૂર થાય એ હેતુથી એપ બનાવી છે.

એપથી શું જાણી શકાય
પોતાના પરિવારના પ્રિય સભ્યોની ગતિવિધિ તથા તેમની સુરક્ષાને ધ્યાને રાખીને બનાવવામાં આવેલી આ મોબાઈલ એપ્લિકેશનથી લાઈવ લોકેશન જાણી શકાશે, જેમાં ક્યાં ફર્યા-ક્યાં રોકાયા-ક્યાં કેટલો સમય પસાર કર્યો એ સહિતની તમામ માહિતી સામેવાળી વ્યક્તિને ખબર પડી શકશે, સાથે જ આ એપના યુઝર જ્યાં હશે તેનો ઓડિયો પણ સામેની એપના મોબાઈલથી સાંભળી શકાશે. આ એપના ઉપયોગથી તેનો રિયલ ટાઈમ અવાજ પણ આસપાસનો સાંભળી શકાશે. એસઓએસનું બટન એપમાં અપાયું છે. એનાથી સામેના ફોનમાં નોટિફિકેશન પણ જઈ શકશે. સામ સામે નોર્મલ ચેટ પણ એપ દ્વારા કરી શકાશે. મોબાઈલ કેટલો યુઝ કર્યો અને કઈ એપ કેટલી વાર જોઈ તથા એની હિસ્ટ્રી પણ જાણી શકાશે.

કઈ રીતે એપનો ઉપયોગ કરી શકાય
એપ્લિકેશનના ઉપયોગ અંગે નિલેશભાઈએ કહ્યું હતું કે હાલ અમે પ્લેસ્ટોર પર આ એપ મૂકી નથી. અત્યારે અમે નવરાત્રિ દરમિયાન વાલીઓની અમારી પાસે સીધી ઈન્કવાયરી આવી છે તેમને જ આપીએ છીએ. નવરાત્રિ બાદ પ્લેસ્ટોર પર પણ વહેલી તકે આ એપ મૂકવામાં આવશે. આ એપનો ચાર્જ અત્યારે દર મહિને 100 રૂપિયા જેટલો રાખવામાં આવ્યો છે, જેથી સામાન્ય પરિવારના લોકો પણ આ એપનો ઉપયોગ કરીને પોતાના વહાલસોયા પર સ્માર્ટ રીતે વોચ રાખી શકે.

એપ ડિલિટ પણ થશે નહીં
આ એપ્લિકેશન એક વખત વાલી તેના સંતાનના ફોનમાં નાખે ત્યારે પાસકોડ આપવાનો રહેશે. આ પાસકોડ દ્વારા જ એપ ઈન્સ્ટોલ થશે અને એની મદદથી જ ડિલિટ થશે. આ એપને વાલી ધારે તો હાઈડ પણ તેના સંતાનના ફોનમાં કરી શકે છે, જેથી સંતાનને પોતાના ફોનમાં આવી કોઈ એપ છે કે કેમ તેની પણ જાણકારી ન મળી શકે.

નવરાત્રિ સિવાય પણ ઉપયોગી છે એપ
નવરાત્રિ સિવાય આ એપ દ્વારા બાળકો કેટલો ફોન વાપરે છે એ પણ જાણી શકાશે. ફોનમાં બાળકો શું જુએ છે. કઈ એપ્લિકેશન કેટલો સમય યુઝ કરે છે એ પણ જાણી શકાશે. બાળકો સિવાય કોઈ કંપની પોતાના કર્મચારીના લોકેશન જાણવા માટે પણ આ એપનો ઉપયોગ કરી શકે છે. ડ્રાઈવર પર નજર રાખવા કે માર્કેટિંગ ફિલ્ડના લોકો માટે પણ આ એપ ઉપયોગી સાબિત થશે

એપના ઉપયોગ માટે આટલું જરૂરી
એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે મોબાઈલમાં ઈન્ટરનેટ એક્ટિવ હોવું જરૂરી છે. સાથે એ જ મોબાઈલનું લોકેશન પણ ચાલુ હોવું જરૂરી છે તથા ફોન ચાલુ મોડમાં હોય ત્યારે જ આ એપ કામ કરી શકે છે.

15 દિવસે ડેવલપ થઈ એપ
એપ બનાવવા માટે નિલેશભાઈ દેસાઈ અને આસ્થાની ટીમને લગભગ 15 દિવસથી વધુનો સમય થયો હતો. તેમને આ એપ બનાવવા માટે અલગ અલગ અભ્યાસ કરવો પડ્યો હતો તથા આવી એપ બીજી છે કે કેમ અને એનાથી એપ અલગ કેવી રીતે બનાવી શકાય તથા યુઝરને એકદમ સરળતાથી ફીચર સમજાય જાય એ સહિતની બાબતોનું ધ્યાન રાખવાનું રહ્યું હતું.

કોણ છે એપ ડેવલપર
એપ બનાવનારા નિલેશ દેસાઈ પાંચ ડીગ્રીઓ ધરાવે છે. બીકોમ, એલએલબી, ડીસીએ, પીજીડી, ઈન્ટર સીએ સુધીનો અભ્યાસ કરનાર નિલેશભાઈ દેસાઈ 1993થી આસ્થા ઈમેજીનેશન્સ નામે સોફ્ટરવેર ડેવલપર્સ અને મોબાઈલ એપ્લિકેશન સહિત એસઈઓનું કામ કરી રહ્યા છે. તેમની કરાટે નામની એપ એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાં ખૂબ જાણીતી બની હતી.

અન્ય સમાચારો પણ છે...