પાણીની સમસ્યાને લઈને અધિકારીઓને આડે હાથે લીધા:‘કાંઠા વિસ્તારના લોકો પાસેથી પણ ટેક્સ વસુલો છો તો પાણી કેમ આપતા નથી?’

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી સમિતિની બેઠકમાં સભ્યોએ અધિકારીઓને આડે હાથ લીધા
  • પાણીની સમસ્યાના ઉકેલ માટે હવે દરેક ઝોનમાં સંકલનની બેઠક થશે

શહેરનાં વિવિધ વિસ્તારોમાં પીવાનાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા હવે પાણી સમિતિ ની સંકલન બેઠક તમામ ઝોન ખાતે મળશે. ગુરુવારે પ્રથમ બેઠક અઠવા ઝોનનાં અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ કોર્પોરેટરો સાથે યોજાઇ હતી. કાંઠા વિસ્તારમાં પાણી યોગ્ય પ્રમાણમાં સમયસર મળતું નહીં હોય પસ્તાળ પડી હતી. એક સપ્તાહમાં કાંઠા વિસ્તારના ગામોમાં પીવાનું પાણી પૂરૂ પાડવા પાણી સમિતિના ચેરમેન રાકેશ માળીએ અધીકારીઓને સુચના આપી હતી.

કોર્પોરેટર દિપેશ પટેલે કાંઠા વિસ્તારના ગામોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને અધિકારીઓને આડે હાથે લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, કાંઠા વિસ્તારના ગામો ડુમસ, ભિમપોર, ગવિયર, મગદલ્લા તથા કાંદી ફળીયાનો પાલિકા વિસ્તારમાં સમાવેશ થયાને વર્ષો બાદ પણ લોકો આજે પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. મારા વિસ્તારમાં કોઈ ગામમાં એક-એક દિવસ પછી તો કોઈ ગામમાં દિવસમાં માત્ર 45 મિનીટ થી લઈને એક કલાક સુધી જ પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યું છે.

અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઇ નક્કર કામ કરવામાં આવ્યું નથી. તેની સામે શહેરના અન્ય વિસ્તારોમાં નિયમીત પાણીનો પુરવઠો મળી રહ્યો છે. જે વિસ્તારમાં નિયમિત પાણીનો પુરવઠો મળી રહ્યો છે તે વિસ્તારના લોકો પાસેથી મહાનગર પાલિકા દ્વારા જે વેરો વસુલ કરવામાં આવી રહ્યો છે તે જ પ્રમાણે મારા વિસ્તારના લોકો પાસે પણ વેરો વસુલ કરવામાં આવી રહ્યો છે. તો પછી પાણી આપવામાં કેમ ભેદભાવની નીતિ અપનાવામાં આવી રહી છે. આની સાથે પાણી સમિતિની બેઠકમાં ભટારમાં ગંદાપાણીની સમસ્યા ઉકેલવા, અલથાણમાં ઓછા પ્રેશરથી પાણી આવવાની સમસ્યા ઉકેલવા, અંબાનગરમાં પાણીની નવી લાઇન માટે સર્વે કરવા, મગદલ્લાથી ગવિયર, ભીમપોર, સુલતાનાબાદ, કાંદીફળિયા તેમજ વેસુમાં પુરતા પ્રેશરથી પાણી આપવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...