હડતાળ:‘ખાડીપૂરનો કાયમી ઉકેલ ન આવે તો ભૂખ હડતાળ કરાશે’

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીઠીખાડી પાસેની 150 સોસાયટીના રહીશો એક સૂરમાં
  • અસરગ્રસ્તોનું પ્રતિનિધિ મંડળ સીઆર પાટીલને મળ્યું

સ્માર્ટ સિટી સુરત દર વર્ષે ખાડીપૂર સાથે ઝઝૂમી રહ્યું છે. 150થી વધુ સોસાયટીના અસરગ્રસ્તો પાસે હવે વિરોધ સિવાય કોઈ વિકલ્પ નથી. મીઠીખાડી પૂરના કાયમી નિરાકરણ માટે શનિવારે પર્વતપાટિયા ખાતે 300 રહીશોની જાહેરસભા યોજાઈ હતી. તેમનું કહેવું હતું કે, આશ્વાસન જ મળે છે. ઉકેલ નહીં. માધવબાગ બ્રિજ તોડ્યા પછી પણ ઉકેલ નથી.

ચૂંટણી આવે ત્યારે નેતાઓ ખાતરી આપીને જતાં રહે છે. હવે ટેન્ડરની વાત કરાઇ છે. ખાડી પૂરનો કાયમી ઉકેલ લેખિતમાં આપો માંગ કરાઈ હતી. આગામી દિવસોમાં 2-2 સભ્યોની ફરી મિટિંગ બોલાવાઈ છે. આ સાથે જ અસરગ્રસ્તોનુ એક પ્રતિનિધિ મંડળ સી.આર.પાટિલને પણ મળ્યું હતું. પાલિકા કમિશનરને રજૂઆત બાદ પણ જો નિરાકરણ નહીં આવે તો રહીશોએ ભૂખ હડતાળનો કડક કાર્યક્રમ શરૂ કરવાની ચીમકી આપી છે.

આ છે મુખ્ય માગણી

  • ખાડી 6થી 8 ફૂટ ઉંડી કરો.
  • મિલેનિયમ પાસેનાં દબાણ હટાવો.
  • દબાણો તોડી ખાડી પહોળી કરો.
  • ગટરના પાણીને મીઠીખાડીમાં પ્રવેશતા અટકાવો.
  • ખાડીની દુર્ગંધને કાયમી દૂર કરો.
  • અસરગ્રસ્તો માટે રાહત પેકેજ.

આગામી સપ્તાહે ટેન્ડર પ્રક્રિયા
પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે ખાડીના ડ્રેજિંગ માટે આગામી સપ્તાહમાં ટેન્ડરો બહાર પડાશે. પછી તરત જ કામગીરી શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...