નિયમ:વેપારી 21મી સુધીમાં GST રિર્ટન ન ભરે તો ITC ક્લેઇમ કરી શકશે નહીં

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ માલ વેચનારને તાબડતોબ રિટર્ન ભરવા કોલ કરતા થઈ ગયા

જીએસટી વિભાગે તાજેતરમાં જ જાહેર કરેલા નોટિફિકેશનની બજારમાં ભારે અસર છે. એક તરફ વેપારીઓ દિવાળીના ધંધામાં વ્યસ્ત છે ત્યાં જીએસટીએ નોટિફિકેશન મારફત જાહેર કરી દીધું છે કે સપ્ટેમ્બરનું રિટર્ન કે જે 21મી ઓકટોબર સુધીમાં ભરવાનું છે ત્યાં સુધી જો આઇટીસી ક્લેઇમ કરવામાં નહીં આવે તો તે કાયમ માટે રદ થઈ જશે. એટલે હવે વેપારીઓ જેની પાસેથી માલ ખરીદ્યો છે તેમને ફોન કરીને રિટર્ન ભરવાની આજીજી કરી રહ્યા છે. આ નિયમ અગાઉ પણ હતો પરંતુ તેનો કડકાઈથી અમલ થતો ન હતો. હવે ફરી એકવાર જાહેરાત થતાં વેપારીઓ દોડતા થઈ ગયા છે. સી.એ. નારાયણ શર્મા કહે છે કે સરકારે આ મામલે વિચારવું જોઇએ. હાલમાં ઘણાખરા વેપારીઓ ધંધામાં અતિ વ્યસ્ત છે. જીએસટી પાસે તો જેની પાસે માલ ખરીદાયો છે તે તેના તમામ ડેટા છે, તેમાં માલ ખરીદનાર વેપારીએ શું કામ સહન કરવું એ સમજાતું નથી.

ઉલ્લેખનીય છે કે, દોઢેક વર્ષથી કોરોનાને કારણે લોકોના ધંધા ઉપર વિપરીત અસર પડી હતી. છ સાત મહિનાથી માંડ ગાડી પાટે ચડી છે. ઉપરાંત દિવાળીનો તહેવાર હોવાથી હાલમાં ધંધ્ાની સિઝન છે ત્યારે આ નવી મુસિબત સામે આવી છે.

એન્યુઅલ રિટર્નમાં પણ ITC નહીં દેખાય
સપ્ટેમ્બર 20-21નું રિર્ટન ઓકટોબરમાં ભરવાનું છે તેની છેલ્લી તારીખ 21થી 24 સુધીની છે. હવે આ રિટર્નને માંડ બે-ચાર દિવસ બચ્યા છે ત્યારે વેપારીઓએ સમગ્ર વર્ષ દરમિયાન જે બિલના આઇટીસી ક્લેઇમ રહી ગયા હોય તે અને સપ્ટેમ્બરની આઇટીસી ક્લેઇમ કરવાની છેલ્લી મુદત 21મી ઓકટોબર છે. જો વેપારીઓ તેમ ન કરી શક્યા તો પેન્ડિંગ આઇટીસી 2-એ, 2-બી કે ફાઇલ રિટર્નમાં દેખાશે નહીં. હવે બધો જ આધારે સામેના વેપારીના 3-બી રિટર્ન પર છે તે નહીં ભરે તો અનેક વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઈ જશે.

ત્રિમાસિક રિટર્ન ભરનારને વધુ નુકસાન
વેપારી જ્યારે ધંધો કરે ત્યારે ટેક્સ તો ભરી જ દે છે. બાદમાં તેણે આઇટીસી ક્લેઇમ કરવાની હોય છે. પરંતુ જો સામેનો વેપારી પણ રિટર્ન ન ભરે તો માલ ખરીદનારે બેવડો માર સહન કરવાનો આવશે. આ ઉપરાંત સૂત્રો કહી રહ્યા છે કે ખાસ કરીને જે વેપારીઓ ત્રિમાસિક રિટર્ન ભરી રહ્યા છે તેમને મોટુંં નુકશાન જવાની શકયતા છે. > બિરજુ શાહ, સી.એ.

અન્ય સમાચારો પણ છે...