રજૂઆત:ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર હટાવીને સમાન સ્લેબ કરાશે તો કાપડ 3 ગણું મોંઘુ થશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટેક્સટાઈલ ક્ષેત્રમાં હાલના કરમાળખામાં ફેરફાર ન કરવા માંગ
  • ચેમ્બર અને ફિઆસ્વીના હોદ્દેદારોએ રાજ્યના કરવેરા અધિકારી જે.પી. ગુપ્તાને 1 જાન્યુઆરીથી અમલમાં આવનારા ફેરફાર મુદ્દે રજૂઆત કરી

આગામી 1 જાન્યુઆરીથી ટેકસટાઇલ ક્ષેત્રે હાલમાં જે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર છે તેને કાઢી એક સમાન ટેકસ દર કરવાનું 45મી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં નકકી કરવામાં આવ્યું છે. ટેક્સ સ્લેબ એક સરખા કરવામાં આવશે તો કાપડ 3 ગણું મોંધુ થશે. જેને લઈને એમએમએફ ટેકસટાઇલ ક્ષેત્રે ઘણી તકલીફો ઉભી થવાની સંભાવના છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી દ્વારા ગુજરાતના મુખ્ય રાજ્ય કરવેરા અધિકારી જે.પી. ગુપ્તાને રૂબરૂ મળી ટેક્સટાઈલ ક્ષેત્રમાં હાલના કર માળખામાં ફેરફાર નહીં કરવા રજૂઆત કરવામાં આવી હતી.

હોદ્દેદારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ‘હાલનું કર માળખું સ્વીકાર કરેલું હોઇ અને સાથે સાથે એના કારણે કોમ્પ્લાયન્સમાં પણ વધારો થયો હોઇ તથા જીએસટી લાગુ થયા બાદ છેલ્લાં ચાર વર્ષમાં એકમાત્ર સુરતમાં રૂપિયા ૩૭પ૦ કરોડ જેટલી માતબર રકમનું રોકાણ ફકત વિવિંગ સેકટરમાં આવેલું હોય તથા રૂપિયા ૧૮૯૦૦ કરોડ જેટલું વધારાનું ઉત્પાદનનો ઉમેરો થયો હોય એ દર્શાવે છે કે ઉદ્યોગકારો દ્વારા હાલનું ટેકસ સ્ટ્રકચરને અપનાવી લેવામાં આવેલ છે.

આ ટેકસ દરમાં આખી ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં જો એકસમાન પ ટકાનો પણ ટેકસ દર કરવામાં આવશે તો પણ જે સરકારની ઇચ્છા જે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરવાની છે તે થતી નથી. કારણ કે, એમએમએફ ટેકસટાઇલ ક્ષેત્રનું બેઝીક રો મટિરિયલ પેટ્રોલિયમ પ્રોડકટ છે અને જે એમએમએફ સિવાય પણ ઘણી ઇન્ડસ્ટ્રીનું રો મટિરિયલ હોઇ તેના ટેકસ દરમાં કોઇ બદલાવ આવવાનો નથી. એટલે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર જે હાલમાં વિવિંગ ક્ષેત્રે લાગુ પડે છે તે નીકળીને સ્પીનિંગ ક્ષેત્રે લાગુ પડશે. જેના કારણે કાપડ ત્રણ ગણું મોઘુ થશે.

બે કેસ સ્ટડી રજૂ કરાયા : ‘કપડું 3 ગણું મોંઘું થશે પણ સરકારની આવકમાં કોઈ ઝાઝો ફરક નહીં પડે’
1 MEG/PTA જે ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં પ્રથમ ઇનપુટ હોય તેની પરચેઝ કોસ્ટને 100નું ઇન્ડેકસ અપાયું અને પ્રોસેસ દીઠ તથા વેલ્યુ એડિશનને ઇન્ડેકસ બેઝ સમજાવી જણાવ્યું કે, રૂ 100નું MEG/PTA જો પ્રથમ ઇનપુટ આવતું હોય તો ફિનિશ્ડ ફેબ્રિકની કિંમત 14 ગણી થાય છે. એટલે કે 100નું ઇન્ડેકસ 1400 થાય છે. આ સંજોગોમાં સરકારને મહત્તમ ટેકસની આવક એ વીવિંગ અને ગારમેન્ટ ક્ષેત્ર થકી મળે છે.
2 હાલમાં MMF વેલ્યુ ચેઇનમાં 18, 12, 12, 5 અને 5 ટકા એમ છે.

એટલે કે MEG/PTA ઉપર 18 ટકા, ચીપ્સ ઉપર 12 ટકા, POY ઉપર 12 ટકા, ગ્રે ફેબ્રિક ઉપર 5 ટકા તથા ફિનીશ્ડ ફેબ્રિક અને ગારમેન્ટ ઉપર 5 ટકા છે ત્યારે 100 રૂપિયાના ઇનપુટ ઉપર સરકારને 67.89 રૂપિયાની આવક થાય છે અને રૂપિયા 100માં આવેલું પ્રથમ ઇનપુટ ગ્રાહક સુધી જાય છે ત્યારે 1468 સુધીનો ઇનડેકસ પહોંચે છે. પણ જો આ જ વેલ્યુ ચેઇનમાં ટેકસ સ્ટ્રકચરને 5 ટકા સમાન દર કરાશે તો આ ઇનડેકસ 1507 સુધી જશે. એટલે કે ગ્રાહક સુધી પહોંચતું કપડું અઢીથી ત્રણ ગણું મોંઘુ થશે અને સરકારની આવકમાં મોટો ફરક પડશે નહીં.

જોબવર્ક એસોસિએશનનો નિર્ણય: પ્રોસેસિંગ, પેકેજિંગ બાદ એમ્બ્રોઈડરી જોબ ચાર્જમાં પણ 10%નો વધારો કરાયો
ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસોસિએશને જોબ ચાર્જમાં 10 ટકાનો વધારો કર્યો છે. પેટ્રોલ, ડિઝલ, કોલસા વગેરેના ભાવ વધતાં પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીના જોબ ચાર્જમાં અને ત્યાર બાદ પેકેજિંગમાં ભાવ વધારો કરાયો છે. જરી, યાર્ન અને ટ્રાન્સપોર્ટના ચાર્જમાં વધારો થતાં એમ્બ્રોઈડરી જોબચાર્જમાં 16મીથી વધારો કરાયો છે.

ઉપરાંત ટ્રેડર્સો 90થી 120 દિવસે પેમેન્ટ કરી રહ્યા છે. જેથી એસોસિએસને પેમેન્ટ ધારો 15થી 30 દિવસ સુધીનો નક્કી કર્યો છે. ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરતના પ્રમુખ હિતેશ ભિકડિયા કહે છે કે, ‘એમ્બ્રોઈડરીમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ મટીરીયલ્સ અને ટ્રાન્સપોર્ટના ભાવમાં 10થી 15 ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે એમ્બ્રોઈડરી જોબવર્ક કરવું ખુબ જ મોંધુ પડી રહ્યું હોવાથી જોબ ચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

મટીરીયલ્સના ભાવમાં વધારો
વસ્તુવધારો
યાર્ન15%
જરી12%
સ્પેરપાર્ટ્સ15%
ટ્રાન્સપોર્ટ15%
અન્ય સમાચારો પણ છે...