વરાછા બેંકના સ્થાપકની કહાની:સુરતમાં ખાતું ખોલાવવા કલાકો સુધી બેસી રહેવું પડ્યું તો બેંક જ ખોલી દીધી

સુરત14 દિવસ પહેલાલેખક: મનોજ તેરૈયા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ડાયમંડ સિટી તરીકે મશહૂર સુરતથી ભાગ્યે જ કોઇ અજાણ્યું હશે. 1990ના દાયકામાં પણ અહીં હીરાનો ધીકતો ધંધો હતો. કારખાના માલિકો, દલાલો અને વેપારીઓએ જોખમ સાથે જ રાખવું પડતું હતું. આવા જ એક વેપારી છે કાનજીભાઇ ભાલાળા. જોખમ હોય તેવા સામાનની સુરક્ષા માટે તેમને બેંકમાં લૉકર રાખવું હતું. તે માટે ખાતું હોવું જરૂરી હોય છે.

કાનજીભાઇએ 2-3 મહિના સુધી બેંકના ચક્કર કાપ્યા પણ ખાતું ન ખુલી શક્યું. પછી સમાજસેવી માવજીભાઇ માવાણીએ બેંક મેનેજરને અનુરોધ કર્યો તો તેમણે રસ દાખવ્યો પરંતુ તે દિવસે પણ સાંજે 4 વાગ્યા સુધી બ્રાન્ચમાં બેસવા છતાં ખાતું ન ખુલી શક્યું. બીજા દિવસે ફરી રાહ જોઇ. વાત છે 1993ની.

કાનજીભાઇ જણાવે છે કે બેંકમાં બેઠા બેઠા તેમને વિચાર આવ્યો કે બેંકમાં ખાતું ખોલાવવા જેવી સામાન્ય પ્રોસેસમાં પણ લોકોને આટલી તકલીફ પડે છે, કલાકો બગાડવા પડે છે તો એવી બેંક શરૂ કરીએ તો કેવું કે જ્યાં કોઇ પણ કામ માટે 5 મિનિટથી વધુ રાહ ન જોવી પડે? બસ ત્યારે જ ‘ધી વરાછા કો-ઓપરેટિવ બેંક’ માટે કામ શરૂ થઇ ગયું. 1995માં બેંક શરૂ પણ થઇ ગઇ. અઢી દાયકાથી આ બેંક સેવારત છે અને ગુજરાતની ટોપ 10 બેંકોમાં સામેલ છે.

કાનજીભાઇ ભાલાળા સમાજ સેવાના અનેક કાર્યમાં પણ જોડાયેલા છે, જેને લઈને તેમનું અનકવાર સન્માન પણ થઈ ચૂક્યું છે.
કાનજીભાઇ ભાલાળા સમાજ સેવાના અનેક કાર્યમાં પણ જોડાયેલા છે, જેને લઈને તેમનું અનકવાર સન્માન પણ થઈ ચૂક્યું છે.

આજે સહકારી બેંકોની કાર્યપદ્ધતિ અને કૌભાંડો મામલે સવાલ ઊઠે છે ત્યારે વરાછા બેંક એક ઉદાહરણરૂપ છે. સૌથી ઝડપી સેવા અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગમાં અગ્રણી હોવાના નાતે ગ્રાહકોનો ભરોસો જીતવામાં પણ બેંક મોખરે રહી છે. બેંક ખોલવાની વાત આવતા જ કાનજીભાઇએ સમાજના કેટલાક આગેવાનો સાથે વાત કરી. બેંક ખોલવાની પ્રોસેસની સમગ્ર માહિતી અને બેન્કિંગ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા પટેલ સમાજના ટ્રસ્ટી પી. બી. ઢકાચા પાસેથી માર્ગદર્શન મેળવ્યું. સમાજના પ્રબુદ્ધજનો સાથે મળીને 3,000 ગ્રાહકો શોધ્યા.

તેમણે એક-એક હજાર રૂપિયાના શેર લઇને 30 લાખ રૂપિયાની મૂડી સાથે મંજૂરી માટે અરજી સહિતની પ્રોસેસ કરી. મંજૂરી મળતા જ લંબે હનુમાન રોડ સ્થિત એફિલ ટાવરમાં પહેલી બ્રાન્ચ ખુલી. આજે અમદાવાદ, નવસારી, અંકલેશ્વર સહિત રાજ્યના ખૂણે-ખૂણે આ બેંકની 23 શાખા છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે હેરાન થઇ ચૂકેલા કાનજીભાઇ આજે બેંકના મેનેજિંગ ડાયરેક્ટર છે.

દરેક ખાતેદારને વીમાની સુવિધા: કોરોનાના મુશ્કેલ સમયમાં વરાછા બેંકે સરકારની આત્મનિર્ભર યોજના હેઠળ સૌથી વધુ લોન આપી હતી. નોટબંધી બાદ બેંકની કામગીરીને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કે માત્ર વરાછા બેંકને જ નવી શાખા ખોલવા મંજૂરી આપી હતી. બેંક પાસે આજે 5 લાખથી વધુ ખાતેદારો છે. જો ગ્રાહક કોઇ કામ માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ લઇને આવ્યો હોય તો તે કામ પૂરું થવામાં 5 મિનિટથી વધુ સમય નથી લાગતો. દેશમાં બેન્કિંગને લગતી જે પણ નવી ટેક્નોલોજી લૉન્ચ થાય તે વરાછા બેન્કમાં તત્કાળ લાગુ કરી દેવાય છે.

બેંકમાં કર્મચારીઓની નિમણૂક પહેલાં તેમને ટ્રેનિંગ અપાય છે, ગ્રાહકો સાથે સારું વર્તન કરવા સલાહ અપાય છે. અન્ય કોઇ બેંકના કર્મચારીને નોકરી નથી અપાતી. 1995માં ક્લાર્ક તરીકે વરાછા બેંક સાથે જોડાયેલા વિઠ્ઠલભાઇ ધાનાણી આજે મેનેજરના પદ સુધી પહોંચી ચૂક્યા છે.

ગ્રાહકોની સગવડ સર્વોપરી: પહેલાં બેંકોના વિવિધ ફોર્મ અંગ્રેજીમાં આવતા, જે ભરવામાં કેટલાક વેપારીઓને તકલીફ પડતી. બેંક કર્મીઓએ તેમને ફોર્મ ભરતા શીખવ્યું. સાથોસાથ ગુજરાતી ભાષામાં ફોર્મ ભરવાનું પણ શરૂ કરાયું, જેથી ફોર્મ ભરવા કોઇ ખાતેદારે બીજા પર નિર્ભર ન રહેવું પડે. તેના કારણે પણ ખાતેદારો વધ્યા.

અન્ય સમાચારો પણ છે...