કોરોના ટેસ્ટ:98 વિદ્યાર્થીને કોરોના, LPD સ્કૂલે રસી આપતા પહેલાં ટેસ્ટ કર્યા તો 15 વિદ્યાર્થી સંક્રમિત મળ્યા

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં નવા 1350 કેસ, જીઆવ-બુડિયાની આધેડ મહિલાનું મોત
  • સૌથી વધુ અઠવા ઝોનમાં 370 તથા રાંદેર ઝોનમાં 239 નવા કેસ નોંધાયા

શુક્રવારે શહેરમાં કોરોનાના 1350 કેસ સામે આવ્યા હતા. જેની સામે 248 સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. કુલ કેસમાંથી 98 વિદ્યાર્થીઓ છે. બીજીતરફ, LPD સ્કૂલે વિદ્યાર્થીઓને રસી આપતા પહેલા ટેસ્ટ કર્યા તો 15 સંક્રમિત મળ્યા હતા. શુક્રવારે જીઆવ બુડિયા ખાતે સંગમ સોસાયટીમાં રહેતા એક 45 વર્ષીય મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 14 અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 9 પોઝિટિવ આવ્યા હતા.

પોઝિટિવ લોકોમાંથી 615 ફુલ્લી વેકસીનેટેડ છે. 39એ એક જ ડોઝ લીધો છે. 81 એલિજીબલ ન હતા જ્યારે 6એ વેકસિન લીધી જ નથી. અઠવા ઝોનમાં 370 કેસ, રાંદેર ઝોનમાં 239 કેસ, સેન્ટ્રલ ઝોનમાં 68, વરાછા એ ઝોનમાં 191, વરાછા બી ઝોનમાં 81, કતારગામમાં 156, લીંબાયતમાં 90 જ્યારે ઉધના ઝોનમાં 155 નવા કેસ સામે આવ્યા હતા.

પાલિકાના વિપક્ષ નેતા ભંડેરી તથા વિજય ચોમાલ સંક્રમિત
શુક્રવારે પાલિકાના વિરોધ પક્ષના નેતા આપના ધર્મેશ ભંડેરી અને વોર્ડ નંબર 19ના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલ કોરોના પોઝિટિવ આવતાં હોમ આઈસોલેટ થયા છે. ભંડેરી સચીન ખાંડી કેસમાં માસ્ક વગર ગયા હતા. તો કોર્પોરેટર વિજય ચોમાલ પણ આરોગ્ય સમિતિની બેઠકમાં માસ્ક વગર દેખાયા હતા.

ભટારના આશીર્વાદ પેલેસમાં 30 કેસ મળતાં કલસ્ટર જાહેર કરાયો
શુક્રવારે ભટારના 24 બિલ્ડિંગના 461 ફ્લેટમાં રહેતાં 2000 રહીશોવાળા આર્શિવાદ પેલેસમાં 30 કેસ મળી આવતાં એપાર્ટમેન્ટને કલસ્ટર જાહેર કરાયો હતો. પાલિકાએ એક જ વસવાટમાં ઉપરા-છાપરી નવા સંક્રમિતો મળ્યાં હોવાથી તાકીદના ધોરણે આર્શિવાદ પેલેસના તમામ 6 એન્ટ્રી-એક્ઝિટ ગેટ પણ બંધ કરી દેવાયા છે.

આર્શિવાદ પેલેસમાં 1 જાન્યુઆરીએ પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો. જે તે સમયે પાલિકાએ કોઇ રિસ્ટ્રિક્શન નહીં લેતા સોસાયટીમાં લોકોની અવર-જવર ઉપર કોઇ બાધ રહ્યો ન હતો. આ અંગે પાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો. કે.આઇ. ખત્રીએ કહ્યું કે, પહેલાં કેસ બાદના ત્રણ દિવસમાં જ નવા કેસ મળવાનો સીલસીલો શરૂ થયો હતો. તે જોતા આર્શિવાદ પેલેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપર ભાર મુકાયો હતો. ધીમે-ધીમે સંક્રમિતોને શોધવા કરેલા માસ ટ્રેસિંગમાં એક અઠવાડીયામાં જ આ વસવાટમાંથી કુલ 30 કોરોના સંક્રમિતો મળી આવ્યાં છે. પાલિકાએ શુક્રવારે 24 બિલ્ડિંગો વાળા આર્શિવાદ પેલેસના 461 ફ્લેટમાં રહેતા 2000થી વધુ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પેલેસને કલ્સ્ટર જાહેર કર્યું છે. આ સાથે જ રહીશોની અવર-જવર ન થાય તે માટે એન્ટ્રિ-એક્ઝિટ બંધ કરાઇ છે.

સેવન્થ ડે, SD જૈન, નવયુગ, DRB કોલેજ, PP સવાણી, GD ગોએન્કાના વિદ્યાર્થીઓ સંક્રમિત
શુક્રવારે કુલ 98 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી એલપીડી સ્કૂલ પુણાના 15, અંકુર વિદ્યાલયના 14, છત્રપતિ સ્કૂલના 9 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાવાઈ હતી. આ ઉપરાંત પી.પી. સવાણી, જીડી ગોયન્કા, ગાયત્રી, લુડ્સ કોન્વેન્ટ, સુમન પાંડેસરા, ભગવાન મહાવીર, સેવન્થ ડે, એસડી જૈન, સરસ્વતી, નવયુગ કોલેજ, ડી.આર.બી.કોલેજ, ટી.એન્ડ.ટી.વી., ગુરુકૃપા અને અન્ય સ્કૂલ-કોલેજમાં પોઝિટિવ કેસ આવતા જે તે સ્કૂલ-કોલેજો બંધ કરાવી 1043 લોકોનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...