IDFC બેંકના રિકવરી એજન્સીના સંચાલકે લોનધારક પાસેથી ઉઘરાણી કરવા માટે લોક અદાલતની બોગસ નોટીસ બનાવવામાં ભેરવાયો છે. બોગસ નોટીસ લઈ લોનધારક કોર્ટમાં પહોંચી જતા એજન્સીના સંચાલકનો ભાંડો ફુટી ગયો હતો. બોગસ નોટીસમાં સિવિલ કોર્ટ ચોર્યાસી કાનૂની સેવા સમિતિના સુપિન્ડેન્ટરની બોગસ સહી અને કોર્ટનો સિક્કો મારેલો હતો.
આ અંગે કોર્ટના મહિલા સુપિન્ડેન્ટરે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે IDFC બેંકના રિકવરી એજન્સીના પાર્થ ફાઇનાન્સિયલ સર્વીસીસના હેડ જતીન ભગુ પટેલ (રહે,સોમનાથ મહાદેવ સોસા,પાર્લે પોઇન્ટ)ની સામે ચીટીંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે.નોટીસમાં પાનકાર્ડ નંબર બેંક ડિફોલ્ટરની યાદીમાં મુકી દેવાશે. ભવિષ્યમાં કોઈપણ લોન મળી શકશે નહિ, એવો પણ ઉલ્લેખ કરાયો હતો.
લોનનો એક હપ્તો રૂ. 7043 બાકી હતો, રૂ. 14761ની ઉઘરાણી કરાઈ
ધર્મેશ 4 તારીખે કોર્ટમાં નોટીસ લઈ હાજર થયો હતો. તે દિવસે લોક અદાલત ન હતી. નોટીસ કોર્ટમાં મહિલા સુપિન્ડેન્ટરને બતાવી હતી. મહિલા સુપિન્ડેન્ટરે આવી નોટીસ ઇશ્યુ ન કરી છતાં તેમના નામની સહી અને કોર્ટનો સિક્કો મારેલો હતો. ધર્મેશ વડોદરીયાએ જણાવ્યું કે મારે કન્ઝયુમર લોનનો એક હપ્તો રૂ. 7043 બાકી હતો તેની સામે બેંકે મારી પાસે વ્યાજ પેનલ્ટી સાથે 14761.91ની ઉઘરાણી શરૂ કરી હતી.
જતીને બોગસ નોટિસ થકી ઘણા લોનધારકોને ડરાવતો હતો
પાર્થ ફાઇનાન્સિયલ સર્વીસીસના હેડ જતીન ભગુ પટેલની નાનપુરા જે.ટી ચેમ્બર્સમાં ઓફિસ છે. તેઓ IDFC બેંકમાં કન્ઝયુમર લોન અને ટુવ્હીલર લોનની રિકવરી એજન્સી ઉપરાંત ICICI બેંક તેમજ એલ એન્ડ ટી ફાઇનાન્સમાં ટુવ્હીલર લોનની રિકવરી એજન્સી છે. એવી પણ આશંકા છે કે આરોપી જતીને આવી બોગસ નોટીસ થકી ઘણા લોન ધારકોને ડરાવતો હતો.
બોગસ નોટિસનો ભોગ બન્યા હોય તો ઉમરા પોલીસનો સંપર્ક કરો
કેટલીક એજન્સી લોનની બાકી નીકળતી ઉઘરાણી માટે બોગસ નોટીસ મોકલતા હોવાની વાતો સામે આવી રહી છે. બોગસ નોટીસથી લોનધારકોને ડરાવી એજન્સીના પન્ટરો રૂપિયા કઢાવી લેતા હોય છે. આવા લોનધારકો બોગસ નોટીસનો ભોગ બન્યા હોય તો તેઓ ઉમરા પોલીસનો સંપર્ક કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.