પુણા પાટીયાના ભક્તિધામ મંદિર સામે સહજ રો-હાઉસ ખાતે રહેતા જીગ્નેશભાઈ અશોકભાઈ જૈન(30) પરવટ પાટીયા પાસે સંખેશ્વર કોમ્પ્લેક્સ ખાતે પહેલા માળે મહાવીર મોબાઈલ નામની મોબાઈલનો શોરૂમ ધરાવે છે. તેમની દુકાને મોબાઈલની અલગ અલગ કંપનીના 30થી 40 પ્રમોટર કામ કરે છે. રીઅલમી કંપની દ્વારા બે મહિના પહેલા જીગ્નેશભાઈના શોરૂમમાં પ્રમોટર તરીકે કામરેજના કઠોર ગામ ટાઈમવાડ ફળીયામાં રહેતા અરબાઝ આરીફ ટાઈને નોકરી પર રાખવામાં આવ્યો હતો.
રીઅલમી કંપનીના મોબાઈલ ફોન બતાવવાનું, વેચાણ કરવાનું કામ કરતો હતો તેમજ શોરૂમમાં કંપનીના મોબાઈલનો સ્ટોક પણ મેઈન્ટેન કરવાની જવાબદારી પણ તેની હતી. દરમિયાન અરબાઝે તેમની દુકાનમાંથી રીઅલમી કંપનીના રૂ.15,51,205ની કિંમતના 90 મોબાઈલ તફડાવી લીધા હતા. ગઈ તા.17મીએ રાત્રે અરબાઝ શોરૂમ પરથી નીકળી ગયા બાદ એક ગ્રાહક મોબાઈલ ખરીદવા માટે આવ્યો હતો. જેથી એકાઉન્ટન્ટ નિકુલ ધાંધલીયા ગ્રાહકને મોબાઈલ બતાવવા બોક્ષ ખોલ્યુ તો ખાલી મળી આવ્યું હતું. જેથી અરબાઝનો સંપર્ક સાધતા તેણે થોડી વારમાં આવી શોધી આપે છે તેવું જણાવ્યું હતું.
જેથી એકાઉન્ટન્ટ નિકુલભાઈએ અન્ય 5 બોક્ષ ચેક કરતા તમામ ખાલી મળી આવ્યા હતા. જેથી એકાઉન્ટન્ટે જીગ્નેશભાઈને જાણ કરી હતી. જીગ્નેશભાઈએ રીઅલમી કંપનીના ફોનના બોક્ષ ચેક કરાવતા કુલ 90 ફોન બોક્ષમાંથી મળી આવ્યા ન હતા. તેમજ અરબાઝનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. ત્યાર બાદ અરબાઝ શોરૂમ પર ન આવતા આખરે જીગ્નેશભાઈએ તેની સામે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જીગ્નેશભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.