સુરતની યુવતીની વ્યથા:પતિ કહેતો હું તને પ્રેમ નથી કરતો, હું અન્ય સ્ત્રીના પ્રેમમાં છું, મારું દેવું ઉતારવા જ તારી સાથે લગ્ન કર્યા છે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • લગ્ન સમયે પાંચ લાખ આપ્યા છતાં દહેજ ભૂખ્યા સાસરિયાંએ વધુ 20 લાખ માગી પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પતિ સહિત સાસરિયા સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકતા ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના 1 મહિના બાદથી જ પતિ સહિત સાસરિયાંઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પતિ ઉપર દેવું પણ થઈ ગયું હતું. પતિ પત્નીને કહેતો હતો કે, હું તને પ્રેમ નથી કરતો, હું અન્ય સ્ત્રીના પ્રેમમાં છું, મારું દેવું ઉતારવા જ તારી સાથે લગ્ન કર્યા છે.

લગ્નમાં આપેલા ઘરેણા દેવું થઈ જતા પતિએ વેચી નાખ્યા
લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે, 22 વર્ષીય મનિષા (નામ બદલ્યું છે)ના 26 નવેમ્બર 2020ના રોજ લિંબાયતમાં જ રહેતા વિનય મંડાલા સાથે થયા હતા. લગ્નમાં પિતાએ દહેજ પેટે માંગેલા 5 લાખ રૂપિયા પણ આપ્યા હતા. આ સાથે લગ્નમાં ઘરેણા પણ કરાવી આપ્યા હતા. લગ્નના એક મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી. દરમિયાન લગ્નમાં આપેલા ઘરેણા દેવું થઈ જતા પતિએ વેચી નાખ્યા હોવાની જાણ થતા પત્નીએ આ અંગે પતિ સાથે વાત કરી હતી. જોકે, પતિએ માર માર્યો હતો. ત્યારબાદથી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

વધુ 20 લાખ રૂપિયાના દહેજની માગ કરી
યુવતીએ પતિ માર મારતો હોવાની જાણ સાસુ-સસરાને કરતા તેણે પણ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ કહેતો હતો કે, મે તારા સાથે લગ્ન મારા ઉપર દેવું થયું છે તે પુરૂ કરવા માટે કર્યા છે આમ જ લગ્ન નથી કર્યા. તું તારા માતા-પિતાના ઘરેથી વધુ 20 લાખ રૂપિયા લઈ આવ અને મારા ઉપર થયેલું દેવું ઉતારવાનું રહેશે. વધુમાં કહ્યું હતું કે, હું તને પ્રેમ કરતો નથી, હું અન્ય સ્ત્રીના પ્રેમમાં છું. જોકે, તારા પિતા પાસે વધારે રૂપિયા હોવાથી તારા પિતાને ત્યાંથી રૂપિયા લાવીને મને આપે. જેથી મે તારી સાથે લગ્ન કર્યા છે.

પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
યુવતીએ પિતા પાસેથી વધુ રૂપિયા નહી લાવે તેમ કહેતા અવાર નવાર મારઝૂડ કરતો હતો. આ અંગે યુવતીએ માતા-પિતાને જાણ કરતા તેમણે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, 6 મહિના પહેલા પતિએ કહ્યું હતું કે, જો તું તારા માતા-પિતાના ઘરેથી માગ્યા મુજબની રોકડ રકમ નહીં લાવાશી ત્યાં સુધી અમારા ઘરે આવવું નહીં અને જોતું આવીશ તો તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ પતિ સહિત સાસરિયાંઓ યુવતીને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. છેલ્લા 6 મહિનાથી યુવતી માતા-પિતા સાથે રહે છે. અનેક વાર સમજાવવા છતાં ન માનતા આખરે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.