• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • "I Did Not Count 12 Days Of Cold And Cough, When I Went To The Doctor With Difficulty In Breathing, He Said, 80 Percent Of The Lungs Are Infected, In The End I Had To Give Tosilizumab."

સુરતમાં દર્દીના ઘરેથી ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ:12 દી' શરદી-ઉધરસ ગણકાર્યા નહીં, શ્વાસમાં તકલીફ થતાં ડોક્ટર પાસે ગયા તો કહ્યું, ફેફસાં 80% સંક્રમિત છે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કરના રિપોર્ટર પ્રદીપ કુલકર્ણી, જલ્પેશ કાળેણા, ફોટોગ્રાફર હેતલ શાહે પીપીઈ સૂટ, માસ્ક અને ગોગલ્સ પહેરી હોમ આઇસોલેશનના દર્દીઓની મુલાકાત લઈ આપેલો અહેવાલ - Divya Bhaskar
દિવ્ય ભાસ્કરના રિપોર્ટર પ્રદીપ કુલકર્ણી, જલ્પેશ કાળેણા, ફોટોગ્રાફર હેતલ શાહે પીપીઈ સૂટ, માસ્ક અને ગોગલ્સ પહેરી હોમ આઇસોલેશનના દર્દીઓની મુલાકાત લઈ આપેલો અહેવાલ
  • ઘરે સારવાર લઈ રહેલા કરીમ ભૂરીવાલાએ પરિચિતની વેદના વર્ણવતા કહ્યું, ‘લક્ષણો ભલે સામાન્ય હોય પરંતુ તરત જ નિદાન કરાવી લો
  • સુરતમાં 6814 દર્દી હોમ આઈસોલેશનમાં છે

શહેરમાં 6944 એક્ટિવ કેસોમાંથી 6814 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. ત્યારે દર્દીઓના ઘરેથી દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ઝાંપાબજાર રહેતા કોરોનાગ્રસ્ત કરીમ ભૂરીવાલાએ પોતાની અને પરિચિત વ્યક્તિની વેદના વર્ણવતા કહ્યું હતું કે, અમારા સમાજના એક યુવકને 12 દિવસથી શરદી-ખાંસી હતા પણ ટેસ્ટ ન કરાવ્યા, જ્યારે શ્વાસ લેવાની તકલીફ પડી ત્યારે ડોક્ટર પાસે ગયા. તો ડોક્ટરે નિદાન કર્યુ કે, ફેફસાં 80 ટકા સંક્રમિત છે.

સુરત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને ટોસિલિઝુમેબ આપવા પડ્યા. લક્ષણો ભલે સામાન્ય હોય પણ તરત જ નિદાન બીજા અને પોતાને બચાવી શકે છે. અન્ય એક કિસ્સામાં કોરોનાગ્રસ્ત 2 વર્ષની બાળકની માતાએ કહ્યું, ઘરના 8 સભ્યોને ચેપ ન લાગે એટલે બાળકોને સતત માસ્ક પહેરાવી સાચવવો પડે છે.

ડો. ધારા ગોંડલિયા
ડો. ધારા ગોંડલિયા

‘શાકભાજી લેવા ગઈ ત્યારે ચેપ લાગ્યો, 2 વર્ષનો દીકરો પણ સંક્રમિત થયો, દિવસમાં એક વાર ઉકાળો પીવો જોઈએ’
હું પોતે ડેન્ટિસ્ટ છું અને મારા પતિ નિરવ ગોંડલિયા આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે. મને 5મી જાન્યુઆરીના રોજ શરદી-ખાંસી થઈ હતી અને સાથે સાથે શરીરમાં પેઈન થઈ રહ્યું હતું. ટેસ્ટ કરાવ્યો તો પોઝિટીવ આવ્યો હતો. હું શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે જતી હતી, ત્યાંથી મને કોરોનાનો ચેપ લાગ્યો હશે. મને ચેપ લાગ્યા પછી મારા 2 વર્ષના દીકરાને પણ તાવ આવતો હતો. સાથે સાથે ઉધરસ પણ આવતી હતી. તેના લક્ષણો જોતા તેને પણ કોરોના થયો હોય તેવું લાગી રહ્યું હતું. એટલે બાળકોના ડોક્ટર પાસેથી દવા લીધી અને મારી સાથે અલગ રૂમમાં ક્વોરન્ટાઈન કરી દીધો હતો. તે થોડો જીદ્દી પણ થઈ ગયો છે. મેં કોરોનાના બંને ડોઝ લીધા હતા.

કોરોના થતાની સાથે જ સવારે એક વખત ઉકાળો પીવાની શરૂઆત કરી દીધી હતી. શાકભાજી અને જ્યુસ પીતી હતી. કોરોના થયો હોય અથવા તો બચવાના ભાગરૂપે લોકો ઉકાળો વધારે પીતા હોય છે. પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે, ‘ઉકાળો દિવસમાં એક જ વખત પીવો જોઈએ. જો વધારે પીશો તો તમારું ગળું વધારે ઘસાશે અને દુ:ખાવો પણ થશે. જ્યારે પણ લક્ષણો દેખાય એટલે તરત જ આરટીપીસીઆર કરાવો અને ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. - ડો.ધારા ગોંડલિયા, ઉત્રાણ

બે વર્ષના દીકરાને ખાંસી-ઉલટીઓ થતા સતત બે દિવસ અમે જાગતા રહ્યા
‘મારા 2 વર્ષના દીકરા પ્રથમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. છેલ્લાં કેટલાં દિવસથી તે ઘરની બહાર પણ નિકળ્યો નથી. ખબર નથી કે, કેવી રીતે તેને કોરોના થયો હશે. 5 દિવસ પહેલાં તેને ઉધરસ વધારે આવી રહી હતી અને રાત્રે તાવ પણ વધારે આવતો હતો. આજે તેની તબિયમાં થોડો સુધારો થયો છે. જ્યારે પણ કોઈ બાળકોને લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ પ્રમાણે ટેસ્ટ કરાવીને સારવાર કરાવવી જોઈએ.’ - કલ્પાનાબેન માંગુકિયા, મોટા વરાછા

કલ્પનાબેન માંગુકિયા
કલ્પનાબેન માંગુકિયા

‘સમયસર સારવાર શરૂ કરી દેશો તો અઠવાડિયામાં જ સાજા થઈ જવાશે, ક્વોરન્ટાઈનથી ગભરાશો નહીં’
‘મને 31 ડિસેમ્બરે અને મારા 30 વર્ષના ભાણિયા હબીબને 1લી જાન્યુઆરીના રોજ કોરોના થયો હતો. હું અને મારો ભાણેજ સંક્રમિત થતાં જ પરિવારના સભ્યોને મકાનના અન્ય માળ પર રહેવા મોકલી આપ્યા હતા. એક દિવસ મારી વાઈફ માસ્ક પહેર્યા વગર મારા રૂમમાં જમવાનું આપવા આવી ત્યારે મેં તેમને સમજાવી અને થોડા દિવસ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું. અમારા એક પરિચિતના દીકરાએ 12 દિવસ સુધી શરદી-ખાંસી હોવા છતાં બધાને કહ્યું કે, હું નોર્મલ જ છું. 12 દિવસ પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિ.માં દાખલ કરવો પડ્યો છે. ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન થઈ જતા ટોસિલિઝૂમેબના 2 ઈન્જેક્શન આપવા પડ્યા હતાં. તમને શરદી-ખાંસી થાય તો એ કોરોનાના લક્ષણો છે. એ વાતથી ડરો નહીં કે, પાલિકાવાળા આવશે અને તમને હોમ ક્વોરન્ટાઈન કરી દેશે. જો તમે પહેલેથી જ સારવાર લેવાની શરૂઆત કરી દેશો તો અઠવાડિયામાં સારા થઈ જશો અને અન્ય લોકોને પણ કોરોના થતાં રોકી શકશો. - કરીમ ભૂરીવાલા, ઝાપાબજાર

કરીમ ભૂરીવાલા
કરીમ ભૂરીવાલા

‘પુસ્તકોના વાંચનથી મનને પોઝિટિવ રાખવા પ્રયાસ કરું છું’
3 દિવસમાં જ મારી તબિયતમાં સુધારો આવ્યો છે. 6 જાન્યુઆરીના રોજ મને કોરોના થયો હતો. સવારે ઉકાળો, ડોક્ટરની દવા સમયસર લેતો હતો. હોમ કોરોન્ટાઈન થઈ ગયો હતો પરંતુ મને કંટાળો આવતો ત્યારે હું પુસ્તકોનું વાંચન કરતો હતો. કોરોના આવે તો ટેસ્ટ કરાવી જ લેવો.’ - મિલન ચોથાણી, શિક્ષક, રેડિયન્ટ, ઉગત-કેનાલ રોડ

‘લક્ષણ નથી, બીજાને ચેપ ન લાગે એટલે ક્વોરન્ટાઈન થયો’
‘સ્કૂલમાં કરેલા આરટીપીસીઆરમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરદી, ઉધરસ, તાવ પણ ન હતા. હોમ કોરોન્ટાઈન થવા કહ્યું હતું. 31મી ડિસેમ્બરથી હું હોમ ક્વોરન્ટાઈન છું. લક્ષણ ભલે ન હોય પરંતુ મારા કારણે અન્ય લોકોને કોરોના ન થવો જોઈએ. - કમલેશભાઈ રમેશભાઈ પટેલ, શિક્ષક, માધવબાગ સ્કૂલ, અમરોલી

​​​​​​​‘હું અને દીકરી બંને પોઝિટિવ, દીકરી ડ્રોઈંગ કરી સમય વીતાવે છે’
સૌથી પહેલા મારી દીકરીને ચેપ લાગ્યો હતો. તે એલપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે. કદાચ સ્કૂલેથી તેને ચેપ લાગ્યો હોય તેવું બની શકે. 30 ડિસેમ્બરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય હું તેના સંપર્કમાં રહેતી હોવાથી મેં પણ રિપોર્ટ કઢાવ્યો અને 1 જાન્યુઆરીએ મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. મને અને મારી દીકરીને પહેલીવાર જ કોરોના થયો પણ મારા પતિ રૂપાંગ દેસાઈને પહેલી લહેરમાં જ્યારે મોટી દીકરીને બીજી લહેરમાં કોરોના થયો હતો. એટલે ઘરમાં ક્વોરન્ટાઈન કેવી રીતે થવું અને શું સાવચેતી રાખવી તેનો અનુભવ હતો. ​​​​​​​મારી દીકરી પોઝિટિવ આવી પછી તેની ઓનલાઈન એક્ઝામ પણ હતી. જોકે, તે કેન્સલ થઈ ગઈ હતી. પણ ક્વોરન્ટાઈન થયા બાદ પણ તેણે ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખ્યો હતો. એક રૂમમાં તેનો સમય પસાર થતો નથી અને તે કંટાળે નહીં તે માટે આખો દિવસ ડ્રોઈંગ કરી સમય વિતાવે છે. ઘરમાં સાવચેતીપૂર્વક રહીએ તો અન્ય સભ્યોને પણ ચેપથી બચાવી શકીએ. - રૂપલ દેસાઈ, ભટાર

અન્ય સમાચારો પણ છે...