લિંબાયતમાં યુવકે નોકરી ઉપર રજા પાડીને પોતાની પહેલી પત્નીને અને બાળકોને મળવા જવાનું કહેતા યુવકની બીજી પત્ની ઉશ્કેરાઇ ગઇ હતી.તેણે ગુસ્સામાં પોતાના પતિ ઉપર ચપ્પુ તેમજ લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઇ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.પોલીસે પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત રાવનગર ખાતે રહેતા અકીલ મણીયારના લગ્ન શબનમ નામની મહિલા સાથે થયા હતા. જ્યારે અકીલના પહેલા લગ્ન શબાના નામની મહિલા સાથે થયા હતા અને તેનાથી તેને બે બાળકો પણ હતા. ગત તા. 29મી નવેમ્બરના રોજ અકીલ કામ ઉપર ગયો ન હતો. શબનમે આવીને અકીલને પુછતા તેને કહ્યું કે, આજે હું શબાના અને બાળકોને મળવા જવાનો છું. આ સાંભળીને જ શબનમ ઉશ્કેરાઇ ગઇ હતી અને અકીલને કહ્યું કે, “”તેરેકો મના કિયા હૈ ના, તેરી ઔરત શબાના કે ઘર જાને કે લીયે’’ તેમ કહીને અકીલને મારવા લાગી હતી.
આ મારામારીમાં અકીલના ઘરે થોડા દિવસ પહેલા જ રહેવા આવેલો સાદીક વચ્ચે પડ્યો હતો, ત્યારે શબનમે સાદિકને પણ મારવાનું કહ્યું હતું અને ઝપાઝપીમાં સાદિકને હાથમાં ઇજા થઇ હતી. આ મારામારી બાદ બાદમાં સાદીક ભાગી ગયો હતો અને પાછળથી શબનમ તેના પતિ અકીલને લાકડાના ફટકા વડે પગના ભાગે માર મારવા લાગી હતી. બાદમાં શબનમ જાતે જ અકીલને મેડીકલ કોલેજ સારવાર માટે લઇ ગઇ હતી. જ્યાં સારવાર દરમિયાન અકીલનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે લિંબાયત પોલીસે શબનમની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.