લફરાબાજ પતિને પરચો:સુરતમાં પરસ્ત્રી સાથે વીડિયો-કોલમાં પકડાયેલા પતિએ લાજવાને બદલે પત્નીને ઢોરમાર માર્યો, મહિલા સામાજિક કાર્યકરે પુરુષને તમાચા ઝીંક્યા

સુરત12 દિવસ પહેલા
પત્ની પર અત્યાચાર આચરનાર પતિની શાન ઠેકાણે લાવવા સામાજિક કાર્યકરે પ્રયાસ કર્યો હતો.
  • પત્નીને માર મારનાર પતિને સામાજિક કાર્યકરે મેથીપાક આપી વોર્નિંગ આપી

સુરતના વરાછામાં પતિને વીડિયો-કોલિંગ દ્વારા રંગરેલિયા મનાવતા પકડી પાડનારી પત્નીને ઢોરની જેમ ફટકારી હતી. જેથી મારનાર પતિને એક સોશિયલ વર્કરે જાહેરમાં તમાચા મારી કામ કરતી મહિલાની ઈજ્જત કરવાના પાઠ ભણાવ્યા હતા. લગ્નના સાત વર્ષના ગાળામાં અઢી વર્ષમાં 7થી વધુ વખત પત્નીને માર મારી અધમૂવી બનાવી દેનારા પતિને છેલ્લી વોર્નિંગ આપી હતી. દર્શનાબેને જણાવ્યું હતું કે દરેક મહિલા ખરાબ નથી હોતી, એમ દરેક પુરુષ પણ સીધા નથી હોતા. પીડિત મહિલા બે સંતાનોની માતા છે. ઘરકામ કરી પરિવારમાં આર્થિક મદદરૂપ થઇ રહ્યાં છે. બાળકોને ભૂખ્યાં રાખી વીડિયો-કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ સબક આપવો જરૂરી હતો, એટલે જ લાફા માર્યા છે.

પત્નીએ ઠપકો આપતાં પતિએ માર માર્યો
સામાજિક કાર્યકર દર્શના જાનીએ જણાવ્યું હતું કે મહિલા મારા સહિત લોકોનાં ઘરોમાં જઈને ઘરકામ કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી. બે સંતાનોની માતા છે. પતિ વોચમેન છે. જ્યાં વોચમેન તરીકે કામ કરે છે ત્યાં આખો પરિવાર એક નાનકડી રૂમમાં રહે છે. 5 ઘરનાં કામ કરી પીડિતા બાળકોનો અભ્યાસ ખર્ચ અને ઘરખર્ચ કાઢવામાં પણ મદદરૂપ થાય છે. દિવાળીના તહેવારોમાં મોટા ભાગના લોકો ગામડે કે પ્રવાસે ગયા હોવાથી પીડિત મહિલા બપોરે જ ઘરે પહોંચી ગઈ હતી, જ્યાં તેનો પતિ બાળકોને ભૂખ્યાં રાખી મોબાઈલ પર વીડિયો-કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતો હતો. મહિલાએ એટલું જ કહ્યું હતું કે બાળકોને તો જમાડી દેવા જોઈએ. પછી મોબાઈલ પર ચોંટી રહો, બસ, આ વાત પર પતિ ભરતે પત્નીને બાળકોની સામે જ માર મારી આંખમાં લોહી ઉતારી લીધું હતું. એટલું જ નહીં, પણ દીવાલ સાથે અથડાવી અથડાવીને માર માર્યો હતો.

પત્ની પર હુમલો કરનારને સામાજિક કાર્યકરે તમાચા ઝીંકી દીધા હતા.
પત્ની પર હુમલો કરનારને સામાજિક કાર્યકરે તમાચા ઝીંકી દીધા હતા.

મોટા ભાગે વીડિયો-કોલમાં પતિ રત રહે છે
સામાજિક કાર્યકર મહિલાએ કહ્યું હતું કે તેઓ 7 દિવસ બાદ બહારગામથી આવ્યા બાદ આ વાતની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક પીડિત મહિલાના ઘરે પહોંચી તપાસ કરતાં ભરતના મોબાઇલમાંથી એક શંકાસ્પદ કોલ નંબર મળી આવ્યો હતો. એટલું જ નહીં, પણ 24 કલાકમાં મોટા ભાગનો સમય મહિલાઓ સાથે વીડિયો-કોલિંગમાં પસાર કરતો હોવાનું સામે આવ્યું હતું. બસ, એટલે એને એના જ ઘર એટલે કે સોસાયટીમાં જાહેરમાં લાવી તમાચા મારવા પડ્યા હતા.

સામાજિક કાર્યકરની મધ્યસ્થી બાદ પતિએ પત્નીની માફી માગી હતી.
સામાજિક કાર્યકરની મધ્યસ્થી બાદ પતિએ પત્નીની માફી માગી હતી.

સોસાયટીના વોચમેનપદેથી કાઢી મૂકવાનો હતો
સોસાયટીના પ્રમુખે પણ અગાઉ ભરતને વોર્નિંગ આપી હતી. તેને નોકરી પરથી કાઢી મૂકવાના હતા. જોકે એ વખતે મેં મધ્યસ્થી કરી હતી અને છેલ્લીવાર માફ કરી દેવા કહ્યું હતું, કારણ કે એનાથી પીડિત મહિલા પર બોજો વધી જશે અને ઘર સાથે વોચમેન પતિની આવક પણ જતી રહેશે. તો ઘર કેમ ચાલશે એવા તમામ વિચારોથી સંમત સોસાયટીવાસીઓએ દબાણ કરતાં ભરતે માફી માગી બીજીવાર આવું ન થાય એની બાંયધરી આપી કમાઉ પત્નીનું સન્માન કરતી શીખ લીધી હોવાનું દર્શના જાનીએ વધુમાં જણાવ્યું હતું.