સુરતમાં પ્રેમ લગ્ન બાદ 7 વર્ષથી અલગ રહેતી પત્નીની બાળકોની સામે હત્યા કરનાર પતિની ધરપકડની ધરપકડ કરવામાં આવી છે. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતેના વિખવાદમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પત્નીની ત્રણ ગોળી મારી હત્યા કરનાર યુવાનની કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. ફાયરીંગ કરનાર પતિની બિહારમાં પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરી હતી.
બાળકોની સામે જ ત્રણ ગોળી મારી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં ગત 23 ફેબ્રુઆરીની મોડીરાત્રે અલગ રહેતી પત્ની ટીના ( ઉ.વ.30 ) પર પતિ અખીલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સીંગએ બાળકોની સામે જ ત્રણ ગોળી મારતા ટીનાને છાતી, પેટ, કોણી અને ઘૂંટણમાં ઇજા થઈ હતી. 16 વર્ષ અગાઉ પ્રેમલગ્ન બાદ સાત વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો અખીલેશ ફાયરીંગ કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
21 દિવસની સારવાર બાદ મોત
નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ ટીનાનું ઘટનાના ત્રણ અઠવાડીયા બાદ ગત 17 માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અખીલેશની ધરપકડ માટે તજવીજ કરી રહેલી કતારગામ પોલીસ તેના મોતના અઠવાડીયા અગાઉ તેને શોધવા બિહાર ગઈ હતી ત્યારે સ્થાનિક પોલીસે તેની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી. ટીનાના મોતને પગલે કતારગામ પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી હાલ વેલ્ડીંગનો વ્યવસાય કરતા અખીલેશકુમાર મોલેશ્વરી સિંગનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા તજવીજ કર્યા બાદ ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.