રશિયા અને યુક્રેનની યુદ્ધની અસર શહેરના હીરા ઉદ્યોગ પર પણ પડી રહી છે. જેના પગલે નેચરલ હીરાની રફની શોર્ટ સપ્લાય વર્તાઇ રહી છે. બીજી તરફ ચીનથી આયાત થતી લેબગ્રોનની એચપીએચટી રફના ભાવ 20 ટકા વધ્યાં છે અને તેમાંથી તૈયાર થયેલા હીરાના ભાવમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેથી હીરા વેપારીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.
છેલ્લાં બે વર્ષથી પુરપાટ ઝડપે ગતિ કરી રહેલા હીરા ઉદ્યોગમાં છેલ્લાં 3 મહિનાથી બ્રેક લાગી છે. શહેરમાં આયાત થતાં નેચરલ હીરાની કુલ રફમાંથી 30 ટકા રફ રશિયાથી આયાત કરાય છે. રશિયા અને યુક્રેનની યુદ્ધની સ્થિતિને લઈને સુરતના હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી છે. અમેરિકા હીરાનું સૌથી મોટું માર્કેટ છે પરંતુ યુદ્ધને કારણે અમેરિકન સરકારે રશિયાની રફમાંથી બનેલા હીરા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે શહેરમાં રફની શોર્ટસપ્લાય ઉભી થઈ છે.
રફની શોર્ટ સપ્લાયને કારણે શહેરના અમુક હીરા ઉદ્યોગપતિઓ દ્વારા નેચરલની સાથે-સાથે લેબગ્રોન હીરાનું પણ કટ એન્ડ પોલિશ્ડ કરવાનું શરૂ કરી દિધું છે. લેબગ્રોનની એચપીએચટી રફ ચાઈનાથી આયાત થાય છે. નેચરલ રફની શોર્ટ સપ્લાયને કારણે ચાઈનાની એચપીએચટી રફની પતલી સાઈઝના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ પતલી સાઈઝના તૈયાર હીરાના ભાવ ન મળતા વેપારીઓની મુશ્કેલી વધી છે.
ભાવ ઓછા છતાં મજબૂરીમાં હીરા વેચવા પડી રહ્યા છે
લેબગ્રોન ડાયમંડ એસોસિએશના પ્રમુખ બાબુ વાઘાણી કહે છે કે, ‘નેચરલ હીરાની રફની શહેરમાં અછત છે ત્યારે બીજી બાજુ એચપીએચટી રફની પતલી સાઈઝમાંથી બનાવવામાં આવેલા તૈયાર હીરાના ભાવ 20 ટકા ઓછા આવી રહ્યાં છે, વેપારીઓ મજબૂરીમાં હીરા વેચવા પડી રહ્યાં છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.