ઉધના મગદલ્લા રોડ પર સફલ સ્કેવરમાં ચોથા માળે હોટેલ ચલાવતા માલિક પર 5 લાખ રૂપિયાની લેતીદેતી બાબતે ચપ્પુથી હુમલો કરાયો હતો. હુમલો કરનાર હોટેલ માલિકના ભાણીયાનો સાળો થાય છે. આ અંગે હસમુખ ગણાતરાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા આધારે પોલીસે હુમલાખોર હરદીપવાળા(રહે,અડાજણ) સામે મારામારીનો ગુનો નોંધ્યો છે. સફલ સ્કેવરમાં ચોથા માળે હસમુખ ઉર્ફે મામા બાલકૃષ્ણ ગણાતરા એલ્યુર હોટેલ ચલાવે છે.
જે જગ્યા પર અત્યારે હોટેલ છે તે જ જગ્યા પર હસમુખનો ભાણેજ અને તેનો સાળો હરદીપ સ્પા ચલાવતા હતા. હસમુખ ગણાતરાએ ભાણેજ અલ્પેશ પાસેથી 37 લાખમાં બનાવેલા સ્પાના 27 લાખ આપી દીધા હતા. એક વર્ષ પછી ભાણેજ અલ્પેશે આપઘાત કરી લીધો હતો. જેથી તેનો સાળો હરદીપવાળા 10 લાખ રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેમાંથી હસમુખે 2 લાખ રૂપિયા હરદીપવાળાને રોકડા અને અલ્પેશની પત્નીને 50 હજારના હપ્તા પેટે 3 લાખની રકમ મળી કુલ 5 લાખ આપી દીધા હતા.
બાકીના અલ્પેશના નીકળતા 5 લાખ આપી દેવાની વાત કરી હતી. છતાં હરદીપવાળા એક સાથે 5 લાખો આપો અથવા હોટેલ ખાલી કરો એમ કહી ઉઘરાણી કરતો હતો. બીજી તારીખે સોમવારે હરદીપવાળાએ પીધેલી હાલતમાં આવી રૂમમાં બેસી વાત કરવી છે એમ કહી રૂમ નંબર-7માં હસમુખ ગણાતરા સાથે બેસી દરવાજો બંધ કરી હરદીપવાળાએ તેને ચપ્પુના ઘા ઝીંકી ત્યાંથી ભાગી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.