તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈચ્છાશક્તિની આગ બૂઝી:હોસ્પિટલની મંજૂરીમાં ફાયર સેફ્ટી ચકાસવાનો મુદ્દો જ ન હતો, મનપાએ ફરી ગાડું દોડાવ્યું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરે પ્રશ્ન કરતા સામે આવ્યું કે, તક્ષશિલા અગ્નિકાંડ વખતે ફાયર સેફ્ટીને મહત્ત્વ આપવાની વાત અમદાવાદ અગ્નિકાંડ સુધીમાં વિસરાઈ ગઇ, ડો. કથીરિયાની હોસ્પિટલે તો અરજી પણ નથી કરી
  • 60 દર્દીની સારવાર ચાલી રહી છે તેવી 6 ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત

તક્ષશિલા અગ્નિકાંડ સમયે રાજકોટમાં મનપાનું તંત્ર દોડતું થયું હતું અને શાળાઓ અને હોસ્પિટલમાં એનઓસી ફરજિયાત કરાવવા નિર્ણય લીધો હતો અને જ્યાં સુધી ફાયર સેફ્ટીના સાધનો ન હોય ત્યાં સુધી ક્લાસિસ બંધ કરાવ્યા હતા. હવે પછી ફાયર સેફ્ટીને મહત્ત્વ અપાશે તેવું ગાણું મનપાએ ગાયું હતું. અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગતાં ફરી તંત્ર દોડતું થયું હતું અને હોસ્પિટલ ચકાસી હતી ત્યારે ખબર પડી કે કોવિડ હોસ્પિટલની મંજૂરી અપાઈ રહી હતી તેના ચેકલિસ્ટમાં ક્યાંય ફાયર એનઓસી છે કે નહીં તે મુદ્દો જ ન હતો. એટલે કે તક્ષશિલા કાંડ વખતે જે મોટા ઉપાડે એનઓસીની વાત કરી હતી તે અમદાવાદ કાંડ સુધીમાં અધિકારીઓ ભૂલી ગયા હતા.

ફાયર સેફ્ટીનો મુદ્દો ઉમેરીને તમામ હોસ્પિટલને નોટીસ ફટકારાશે
રાજકોટમાં 14 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી છે. અમદાવાદની ઘટના બાદ ત્યાં તપાસ કરાતા સિવિલ સહિત માત્ર 6 જ હોસ્પિટલ પાસે એનઓસી છે બાકીની 7 હોસ્પિટલમાં કે જ્યાં શહેરના જ 60 દર્દી સારવાર લઈ રહ્યા છે ત્યાં આગ બુઝાવવાની સિસ્ટમ નથી તેમજ માત્ર બાટલા છે. અમુકે અરજીઓ કરી છે જ્યારે ડો. વલ્લભ કથીરિયાની શ્રેયસ હોસ્પિટલે તો અરજી પણ નથી કરી. મનપાના નાયબ કમિશનર બી.જી. પ્રજાપતિને ભાસ્કરે પ્રશ્ન કર્યો હતો કે, સુરતની ઘટના બાદ એનઓસી ફરજિયાત હતું તો કોવિડ હોસ્પિટલની મંજૂરીમાં કેમ ન જોયું ત્યારે તેમણે જણાવ્યું કે, હોસ્પિટલની મંજૂરીમાં તમામ પેરામીટર ચેક કરવા ખાસ ટીમ મોકલવામાં આવે છે. આ ટીમ પાસે ચેક લિસ્ટ હોય છે જે તમામ બાબતો ચકાસવાની હોય છે પણ તેમાં ક્યાંય ફાયર સેફ્ટીનો મુદ્દો ન હતો માત્ર મેડિકલ બાબતો જ હતી. ત્યારે મહાનગરપાલિકાએ હોસ્પિટલની મંજૂરીમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ઉમેરીને તમામ હોસ્પિટલને નોટીસ ફટકારાશે.

ફાયર સેફ્ટીનો મુદ્દો ઉમેરી તમામને નોટિસ અપાશે
ભાસ્કરના પ્રશ્ન બાદ નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિએ જણાવ્યું છે કે, હવે કોઇ નવી હોસ્પિટલને મંજૂરી અપાશે તેમાં ફાયર સેફ્ટીનો મુદ્દો પ્રથમ જોવાશે. એક વખત કોવિડ હોસ્પિટલમાં તપાસ પૂરી થાય એટલે ફાયર બ્રિગેડ એનઓસી અને સાધનો ન ધરાવતી હોસ્પિટલને નોટિસ આપશે. માત્ર એટલું જ નહીં હવે બધી હોસ્પિટલમાં આ અંગે તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...