પોલીસને આમ જનતા માહિતી આપી શકે તે માટે મુકેલા સજેશન બોક્સમાં એક ચિઠ્ઠીના આધારે ઉમરા પોલીસે હનીટ્રેપનો ગુનો ઉકેલી નાખ્યો છે. જેમાં ખુદ સુરત પોલીસનો એક જમાદાર મુખ્ય સૂત્રધાર છે. હાલમાં અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટરનો હે.કો. જયેશ યાદવ(આહીર) ફરાર છે. જેને શોધવા માટે ઉમરા પોલીસની ટીમે અમદાવાદમાં ધામા નાખ્યા છે. પોલીસ નજીકના દિવસોમાં જમાદારને પકડવામાં સફળતા મળી શકે તેમ છે.
કાપડના વેપારીને ઘોડદોડ રોડના પુજા એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો તે ફલેટમાં રહેતી 50 વર્ષીય મહિલાને પોલીસકર્મી જયેશ યાદવે રાખી હતી. તે મહિલા ફરાર છે. હાલમાં ઉમરા પોલીસે પોલીસકર્મી જયેશ યાદવનો સાગરિત જિજ્ઞેશ હસમુખ જીયાવીયાની ધરપકડ કરી છે. તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે. રિમાન્ડમાં સૂત્રધાર પોલીસકર્મી જયેશ યાદવ સહિત 3 આરોપી કયા છે તેની તપાસ કરવામાં આવશે.
વેપારીની જેમ અન્ય કોને કોને હનીટ્રેપનો શિકાર બનાવ્યો તેની તપાસ કરાશે, ટૂંકમાં જિજ્ઞેશ અને પોલીસકર્મી જયેશ યાદવની કોલ ડિટેઇલ્સની પોલીસ તપાસ કરાવે તો ઘણા ભોપાળા બહાર આવી શકે છે. પોલીસકર્મી જયેશ યાદવની ટોળકીએ વેપારીને બ્લેકમેલિંગ કરવા માટે 5 લાખની માંગણી કરી બાદમાં 3 લાખની માંગણી કરી હતી. ટોળકીએ વેપારીના ખિસ્સામાંથી 10 હજારની રકમ પડાવી લીધી હતી.
જમાદાર જયેશ યાદવ ગોરખધંધા કરાવતો હતો
વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો તે ફલેટનું 18 હજાર ભાડુ જિજ્ઞેશ જીયાવીયા ચૂકવે છે. હે.કો.જયેશે ફલેટમાં જિજ્ઞેશની સાથે એક યુવતી અને એક મહિલાને રાખી હતી. નબીરાઓને ફલેટમાં બોલાવી માયાજાળમાં ફસાવી તેના ફોટા પાડી હે.કો. જયેશની આ ગેંગ ધમકી આપી પૈસા પડાવતી હતી.
આરોપીઓએ ‘ડી સ્ટાફ’ની ડંફાસ મારી હતી
પોલીસના યુનિફોર્મમાં કે.કે.પરમારની ઓળખ આપનાર પોલીસકર્મી જયેશ યાદવ(આહીર) હતો. જયારે રોહિત પટેલની ઓળખ આપનાર જિજ્ઞેશ જીયાવીયા તેમજ કનકસિંહના નામે દેવેન્દ્ર જોષી હતો. ત્રણેય જણાએ ઉમરા પોલીસ મથકના ડી સ્ટાફમાં હોવાની પણ ડંફાશ મારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.