મર્ડર કેપિટલ સુરત:ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સુરત જ ક્યાં સલામત છે? 24 કલાકમાં બે મહિલા સહિત ત્રણ મર્ડર, ગુનાખોરો બેફામ

સુરત7 મહિનો પહેલા
  • મહિલાની છેડતીમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા, ઘરમાં જ વૃદ્ધાને ટૂંપો દઈ લાશ સળગાવવા પ્રયાસ

ગૃહ રાજ્યમંત્રીના શહેર સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. સુરતમાં 24 કલાકમાં હત્યાની ત્રીજી ઘટના બની છે. વૃદ્ધાની તેના જ ઘરમાં હત્યા કરાયા બાદ સળગાવી દેવાનો પ્રયાસ કરાયો છે. ગત રોજ મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે વરાછામાં પતિએ પત્નીને ચારિત્ર્યની શંકામાં પેટમાં કોણી મારીને તેમજ ગળું દબાવી હત્યા કરી હતી.

ગળેટૂંપો આપી, માથાંના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરી.
ગળેટૂંપો આપી, માથાંના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરી.

1. વૃદ્ધાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી
સુરતના સાંકી ગામે વૃદ્ધાની એના જ ઘરમાં નિર્મમ હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. આનંદીમાં રેસિડેન્સીમાં રહેતા કમલાદેવી રામલાલ મુલચંદ શર્મા (ઉ.વ. 62)ની હત્યા કરાયેલી હાલતમાં હોવાની જાણ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. હત્યા બાદ મૃતદેહ સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. વૃદ્ધા કમલાદેવી ઘરમાં એકલા હતા. પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસેલા અજાણ્યા ઇસમે વૃદ્ધાને ગળેટૂંપો આપી, માથાંના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વૃદ્ધાની 8 વર્ષીય પૌત્રી શાળાએથી ઘરે આવતા ઘરમાંથી ધુમાડો નીકળતા જોઈ બૂમાબૂમ કરતા પડોશોઓ દોડી આવ્યા હતા. પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક વૃદ્ધા કમલાદેવી ઘરમાં એકલા હતા.
મૃતક વૃદ્ધા કમલાદેવી ઘરમાં એકલા હતા.

આશિષ (વૃદ્ધાનો દીકરો) એ જણાવ્યું હતું કે ત્રણ ભાઈઓમાં મોટો પરિણીત ભાઈ વતન રાજસ્થાનમાં રહે છે. અમે બે ભાઈ અને એક ભાઈની દીકરી સાથે માતા સાથે રહેતા હતા. સોસાયટીમાં વસ્તુ વેચવા આવતા ફેરિયાઓને ચા પાણી પણ પીવડાવતા હતા. ઘટના બપોરે બની હોય એમ કહી શકાય છે. બસ અમને અમારી માતાની નિર્દય હત્યા કરનારને સજા મળે એજ અમારી માગણી છે. છેલ્લા આઠ મહિનામાં લગભગ ત્રણવાર ઘરમાંથી ચોરી પણ થઈ છે. બધી જ ઘટના બપોરના સમયમાં બનતી હતી. ગેસ બોટલ ખાલી હતી સવારે જ બોટલ ભરાવવાની વાત થઈ હતી. હત્યા બાદ ઘરમાં આવતા માતાને ફીનાઇલથી સળગાવી હોય એ વાત નકારી શકાય નહીં. ગળા પર મોબાઈલ ચાર્જિગના વાયર વડે ટૂંપો અપાયો હતો. ઘરમાંથી એક પણ વસ્તુની ચોરી થઈ નથી.

ઠપકો આપતા યુવકની હત્યા કરી દેવાઈ.
ઠપકો આપતા યુવકની હત્યા કરી દેવાઈ.

2. રાત્રે તું રહીશ કે હું કહી યુવકની હત્યા કરી નાખી
સુરતના પાંડેસરામાં મકાન માલિકની પત્નીની છેડતી કરતા પાડોશી યુવકે ઠપકો આપ્યો હતો. તેથી આરોપીએે ઠપકો આપનારને ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આરોપી સોમનાથ રામરક્ષણ ગુપ્તા(રહે.જગન્નાથ નગર,વડોદ,પાંડેસરા) ને સાલુ ક્રિષ્ણાપાલ વર્માએ ઠપકો આપ્યો હતો. તે સમયે સોમનાથે સાલુને ધમકી આપી હતી. સાંજે સાલુ તેના ઘરની બહાર ઉભો હતો તે સમયે આરોપી સોમનાથ ચપ્પુ લઈને આવ્યો અને તેના પર હુમલો કર્યો હતો.

ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરાઈ.
ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરાઈ.

ગળા અને છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. તે સમયે શિવબાલક વર્મા બચાવવા વચ્ચે પડતા તેના ડાબા પગના ભાગે સોમનાથે ચપ્પુથી ઘા કરીને ઇજા પહોંચાડી હતી. લોકોનું ટોળું ભેગું થઈ જતા સોમનાથ ભાગવા લાગ્યો હતો. લોકોએ સોમનાથને પકડીને તેના જ રૂમમાં પુરી દીધો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી કાર્યવાહી હાથ ધરી હતી. શિવબાલક વર્માએ આરોપી સોમનાથ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

પત્નીએ વતન જવાની ના પાડતા ઝઘડો થતા પતિએ હત્યા કરી નાખી.
પત્નીએ વતન જવાની ના પાડતા ઝઘડો થતા પતિએ હત્યા કરી નાખી.

3.પતિએ જ પત્નીની હત્યા કરી નાખી
વરાછામાં એ.કે. રોડ પર ક્ષમા સોસાયટીમાં વિઠ્ઠલ પ્રેમજી ખીમાણીયા(મૂળ. ખોડાસણ ગામ, વિસાવદર,જુનાગઢ) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરા છે. વિઠ્ઠલ કાપોદ્રામાં ગાયત્રી સોસાયટીમાં સુરેશ ભગના હીરાના કારખાનામાં મેનેજર છે. ઘરે વિઠ્ઠલ અને પત્ની એકલા હતા. પત્ની સાથે વતનમાં મોટા ભાઈની દીકરીની સગાઈમાં જવું હતું પરંતુ પત્ની વતન જવાની ના પાડતા ઝઘડો થયો હતો.

પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી.
પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી.

કોણીથી પત્નીને મારી, મોઢું અને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. વિઠ્ઠલ આખી રાત પત્નીની લાશ પાસે બેસી રહ્યો હતો. પતિને પત્નીની ચારિત્ર્ય અંગે પણ શંકા હતી. પત્ની 5 મહિના પહેલા ક્યાંક જતી રહી હતી,થોડા દિવસે આવી હતી. પત્નીની હત્યા બાદ પતિ જ પોલીસ સ્ટેશન પહોંચી હત્યા કરી હોવાની જાણ કરી હતી. જેથી પોલીસે કાર્યવાહી કરી હતી.