મુલાકાત:16મીએ સુમુલનો ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત-તાપી જિલ્લાની 6 હજાર મંડળીના પ્રતિનિધિ ભાગ લેશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 16મી ડિસેમ્બરે સુમુલ ડેરી દ્વારા બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રિય સહકાર મંત્રાલયના મંત્રી ગૃહમંત્રી અમિત શાહ અને 6 હજાર સહકારી મંડળીઓના પ્રતિનિધી, આગેવાનો ઉપસ્થિત રહેશે.

સહકારી મંડળીઓમાં સમગ્ર ભારતમાંથી દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. ત્યારે ભારત સરકાર દ્વારા પ્રથમ વખત સહકારી મંત્રાલય બનાવાયું છે જેના મંત્રી અમિત શાહ છે.સહકારી પ્રવૃત્તિઓને સારી રીતે આગળ લઈ જઈ શકાય તે માટે સુમુલ ડેરી દ્વારા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં અમિત શાહનું સન્માન કરાશે. કાર્યક્રમમાં અમિત શાહની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદ સીઆર પાટીલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ઉર્જા મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહેશે.

સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી સારી પ્રવૃત્તિ થાય છે. તેને દેશમાં અમલ કરવા તેમજ સહકારી પ્રવૃત્તિ ફૂલે ફાલે અને સભાસદને ફાયદો થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શેરડીના રસમાંથી ઈથેનોલ બનાવતા પ્લાન્ટ નંખાશે
સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં સહકારી પ્રવૃત્તિઓ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 10 હજાર કરોડ રૂપિયાની આવક મળી રહી છે. ત્યારે ખેડૂતોની આવકમાં વધારો થાય તે પ્રમાણે હવે આગળની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. શેરડીના રસમાંથી ઈથેનોલ બનાવતા પ્લાન્ટ દક્ષિણ ગુજરાતમાં નાંખવાનું આયોજન ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...