બીચ બંધ છે:રવિવારની રજામાં સુરતીઓએ ડુમસ તરફ દોટ મૂકી, પોલીસે રસ્તો જ બંધ કરી દીધો, સહેલાણીઓ વિલા મોઢે પરત ફર્યા

સુરત4 મહિનો પહેલા
બેરિકેટથી રસ્તો બંધ કરી ડુમસ તરફ જતા લોકોને અટકાવાયા.
  • દરિયાકિનારે ફરવા ગયેલા સહેલાણીઓને પોલીસે પરત મોકલ્યા
  • કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા હજુ ડુમસ બીચ જવા પર પ્રતિબંધ

સુરત શહેર ધીરે ધીરે કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. શહેર માટે સારા સમાચાર એ છે કે કોરોનાના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે તેવા સમયે રાજ્ય સરકાર અને સુરત કોર્પોરેશન દ્વારા અનેક પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે. જેને કારણે જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. પરંતુ હજી પણ સંપૂર્ણપણે શહેરને કોરોનાથી મુક્તિ મળી નથી તેથી હજી પણ કોર્પોરેશન દ્વારા કેટલાક પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં ડુમસ બીચ પણ હજુ બંધ રાખવામાં આવ્યો છે. આજે રવિવારની રજા હોવાથી સુરતીઓ મોટી સંખ્યામાં ડુમસ જવા નીકળ્યા હતા. જોકે, પોલીસે તમામ સહેલાણીઓને પરત મોકલ્યા હતા. જેથી નિરાશ થઈને મોજ-મસ્તી કર્યા વગર પરત ફરવું પડ્યું હતું.

ડુમસ અને સુવાલી બીચ ઉપર જવા પ્રતિબંધ
સુરત કોર્પોરેશન દ્વારા હજી પણ કોરોના સંક્રમણ શહેરમાં ન વધે તેના માટે તકેદારી રાખી રહી છે. સુરતીઓ હરવા-ફરવાના શોખીન સ્વભાવના છે તેથી શનિવાર અને રવિવારે ડુમસ બીચ અને સુવાલી બીચ ઉપર મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી જાય છે. કોર્પોરેશન દ્વારા હજી પણ દરિયાઈ બીચો પર જવા પ્રતિબંધ લગાવ્યા છે. કારણકે ખૂબ મોટી સંખ્યામાં સુરતીઓ તેમજ અન્ય શહેરના લોકો બીચ ઉપર આવતા હોય છે. તેવા સમયે ફરી વખત કોરોના માથું ઊંચકે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન અને પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે.

સહેલાણીઓને ડુમસ તરફ જતા અટકાવવામાં આવ્યા.
સહેલાણીઓને ડુમસ તરફ જતા અટકાવવામાં આવ્યા.

મોજ-મસ્તી કર્યા વગર પરત ફરવું પડ્યું
આજે રવિવાર હોવાથી સવારથી જ સહેલાણીઓ શહેરથી ડુમસ બીચ તરફ દોટ મૂકી હતી. પોતાના પરિવાર સાથે તેમજ મિત્રો સાથે ગયેલા લોકોને પોલીસે પરત વાળ્યા હતા, તો કેટલાકને દંડ પણ ફટકાર્યા હતા. ગઈકાલે શનિવારે પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ રવિવાર હોવાથી આજે વધુ સંખ્યામાં લોકો લટાર મારવા નીકળ્યા હતા. જોકે, નિરાશ થઈને મોજ-મસ્તી કર્યા વગર પરત ફરવું પડ્યું હતું.

ડુમસ તરફનો આખો રસ્તો જ બેરિકેટથી બંધ કરી દેવાયો.
ડુમસ તરફનો આખો રસ્તો જ બેરિકેટથી બંધ કરી દેવાયો.

પોલીસ કર્મચારીઓએ સહેલાણીઓને પરત જવા સમજાવ્યા
યોગીતા જરીવાલા જણાવ્યું કે, અમે આજે સવારે મિત્રો સાથે ડુમસ બીચ પર ફરવા જવાનું આયોજન કર્યું હતું. જોકે અમારા ધ્યાન બહાર રહી ગયું હતું કે શનિવાર અને રવિવારે ડુમસ બીચ ઉપર જવા પર પ્રતિબંધ છે. અમે એવું વિચારતા હતા કે મંદિર, જીમ તેમજ બધા જ બજારો શરૂ થઇ ગયા છે, ત્યારે બીચ પર પણ હવે જવાની છૂટ હશે. પરંતુ અહીં આવીને ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ તમામ સહેલાણીઓને પરત જતા રહેવા માટે સમજાવી રહ્યા હતા. એટલે સમજાઈ ગયું કે હજી બીજ ઉપર જવાની મંજૂરી આપવામાં આવી નથી. તેથી અમે સૌ કોઈ પરત ફરી ગયા.

પોલીસ કર્મચારીઓ તમામ સહેલાણીઓને પરત જતા રહેવા માટે સમજાવ્યા.
પોલીસ કર્મચારીઓ તમામ સહેલાણીઓને પરત જતા રહેવા માટે સમજાવ્યા.