વરણી:સુરતનાં નવાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીનાં નામ પર કળશ ઢોળાયો, વિરોધ પક્ષના નેતા તરીકે 'આપ'ના ધર્મેશ ભંડેરી

સુરત9 મહિનો પહેલા
સુરતનાં નવાં બનેલાં મેયર હેમાલી બોઘાવાલા.
  • પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે વરણી
  • અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બન્યા

શહેરીજનોની આજે આતુરતાનો અંત થયો છે. 35માં મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ સાથે પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે વરણી કરવામાં આવી છે, જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બન્યા છે. હેમાલી બોઘાવાલા મેયર બનતાં ભાજપના નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષના નેતા તરીકે ધર્મેશ ભંડેરીની વરણી કરી છે.

સુરતને વિશ્વમાં આગવું સ્થાન મળે તેવા પ્રયાસઃ મેયર
નવા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરતની વણથંભી વિકાસનું પર્યાય છે. સુરત શહેરને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટેના તમામ પ્રયાસો જનપ્રતિનિધિઓ અને વહીવટી કર્મવીરો સાથે સુરતને વિશ્વના ફલક પર એક આગવું સ્થાન મળે તેવા પ્રયાસ કરીશું.

વિરોધ પક્ષના નેતા તરીકે ધર્મેશ ભંડેરીની વરણી
આમ આદમી પાર્ટીએ પાલિકાની ચૂંટણીમાં એક સાથે 27 બેઠક પર જીત હાસંલ કરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ સાથે આપ પાલિકાના વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ગયા છે. ભાજપ દ્વારા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આજે સવારે પાલિકાના નવા ચૂંટાયેલા નગર સેવકોની પહેલી બોર્ડની મળનારી બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતાની વરણી કરી છે તો વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે ધર્મેશ ભંડેરીની વરણી કરી છે.

મેયર, ડ.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી થઈ.
મેયર, ડ.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી થઈ.

સ્થાયી સમિતિની ટીમ
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે સ્થાયી સમિતિમાં વ્રજેશ ઉનડકટ, ઉર્વશી પટેલ, ચીમન પટેલ, દક્ષેશ વાઘાણી, સુધાકર ચૌધરી, મનીષા મહાત્મા, ભૂષણ પાટીલ, રશ્મિબેન, અમીતાબેન પટેલ, ધર્મેશ ભાલાળાની પસંદગી કરવામાં આવી છે.

મેયર તરીકે હેમાલી બોઘાવાલાએ પ્રથમ સામાન્ય સભામાં સંબોધન કર્યું.
મેયર તરીકે હેમાલી બોઘાવાલાએ પ્રથમ સામાન્ય સભામાં સંબોધન કર્યું.

રાજકોટ અને જામનગરના મેયર પણ જાહેર
સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂત અને દંડક તરીકે વિનોદ પટેલની પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ચૂકી હતી. સુરત, જામનગર અને રાજકોટ મનપાના હોદ્દેદારોનાં નામોની જાહેરાત બાકી હતી ત્યારે આજે સુરત રાજકોટ અને જામનગરના મેયર સહિતના હોદ્દેદારોનાં નામ પણ જાહેર થયા છે, જેમાં રાજકોટના મેયર તરીકે CMના અંગત ડો. પ્રદીપ ડવ નવા મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શીતા શાહની વરણી થઈ છે. જ્યારે જામનગરનાં મેયર તરીકે બિનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમારની વરણી થઈ છે.

મેયર તરીકેના નામમાં હેમાલી બોઘાવાલા(ફાઈલ તસવીર), દર્શિની કોઠિયાનું નામ અગ્ર ક્રમે હતું.
મેયર તરીકેના નામમાં હેમાલી બોઘાવાલા(ફાઈલ તસવીર), દર્શિની કોઠિયાનું નામ અગ્ર ક્રમે હતું.

અંતિમ નિર્ણય CM અને પ્રદેશ અધ્યક્ષે લીધો
પાર્લમેન્ટરી બોર્ડમાં જો અને તો પર અંતિમ ચર્ચાઓ ચાલી હતી તેમાં જો સૌરાષ્ટ્રિયન મેયર બને તો સ્ટેન્ડિંગ સુરતીને તેમ સુરતી મેયર બને તો સૌરાષ્ટ્રિયનને સ્ટેન્ડિંગ ચેરમેનપદ આપવાનું અને અન્ય પરપ્રાંતિય સમાજ, મરાઠીઓને ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા, દંડક ના સ્થાન ફાળવવાની ગણતરી કરવામાં આવી હતી. જોકે, પાર્લમેન્ટરી બોર્ડ બેઠક બાદ અંતિમ નિર્ણય તો સીએમ અને પ્રદેશ અધ્યક્ષે જ લીધો છે.

સુરતના નવા ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીની ફાઈલ તસવીર.
સુરતના નવા ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીની ફાઈલ તસવીર.

મેયર સહિતનાં આ નામો ચર્ચામાં હતાં
ચર્ચાતા નામોમાં હેમાલી બોઘાવાલા, દર્શિની કોઠિયાનાં નામો અગ્ર ક્રમે હતા, પરંતુ પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવા નિયમો જે રીતે ભાજપ પક્ષમાં અમલમાં મુકાયા તે રીતે સુરત મહાપાલિકામાં પણ સ્કાયલેબ જ આવે તેવી શક્યતા પ્રબળ હતી. સ્ટેન્ડિંગ ચેરમેનમાં અગાઉ ચેમ્બરના પ્રમુખ રહી ચુકેલા પરેશ પટેલ, રાકેશ માળી, દિનેશ જોધાણી સહિતના નામોની ચર્ચા છે. ડે.મેયર અને શાસક પક્ષ નેતામાં સોમનાથ મરાઠે, અમીત રાજપૂત, સુધા પાંડે ક્યાં તો નવા જ યુવા ચહેરાને આ પદ માટે તક આપવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

અમદાવાદ (ડાબે), વડોદરા(જમણે નીચે) અને ભાવનગરના નવા મેયર.
અમદાવાદ (ડાબે), વડોદરા(જમણે નીચે) અને ભાવનગરના નવા મેયર.

આ પહેલાં 3 શહેરમાં મેયર વરણી થઈ હતી
10 માર્ચના રોજ રાજ્યના 3 મહાનગરોના મેયર પદ સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ છે. જેમા અમદાવાદમાં કિરીટ પરમાર, વડોદરામાં કેયુરભાઇ રોકડીયા તેમજ ભાવનગરમાં કીર્તિબેન દાણીધારીયાની મેયર પદ વરણી થઈ હતા. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે અમદાવાદમાં ગીતાબેન પટેલ,વડોદરામાં કેયુર રોકડિયા અને ભાવનગરમાં કિર્તિબેન દાણીધારીયાની વરણી થઈ હતા. મેયર તેમજ ડે.મેયરની જાહેરાત પહેલા અનેક વિસ્તારોમાં વિવાદનો માહોલ પણ સર્જાયો હતો. જ્યારે બીજીતરફ પોતાના પસંદગીના મેયર મળતા સ્થાનિકો ખુશ જોવા મળ્યા હતા.