ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ડાયમંડ બુર્સની ‘ઊંચાઈ’ ખજોદને ભારે પડવા માંડી ગામનું લેવલ નીચું થઈ જતાં વરસાદી પાણી ઘૂસી ગયાં

સુરતએક મહિનો પહેલાલેખક: શિશિર મેકવાન
  • કૉપી લિંક
  • ગૌચર-ખેતીની જમીનો ગઈ અને રસ્તા પણ બંધ થઈ જતાં પશુપાલન-ખેતીના વ્યવસાયને અસર
  • હેલ્થ સેન્ટર, આંગણવાડી, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, રોડ જેવા વાયદા પણ કાગળ પર
  • બુર્સના બાંધકામને લીધે ગામની સીમમાં પાણીનું કુદરતી વહેણ ફેરવાઈ ગયું: ગ્રામજનો

શહેરના છેવાડે આવેલા ખજોદ ગામમાં ડાયમંડ બુર્સનો મહાકાય પ્રોજેક્ટ સાકાર થયો છે. 4200 ઓફિસ ધરાવતા બુર્સમાં બહારના રાજ્યોના હીરા એકમોની પણ ઓફિસ શરૂ થશે, જેમાં કરોડોનો વેપાર થશે. જો કે, જ્યાં આ પ્રોજેક્ટ બન્યો છે તે ગામાના ઘણા લોકોએ રોજીરોટી ગુમાવી છે. પશુ પાલકોએ પશુઓ વેચી દેવા પડ્યા છે તો ખેતર ગુમાવનાર ખેડૂતોએ બીજી આજીવિકા શોધવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં પણ હવે વરસાદી પાણી ગામમાં ભરાવા લાગ્યા છે. સ્થાનિક અગ્રણી પ્રકાશ કોન્ટ્રાકટરે જણાવ્યું કે, પૂરના પાણી પણ ગામમાં આવતા ન હતા.

હવે બુર્સના કારણે રોડ ઉચા કરી દેવાતાં થોડા વરસાદમાં પણ ગામમાં પાણી ઘૂસી જાય છે. બુર્સ બનાવતા પહેલા 2018માં કલેકટરની અધ્યક્ષતામાં રાખેલી સુનાવણી વખતે ગામમાં સુવિધા પુરી પાડવા બાંયધરી અપાઈ હતી. જેમાં ગામમાં હેલ્થ સેન્ટર, લાઇબ્રેરી, કમ્યુનિટી હોલ, આંગણવાડી, પાર્ટી પ્લોટ, રસ્તાઓ, પેવર બ્લોક, ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજની સુવિધા આપવા જણાવ્યું હતું. પરંતુ એ માત્ર કાગળ પર જ છે.

500 વિંઘાના ખેતરોના રસ્તા બંધ
ગામના ઘણાખરા ખેડૂતોની જમીન બુર્સ પાસે 3 ટાપુ પર આવેલી છે. આશરે 500 વિંઘા છે. જોકે,બુર્સના કારણે ત્યાં જવાના રસ્તા બંધ થઇ ગયા છે. > હીરાભાઇ પટેલ, માજી ઉપસરપંચ

અનેક ગ્રામજનોએ પશુ વેચી દીધાં
​​​​​​​પહેલા અહીં આભવા, સરસાણા, બુડીયા, જીઆવ સહિતના પશુપાલકો ચારા માટે અાવતા હતા. હવે જગ્યા નહીં રહેતા લોકોએ પશુ વેચી દીધા છે. > યશવંત પટેલ, પશુપાલક

બુર્સ-જ્વેલરી પાર્કમાં નોકરી આપવાના હતા
​​​​​​​તંત્રએ સ્થાનિકોને બુર્સ-જ્વેલરી પાર્કમાં નોકરી આપવા વાત કરી હતી. જોકે, હજુ પરિણામ શૂન્ય છે. જો લોકોને રોજગારી ન અપાય તો આંદોલન કરાશે. > પ્રકાશ પટેલ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...