કરા સાથે વરસાદ:સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતોની ચિંતા વધારી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો. - Divya Bhaskar
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરત જિલ્લાના વાતાવરણમાં આજે ફરી પલટો જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેટલાક ગામોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતોની ચિતામાં વધારો થયો છે.

કરા સાથે વરસાદ
હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક ધોધમાર વરસાદ વરસવા માંડ્યો હતો. એટલું જ નહીં કેટલાક તાલુકાઓમાં વરસાદની સાથે કરાઓ પણ પાડ્યા હતા.

ઉમરપાડા તાલુકાના ગામોમાં કરા પડ્યા.
ઉમરપાડા તાલુકાના ગામોમાં કરા પડ્યા.

ઉનાળામાં હિમવર્ષા
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર, ખૌટારામપુરા, રાજનીવડ, વડગામ, ડોંગરીપાડા, કોલવાણ, મોટીદેવરૂપણ, ઉમરદા સહિતના ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો. તો બીજી તરફ સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદની સાથે બરફના કરાઓ પણ પડ્યા હતા. ઉનાળાના સમયમાં કરા પડતા હિમવર્ષા જેવો માહોલ બની ગયો હતો. જેને લઇ ઉમરપાડા સહિતના તાલુકા અને ગામોમાં કાશ્મીર જેવી ઠંડક થઈ ગઈ હતી.

ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો.
ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો.

અચાનક વરસાદ વરસતા લોકો પરેશાન થયા
સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં બપોર બાદ આવેલા વાતાવરણમાં પલટાથી એકાએક વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક વરસાદી માહોલ જોવા મળતા ધંધે તેમજ કામ અર્થે બહાર નીકળેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ વરસાદ અને કરા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો.
વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો.

ખેડૂતોની વધી ચિંતા
ઉનાળાના સમયમાં જે રીતે વરસાદીમાં માહોલ બની રહ્યો છે અને કમોસમી વરસાદ ઉપરાંત બરફના કરા પડી રહ્યા છે તેને લઈ પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. સુરત જિલ્લામાં ફરી એક વખત કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા બમણી થઈ છે. આ પ્રકારના વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદ અને બરફના કરાને કારણે કેરી ઉપરાંત લીલી શાકભાજી અને બાગાયતી પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.