મેઘ મહેર:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ યથાવત, ઉકાઈ ડેમમાંથી 1 લાખ 66 હજાર ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર

સુરતએક વર્ષ પહેલા
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું વધારાયું છે(ફાઈલ તસવીર)
  • ઉકાઈ ડેમમાં આવકની સામે 1લાખ 90હજાર ક્યુસેક પાણી છોડવા મંજૂરી અપાઈ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી યથાવત રહી છે. દક્ષિણ ગુજરાતના 32 તાલુકાઓમાં એકંદરે એક ઈંચથી લઈને 4 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલોછલ વહી રહ્યાં છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાંથી તંત્ર દ્વારા 1લાખ 90હજાર ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. જેની સામે અત્યારે 1 લાખ 66 હજાર 745 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. શહેર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને તકેદારી રાખવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.

ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી ઘટાડાઈ
ઉકાઈ ડેમની ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ડેમમાં પાણીની આવક 1 લાખ 23 હજાર 485 ક્યુસેક છે. ઉકાઈનું રૂલ લેવલ 335 ફૂટ છે. જેથી આ સપાટી જાળવી રાખવા ડેમમાંથી હાલ આવક સામે જાવક 1 લાખ 66 હજાર 745 ક્યુસેક કરવામાં આવી છે. જેથી ઉકાઈની સપાટી 333.92 થઈ છે.

ઉકાઈમાંથી 1 લાખ 90 હજાર ક્યુસેક પાણી છોડાવા મંજૂરી
ફ્લડ સેલ દ્વારા ઉકાઈ ડેમમાં પાણીની આવકને જોતા 1 લાખ 90 હજાર ક્યુસેક પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઉકાઈમાં પાણીની આવક વધે તો 1 લાખ 90 હજાર ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે. ઉકાઈમાંથી આ પાણી હાઈડ્રો, ગેટ ખોલીને અને કેનાલ મારફતે છોડવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

લોકોને એલર્ટ કરાયા
સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી હોય ખાસ તકેદારી રાખવા વિનંતી તથા સુરત મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે માટે જરૂરી સહકાર આપવા વિનંતી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં વરસાદ
વિતેલા 24 કલાક દરમિયાન તાપી જિલ્લાના સોનગઢમાં 44 મીમી વરસાદ વરસ્યો છે જ્યારે નિઝર તાલુકામાં સૌથી ઓછો 6 મીમી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં બારડોલીમાં સૌથી વધુ 56 મીમી અને સૌથી ઓછો ઓલપાડમાં 7 મીમી વરસાદ પડ્યો છે.નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં દક્ષિણ ગુજરાતનો સૌથી વધુ 95મીમી વરસાદ ખાબક્યો છે. જ્યારે જલાલપોરમાં સૌથી ઓછો 41મીમી વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં વલસાડમાં સૌથી વધુ 77 અને વાપીમાં 20 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં સૌથી વધુ સુબ્બિર અને વઘઈમાં 59મીમી જ્યારે સૌથી ઓછો આહવામાં 52મીમી સાથે એકંદરે 57 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.