ઋતુની અસર:સુરતમાં ઠંડીનો ચમકારો વધતાં પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવો માટે હીટરની વ્યવસ્થા કરાઈ

સુરતએક મહિનો પહેલા
સિંહના પાંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યાં છે.
  • તાપમાનનો પારો ઘટીને 14 ડિગ્રીએ પહોંચતાં વ્યવસ્થા કરાઈ

છેલ્લા પંદર દિવસથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પણ 14 ડિગ્રી સુધી વાતાવરણ અનુભવાયું છે. ઠંડી રાત્રી સમયે વધુ હોવાના કારણે સુરત મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્કમાં પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરવા માટે શરૂઆત કરવામાં આવી છે. સરથાણા નેચર પાર્ક ખાતે વન્ય પ્રાણીઓના પાંજરા પાસે હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને તેઓ વધુ પડતાં ઠંડા વાતાવરણમાં મુશ્કેલીનો અનુભવ.

પ્રાણીઓને ઠંડીમાં રક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાણીઓને ઠંડીમાં રક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

તકેદારી રખાઈ
સરથાણા નેચર પાર્કમાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલા વન્યપ્રાણીઓની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે. ત્રણેય ઋતુઓની જે પ્રકારે શહેરીજનો ઉપર અસર દેખાય છે તેવી જ રીતે અન્ય પશુઓ ઉપર પણ તેની અસર સ્વાભાવિક રીતે જ દેખાતી હોય છે. એવી સ્થિતિમાં સુરત કોર્પોરેશન દ્વારા વન્ય પ્રાણીઓને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેની સમયાંતરે કાળજી રાખવામાં આવતી હોય છે. શિયાળાની ઋતુમાં વન્યપ્રાણીઓને ગરમી મળી રહે તે માટે હીટર લગાડવામાં આવે છે. તો ઉનાળા દરમિયાન વધુ પડતી ગરમીના પ્રકોપમાં પ્રાણીઓને ઠંડક મળી રહે તેના માટે ફાઉન્ટેન પણ લગાડવામાં આવે છે.

પક્ષીઓના પાંજરામાં લેમ્પ મૂકાયા છે.
પક્ષીઓના પાંજરામાં લેમ્પ મૂકાયા છે.

લેમ્પ લગાવાયા
સરથાણા નેચર પાર્કના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડૉ. રાજેશ પટેલે જણાવ્યું કે, શિયાળામાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. તેના કારણે નેચર પાર્કમાં રહેલા પ્રાણીઓ પણ તેનાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને વાઘ સિંહ દીપડા સહિતના વન્યપ્રાણીઓના પાંજરા પાસે 15 જેટલા મીટર મૂકવામાં આવ્યા છે જેથી કરીને રાત્રી દરમિયાન વધારે પડતી ઠંડીના માહોલમાં તેઓ ગરમ વાતાવરણનો અનુભવ કરી શકે તેમજ પક્ષીઓના પાંજરાઓમાં પણ 200 વોલ્ટના લેમ્પ લગાડવામાં આવ્યા છે જેથી કરીને પક્ષીઓના પાંજરામાં પણ ઠંડીનો પારો ગગડી ગયા બાદ પણ પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ બની રહે. દરેક સીઝન પ્રમાણે વન્યપ્રાણીઓ માટે અને પક્ષીઓ માટે આ પ્રકારની અલાયદી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ થતો હોય છે.