કોરોનાથી સાજા થયા બાદ MIS (મલ્ટી-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ)નો ભોગ બનેલા કેસનું પ્રમાણ ગત વર્ષ કરતાં વધ્યું છે. સિનિયર ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, MISને કારણે હૃદય 15થી 20 ટકા ફૂલી જવાના કેસ નોંધાયા છે. સુરત, રાજકોટ સહિત શહેરોમાં બાળકો પણ MISનો ભોગ બન્યા છે. સુરતમાં અત્યારસુધી 2 અને વડોદરામાં 3 બાળકનાં મોત નોંધાયાં છે. સુરતમાં આ વર્ષે MISના 350 કેસ નોંધાયા છે. વડોદરામાં MIS-Cના બાળદર્દીના 13 કેસ નોંધાયા છે. તબીબોના જણાવ્યા પ્રમાણે, કોવિડથી સાજા થયેલાં બાળકોમાં MISનાં લક્ષણો પારખવામાં મોડું થવાને લીધે તેમની હાલત ગંભીર બને છે.
પોસ્ટ કોવિડ બાદ 30થી 45 વર્ષના યુવાનોમાં હાર્ટ-અટેકનું પ્રમાણ વધ્યું
MIS અંગે રાજકોટના અગ્રણી કાર્ડિયોલોજિસ્ટ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે પોસ્ટ કોવિડ હાર્ટ-અટેકમાં 30થી 45 વર્ષના યુવાનોનું પ્રમાણ વધ્યું હતું. આવા યુવાનોમાં હાર્ટ-અટેકને જવાબદાર અન્ય રિસ્ક ફેક્ટર પણ ન હતા. કોરોના બાદ હાર્ટ-અટેક પાછળ શરીરનો ઈન્ફ્લામેન્ટરી રિસ્પોન્સ જવાબદાર છે, જેનાથી લોહી ગંઠાઈ જતાં હાર્ટ-અટેક આવે છે. આ પ્રકારના કેસમાં સામાન્ય કરતાં બ્લોકેજ વધુ હોવાથી એન્જિયોપ્લાસ્ટીમાં 3થી 4 ગણો સમય લાગે છે.
4 વર્ષના બાળકના હૃદયની નસ ફુગ્ગાની જેમ ફૂલી ગઈ
હાર્ટ-અટેક બાદ ઘણા કેસમાં હૃદય ફૂલી જાય છે, પણ કોવિડમાં એવધુ જોખમી બને છે, એટલે રિકવરી પણ મોડી આવે છે. જ્યારે બાળકોમાં આ સ્થિતિ અલગ જોવા મળી છે. કોરોના બાદ થતા એમઆઈએસ રોગમાંથી 25 ટકા બાળકોને હૃદય પર અસર જોવા મળી, જેમાં હાર્ટ-અટેક વગર જ તેમના હૃદય ફુલાઈ ગયા હતા. એક 4 વર્ષના બાળકને હૃદયની દીવાલો પાતળી થઈ હતી, વાલ્વ લીક થયો હતો, વાળ જેટલી હૃદયની નસ ફુગ્ગાની જેમ ફૂલી ગઈ હતી, જે અસામાન્ય છે.
કારણ અને લક્ષણોઃ કોરોના દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિના સક્રિય થવાથી લોહી ગંઠાવાની પ્રક્રિયા વધે છે તેમજ નળીમાં સોજા આવે છે અને ક્લોટિંગ વધે છે. એમઆઇએસનાં લક્ષણોમાં તાવ આવવો, પેટમાં દુખાવો, ઝાડા, સાંધાનો દુખાવો, હોઠ અને આંખો લાલ થવી, શરીરે ચાઠા પડવા વગેરેનો સમાવેશ થાય છે. અમુક બાળકોને કમળો પણ થાય છે. બાળક સતત ધાવણ ન લે અને અકારણ રડ્યા કરે તોપણ ડૉક્ટરને બતાવવું જરૂરી છે.
અસામાન્યઃ એક કરતાં વધુ ધમની બ્લોક હોય છે, પણ કોરોનામાં એક જ નળી બ્લોક થાય
છેલ્લા કેટલાક સમયથી પોસ્ટ કોવિડ હાર્ટ-અટેકની સંખ્યા વધી છે. અન્ય હાર્ટ-અટેક હોય અને એન્જિયોગ્રાફી કરીએ ત્યારે જે ધમની બ્લોક હોય એ ઉપરાંત બીજી બે ધમનીમાં ક્યારેક 25 કે 30 ટકા બ્લોકેજ જોવા મળે છે, પણ પોસ્ટ કોવિડમાં ત્રણમાંથી એક ધમની 100 ટકા બ્લોક હોય, જ્યારે બાકીની બે એકદમ ચોખ્ખી હોય છે. આ જ રીતે ડાબા પગની નસ, મગજની નસ એ તમામ એક જ નસમાં બ્લોકેજ હોય છે. કોઇ એક જ નસ પર અસર શા માટે થાય છે એની પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ પોસ્ટ કોવિડ હાર્ટ-અટેકમાં રિકવરી પણ ધીમી હોય છે - ડો. મૃદુલ શર્મા, કાર્ડિયોલોજિસ્ટ, રાજકોટ.
પલ્મોનરી એમ્બોલિઝમઃ ફેફસાં-હૃદયને જોડતી નસોમાં બ્લોકેજ વધારે, હૃદય હજુ નોર્મલ નથી
કોરોના પછીના હાર્ટ-અટેકમાં એન્જિયોપ્લાસ્ટી શરૂ કરીએ તો એમાં ખૂબ જ થ્રોમ્બોસીસ જોવા મળે છે અને સામાન્ય એન્જિયોપ્લાસ્ટ કરતાં 3થી 4 ગણો સમય વીતી જાય છે. થ્રોમ્બોસીસ(ગંઠાયેલું લોહી)ને ઓગાળવા માટે ભારે ઈન્જેક્શન દેવા પડે છે. બ્લોકેજમાં ખાસ કરીને પલ્મરી એમ્બોલિઝમ એટલે કે હૃદય અને ફેફસાંની વચ્ચેની નળીમાં વધુ જોવા મળે છે. પોસ્ટ કોવિડ હાર્ટ-અટેકમાં મારી પાસે આવેલા કેસમાં સુધારો જરૂર થયો છે, પણ નોર્મલ થયા નથી. ચાર વર્ષના એક બાળકને પોસ્ટ કોવિડ એમઆઈએસમાં હૃદય ફૂલ્યું હતું, નળી ફૂલી હતી. આવા જૂજ પણ 25 ટકા કેસ આવ્યા છે. - ડો. અભિષેક રાવલ, કાર્ડિયોલોજિસ્ટ, રાજકોટ
કેસ - 1
જિજ્ઞેશ પાટડિયા (37 વર્ષ)એ જણાવ્યું હતું કે, કોરોનાના 17 દિવસે છાતીમાં દુખાવા બાદ હાર્ટ-અટેકનું નિદાન થયું હતું. રાત્રે જ એન્જિયોપ્લાસ્ટી કરી હતી. ડો. રાવલના જણાવ્યા મુજબ, કોવિડના દર્દીઓમાં થ્રોમ્બોસીસનું પ્રમાણ એટલું વધે છે કે એન્જિયોપ્લાસ્ટી સિવાય વિકલ્પ નથી રહેતો.
કેસ - 2
મુકેશ લોદરિયા(43 વર્ષ) જણાવે છે કે કોરોનાના 13મા દિવસે છાતીમાં દુખાવો થયો હતો. કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવા છતાં એન્જિયોગ્રાફી કરાઈ હતી. ડો. રાવલે જણાવ્યું હતું કે મુકેશભાઈ પોઝિટિવ હતા, પણ હૃદયની સાથે સાથે ફેફસાંમાં પણ ઘણો ચેપ હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.