અંગદાન થકી જીવનદાન:સુરતના 23 વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગોથી સાતને નવજીવન મળ્યું, 1610 કિ.મી. અંતર કાપીને 210 મિનિટમાં ફેફસાં ચેન્નાઈ પહોંચાડાયા, સુદાનના નાગરિકમાં ટ્રાન્સપ્લાન્ટ થયું

સુરત21 દિવસ પહેલા
  • હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી 29 વર્ષીય યુવતીમાં કરાયું

ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરતના બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા (ઉ.વ. 23)ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા 23 વર્ષીય યુવકમાં ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જેથી સુરતના ફેફસા સુદાનની હવામાં શ્વાસ ભરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાંથી હૃદયદાનની બાવનમી અને ફેફસાંના દાનની પંદરમી ઘટના છે.

ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ યુવક બ્રેઈન ડેડ જાહેર
સુરત શહેરના ડીંડોલીમાં રહેતો અને ઓનલાઈન સાડી વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો પ્રયાગ 7 નવેમ્બરના રોજ મુંબઈથી પોતાના મિત્રો સાથે કારમાં સુરત આવી રહ્યો હતો. ત્યારે ચારોટી પાસે ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે અથડાતા પ્રયાગને માથામાં અને કરોડરજ્જુમાં ઈજાઓ થવાથી કાસામાં આવેલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરી વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ પ્રયાગની તબિયત વધુ ગંભીર થતા એમઆરઆઈ કરાવતા મગજમાં લકવાની અસર જણાતા 14 નવેમ્બરના રોજ ક્રેનીયોટોમી કરી મગજનો સોજો દુર કર્યો હતો. 15 નવેમ્બરના રોજ યુનિટી હોસ્પિટલના ડોકટરોએ પ્રયાગને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રયાગના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

યુવકને પરિવાર અને હોસ્પિટલ સ્ટાફે સલામી આપી.
યુવકને પરિવાર અને હોસ્પિટલ સ્ટાફે સલામી આપી.

પરિવારે દીકરાના અંગોના દાનની સંમતિ આપી
પ્રયાગના પિતા હંસરાજભાઈ અને માતા રમાબેને જણાવ્યું કે બનવાકાળ જે બનવાનું હતું તે બની ગયું છે, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે સંમતિ આપીએ છીએ.. વધુમાં તેઓએ જણાવ્યું કે અમે વારંવાર અંગદાનના સમાચારો વાંચીએ છીએ. આ એક ઈશ્વરીય કાર્ય છે.

પરિવારજનોએ દીકરાના અંગોને ભારે હૈયે વિદાય આપી.
પરિવારજનોએ દીકરાના અંગોને ભારે હૈયે વિદાય આપી.

અલગ-અલગ વ્યક્તિઓને નવજીવન આપ્યું
લિવર અમદાવાદ, એક કિડની અમદાવાદ, બીજી કિડની અને હૃદય અમદાવાદમાં મોકલવામાં આવ્યું હતું. દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય દર્દી ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર ન હોવાને કારણે ફેફસાંની ફાળવણી ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ સુદાનની નાગરિકતા ધરાવતા 23 વર્ષીય યુવકને કરવામાં આવી હતી. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 35 વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી 30 વર્ષીય મહિલામાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી 36 વર્ષીય વ્યક્તિમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી 29 વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું છે. આ યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા 23 વર્ષીય યુવકમાં ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

માતા-પિતાએ વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કર્યું.
માતા-પિતાએ વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કર્યું.

ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનના નાગરિકમાં કરાયું
ગુજરાતમાંથી હૃદયદાનની બાવનમી અને ફેફસાંના દાનની પંદરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા આડત્રીસ હૃદય દાન અને 12 જોડ ફેફસાં દાન કરાવવામાં આવ્યા છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન અને સુદાનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

સુરતમાં એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવાયા.
સુરતમાં એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવાયા.

ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા
હ્રદય, ફેફસાં, કિડની અને લિવર સમયસર ચેન્નઈ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. નોંધનીય છે કે હૃદય અને ફેફસાં સમયસર સુરતથી હવાઈમાર્ગે દેશના જુદા-જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેરમાં 50મો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દેશમાં સુરત માત્ર એક એવું શહેર છે કે જ્યાંથી 38 હૃદય અને 12 જોડ ફેફસાં દેશના જુદા-જુદા શહેરોમાં કોમર્શિયલ કે ચાર્ટર વિમાન મારફતે મોકલવામાં આવ્યા હોય. હૃદય અને ફેફસા સુરતથી દેશના બીજા શહેરોમાં સમયસર હવાઈમાર્ગે મોકલવા માટે સુરત એરપોર્ટ ઓથોરીટીનો હંમેશા સહયોગ મળતો રહ્યો છે.

પ્લેન મારફતે હૃદય અને ફેફસાં પહોંચાડવામાં આવ્યા.
પ્લેન મારફતે હૃદય અને ફેફસાં પહોંચાડવામાં આવ્યા.

કુલ 891 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષી
કોવિડ-19ની મહામારી પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન 52 કિડની, 30 લિવર, 12 હૃદય, 20 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 52 ચક્ષુઓ સહીત 167 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથના દાન મેળવી દેશ અને વિદેશના કુલ 153 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 412 કિડની, 175 લિવર, 8 પેન્ક્રીઆસ, 38 હૃદય, 24 ફેફસાં અને 316 ચક્ષુઓ સહીત કુલ 973 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને 891 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...