તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાંદેરમાં પત્નીની દવા લેવા જતા ફ્રુટના વેપારીને રિવોલ્વર બતાવી રૂ. 4 કરોડની ખંડણી મંગાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજસીટોકમાં વોન્ટેડ અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપુરાના નામે ખંડણી માંગી, 5 સામે ગુનો
  • વેપારીને 4 કલાક સુધી બેસાડી રાખ્યો, ઘરે દવા આપી પરત આવવાનું કહી વેપારી અને મિત્ર ભાગી નીકળ્યા

ગુજસીટોકમાં વોન્ટેડ અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાની ગેંગના માણસોએ રાંદેરના ફ્રુટના વેપારીને રિવોલ્વર બતાવીને 4 કરોડની ખંડણી માંગી હતી. જેમાં દવા લેવાનું કહીને આરોપીઓથી બચી નીકળેલા વેપારીએ અલ્તાફ પટેલ સહિતના 5 સામે ખંડણીની ફરિયાદ આપતા રાંદેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

રાંદેર ગોરાટ રોડ પર અલનૂર રેસિડેન્સીમાં રહેતા ફ્રુટના વેપારી અને જમીન લે-વેચનું કામ કરતા 31 વર્ષીય નવાઝ જાફર પોઠીયાવાલાની પત્ની બિમાર હોવાથી તેઓ મિત્ર સાથે મોપેડ પર મંગળવારે મોડીરાતે દવા લેવા જઇ રહ્યાં હતા. આ દરમિયાન રસ્તામાં કારમાં આવેલા 3 શખ્સોએ વેપારીને આંતરીને ગંગાસાગર સોસાયટીના ગાર્ડનના પાર્કિંગમાં લઇ ગયા હતા.

જ્યાં એક બદમાશે રિવોલ્વર કાઢી વેપારીને કહ્યું હતું કે, ‘અમારૂ બ્રેકગાઉન્ડ તને ખબર છે, અમે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાના માણસો છીએ. તારે અહિંયા ધંધો કરવો હોય અને રહેવું હોય તો અમને જીએસટી આપવી પડશે. જો 4 કરોડ નહીં આપે તો જાનથી હાથ ધોવા પડશે.’ એમ કહી 4 કલાક સુધી બેસાડી રાખ્યા હતા. વેપારીએ દવા લઈને પાછા આવવાનું કહેતા જવા દીધા હતા.

વેપારીએ ઘરે જઈ પરિવારને વાત કરી હતી. વેપારીની ફરિયાદ પર રાંદેર પોલીસે અબ્દુલ્લા ઉર્ફે માંજરો ડાંગરા (અડાજણ પાટીયા), ગ્યાસ ઉર્ફે ભુરા શેખ (માનદરવાજા) અને ઝુબેર (અડાજણ), વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની સામે ગુનો નોંધ્યો છે.

વરાછામાં 15 લાખની ખંડણીનો ગુનો નોંધાયો હતો
કુખ્યાત અલ્તાફ પટેલ અને માથાભારે વિપુલ ગાજીપરા વિરુદ્ધ ગણતરીના દિવસોમાં ખંડણી માંગવાનો આ બીજો ગુનો નોંધાયો છે. અગાઉ અડાજણના રેતી કપચીના વેપારીને ફરિયાદ પાછી ખેંચી લેવા માથાભારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા તેના સાગરીતોએ થોડા દિવસો પહેલા રેલવે સ્ટેશન પાસે બંધક બનાવી માર મારી 15 લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

આ સિવાય ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ આચરવાના મામલે લાગુ થયેલા ગુજસીટોકના ગુનામાં માથાભારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા બન્ને વોન્ટેડ છે. વર્ષો અગાઉ મુંબઇમાં વિદેશી મહિલાની હત્યામાં પણ અલ્તાફ પટેલની સંડોવણી હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...