ક્રાઇમ:પોલીસપુત્રની ખોટી ઓળખ આપી નોકરી મેળવી 70 હજારની ચોરી કરી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાની રાજકોટથી કાપોદ્રા પોલીસમાં બદલી થયાનું કહ્યું હતું
  • વરાછાના રેડીમેડના વેપારીની અરજી પર 4 મહિના બાદ ગુનો દાખલ

વરાછામાં રેડીમેઇડ ડ્રેસની દુકાનમાં પોલીસ પુત્રની ઓળખ આપીને સેલ્સમેન તરીકે નોકરીએ લાગેલા ઠગ યુવકે માત્ર પાંચ દિવસમાં પોત પ્રકાશ્યું હતું. જેમાં તેણે દુકાનની બિલબુકમાં મૂકેલા 70 હજાર રૂપિયા રોકડા તફડાવીને સારવારનું બહાનું ધરી ભાગી ગયો હતો. 15મી ફેબ્રુઆરીમાં બનેલી ઘટનામાં અરજીના આધારે પોલીસે ઠગ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

વરાછા ઉમરવાડા જુની બોમ્બે માર્કેટ પાસે રેડીમેઇડની દુકાનમાં સેલ્સમેન જરૂર હોવાનું વેપારીએ બોર્ડ માર્યુ હતું. આથી એક યુવક નોકરી માટે અહીં આવ્યો હતો. યુવકે પોતાનું નામ જીગ્નેશ ઉર્ફે દેવ જોષી આપ્યું હતું. પછી તેણે વેપારીને કહ્યું કે પોતે રાજકોટના વતની હોવાનું અને પિતા નરેન્દ્ર જોષી ઉર્ફે નાગરાજ પોલીસમાં છે અને તેમની રાજકોટથી સુરત કાપોદ્રા ખાતે બદલી થઈ છે. પોતે કાપોદ્રા રચના સર્કલ પાસે રહે છે. વેપારીએ 10મી ફેબુઆરી-21એ તેને 8 હજારના પગાર પર નોકરી પર રાખ્યો હતો. 14મી તારીખે વેપારીએ બિલ બુકમાં 70 હજાર મૂક્યા હતાં.

આ રકમ 15મી તારીખે ગાયબ થઈ હતી. બાદમાં જીગ્નેશ જોષી કાનની સારવારનું બહાનું કરી જતો રહ્યો હતો.ત્યાર બાદ તેણે ફોન પણ બંધ કરી દીધો હતો. બીજા દિવસે વેપારીને બિલબુકમાં રૂપિયા મળ્યા ન હતાં. જેથી સીસીટીવી ચેક કરતાં ખબર પડી કે બપોરના સમયે મોકો મળતા જીગ્નેશ 70 હજારની રકમ તફડાવી લીધી હતી.

થોડાક દિવસમાં ID પ્રુફ આપવાનું કહ્યું હતું
ઠગ જ્યારે નોકરીએ લાગ્યો ત્યારે વેપારીએ તેની પાસે ઓળખના પુરાવા માંગ્યા હતા. તે સમયે તેણે પોતાનો અડધો સામાન રાજકોટ હોવાનું જણાવીને ગલ્લાંતલ્લાં કર્યા હતા. એટલું જ નહીં ચોરી કરીને નાસી છૂટ્યાં બાદ પોલીસે જ્યારે ઠગે આપેલા કાપોદ્રા રચના સોસાયટીના એડ્રેસ પર તપાસ કરતાં ત્યાં આવો કોઇ શખ્સ રહેતો ન હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...