સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી ઇડી અને ડીઆરઆઇએ રૂબી સ્ટોનના નામે સિન્થેકિટ રૂબીના પેન્ડન્ટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ છે. અંદાજે રૂપિયા એક હજાર કરોડના હવાલા કાંડમા ત્રણ કંપનીઓ સામેલ છે. ઇડીએ 25 લાખ રોકડા અને 10 કરોડ રૂપિયાની ગોલ્ડ-ડાયમંડ જ્વલેરી જપ્ત કરી હતી. ઇડી બાદ ડીઆરઆઇએ તપાસ કરી હતી અને હાલ સ્ટેટ જીએસટીની ટીમ દરોડામાં સામેલ થઈ છે.
હલકી કક્ષાના સ્ટોન વિદેશ મોકલી તેની આડમાં હવાલા મારફત રૂપિયા મોકલાતા હતા. સમગ્ર કૌભાંડ ત્યારે પકડાયુ જ્યારે સ્ટોનનું પેમેન્ટ થઈ જતુ હતંુ પરંતુ તેની પર વેલ્યુ એડિશન થયા બાદ જે માલ વિદેશ મોકલાતો હતો તેનું પેમેન્ટ ભારતમાં આવતુ નહતું. એટલે એક રીતે વિદેશી હુંડિયામણનું પણ નુકસાન થતું હતું. આ કાંડમાં પડદા પાછળ સુરત અને મુંબઇના મોટા હવાલાકિંગ સામેલ હોવાની પણ શક્યતા છે. ત્રણેય કંપનીઓનો માલિક વૈભવ શાહ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
વિદેશથી પેમેન્ટ નહીં આવતાં કૌભાંડ બહાર આવ્યું
1. SEZની સાગર ડાયમંડ, સાગર એન્ટપ્રાઇઝ અને આર.એચ.સી.ગ્લોબલ વિદેશથી રૂબી મગાવી પેન્ડન્ટ એક્સપોર્ટ કરતી હતી.
2. આ કંપનીઓ વિદેશથી ઇમ્પોર્ટ રૂબીનું પેમેન્ટ ડોલરમાં કરતી હતી પણ જે પેન્ડન્ટ એક્સપોર્ટ કરતી હતી તેનું પેમેન્ટ 3 વર્ષથી આવતું જ ન હતું.
3. ઇડી અને ડીઆરઆઇને આ ત્રણ કંપનીના ધંધામાં કંઈક ગોલમાલ થવાની શંકા ગઈ.
4. તપાસ એજન્સીઓએ તપાસ કરી તો ખબર પડી કે, જે રૂબી ઇમ્પોર્ટ થતી હતી તે સિન્થેટિક રૂબી હતા અને તેનું પેમેન્ટ ઓરીજીનલ તરીકે થતું હતું.
5. ખરેખર જે વિદેશ હૂંડિયામણ ભારતથી વિદેશમાં જતું હતું તે રૂબીનું પેમેન્ટ નહીં પણ હવાલાના રૂપિયા હતા.
6. રૂબીથી જે પેન્ડન્ટ બનાવાતા હતા તેના પર 5 ટકા મેકિંગ ચાર્જીસ બતાવી વિદેશ એક્સપોર્ટ કરાતા હતા પરંતુ તે ડુપ્લિકેટ જ હતા અને તેનું પેમેન્ટ આવતું જ ન હતું.
7. ઇડી, ડીઆરઆઇ અને જીએસટી આ કેસની તપાસ રાત્રે પણ કરી રહી હતી અને સ્ટોક-પેમેન્ટનો હિસાબ કરી રહી છે, એક અંદાજ મુજબ જે પેમેન્ટ વિદેશ મોકલાતું હતું તેમાંથી 90 ટકાથી વધુની રકમ હવાલાની જ હતી.
બધો જ ખેલ હવાલાનો, જેણે ઓર્ડર આપ્યો તેનું કામ થાય
અધિકારીઓ કહે છે, ખરો ખેલ તો હવાલાનો છે. વિદેશ રૂપિયા મોકલનારા આ ધંધાનો સહારો લેતા. સિન્થેટિક રૂબીની આયાત કરાતી પરંતુ પેમેન્ટ ઓરિજિનલનું બતાવાતું. એટલે વિદેશ રૂપિયા મોકલવા પેમેન્ટ રૂબીના નામે કરી દેવાતું હતું. બાદમાં હવાલાની ડિલિવરી થતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.