ગ્રીષ્માને ન્યાય:ફેનિલને ફાંસી થતાં હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને મળી સાંત્વના પાઠવી કહ્યું, માતા-પિતાને આપેલો વાયદો પૂર્ણ થયો

સુરત16 દિવસ પહેલા
ગ્રીષ્માને ન્યાય મળતાં હર્ષ સંઘવી તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. - Divya Bhaskar
ગ્રીષ્માને ન્યાય મળતાં હર્ષ સંઘવી તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા.
  • ગ્રીષ્માના પરિવારે શ્રદ્ધાસુમન આપવા સાથે અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો
  • હર્ષ સંઘવીએ કહ્યું, દીકરીઓ પરેશાન હોય તો પોલીસનો સંપર્ક કરે, કોઈનો ડર ન રાખે

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી. આથી ગ્રીષ્માને ન્યાય મળતાં આજે પરિવાર દ્વારા રામધૂન સહિત પોલીસ અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. એમાં તમામ કાર્યક્રમ પડતા મૂકીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતાં. તેમણે ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી, સાથે તેનાં માતા-પિતાને મળીને સાંત્વના આપી હતી અને કહ્યું હતું, રાજ્યમાં અપરાધીઓ સામે કડક હાથ કામ લેવાશે. ગ્રીષ્માનાં માતા પિતાને આપેલો વાયદો આજે પૂર્ણ થતાં તેમને સાંત્વના પાઠવી છે, સાથે જ ભવિષ્યમાં આવું કોઈ સાથે ન બને એ માટે સરકાર પ્રયત્નપૂર્વક કામ કરશે.

ગ્રીષ્માની માતાને મળીને હર્ષ સંઘવીએ હિંમત આપી હતી.
ગ્રીષ્માની માતાને મળીને હર્ષ સંઘવીએ હિંમત આપી હતી.

દીકરીઓને પોલીસનો સંપર્ક કરવા સલાહ
હર્ષ સંઘવીએ ગ્રીષ્માનાં પરિવારજનોની આંખનાં આંસુ લૂંછી કહ્યું, બહેન-દીકરીઓ પર નજર બગાડનારને છોડવામાં આવશે નહીં. તેમની રક્ષા કરવા માટે ગુજરાત પોલીસ સક્ષમ છે. કોઇપણ ફરિયાદ હોય તો સમાજની ચિંતા કર્યા વગર સીધો પોલીસનો સંપર્ક કરજો. કોઈપણ વાત બહાર નહીં આવે, તમામ માહિતી ગુપ્ત રાખીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે મારી તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે તેઓ ધ્યાન રાખે તેમના દીકરાઓ શું કરે છે. કોને મળે છે. દિવસભર કઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. એના પર પણ ધ્યાન આપવાની ખાસ જરૂર છે.

ગ્રીષ્માના પરિવારના દરેક સભ્યને હર્ષ સંઘવી મળ્યા હતા.
ગ્રીષ્માના પરિવારના દરેક સભ્યને હર્ષ સંઘવી મળ્યા હતા.

ગુનેગારો સામે લાલ આંખ રહેશે-હર્ષ
તેમણે જણાવ્યું હતું કે ટૂંકા દિવસોમાં જ ગ્રીષ્માના હત્યારાને ફાંસીના માચડે ચડાવાયો એ એક નવો ઈતિહાસ છે. ગુનેગારો સામે સરકારની લાલ આંખ જ રહેશે. આ પ્રકારના ગુનેગારો ગુજરાતમાં આવી હરકત ન કરી શકે એવો ચુકાદો આવ્યો છે, જેથી આવનારા દિવસોમાં આવા કેસો ન બને એ માટે ગુજરાત પોલીસ ભગીરથ પણે લાલ આંખ સાથે કામ કરતી રહેશે. હું આજે ગ્રીષ્માનાં માતા-પિતાને જે વાયદો આપેલો એ પૂર્ણ કરવા આવ્યો છું. મેં કહેલું, ફરી ત્યારે જ આવીશ, જ્યારે ગ્રીષ્માને ન્યાય મળશે.

આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી-હર્ષ સંઘવી.
આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી-હર્ષ સંઘવી.

ગૃહમંત્રી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા
ગ્રીષ્માની હત્યા બાદ થોડા દિવસોમાં જ ગૃહમંત્રી વેકરિયા પરિવારને મળવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે આરોપીને કડક અને ઝડપી સજા અપાવવાનું વચન આપ્યું હતું. આ વચન મુજબ જ હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા મળતાં પરિવારને ઝડપી ન્યાય મળ્યો હતો, સાથે જ આ ન્યાય બાદ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તેમણે ગ્રીષ્ના પરિવારને મળીને હૈયાધરપત આપી હતી.

દીકરીઓને કોઈપણ પ્રશ્ન હોય તો પોલીસનો સંપર્ક કરવા હર્ષ સંઘવીએ અપીલ કરી હતી.
દીકરીઓને કોઈપણ પ્રશ્ન હોય તો પોલીસનો સંપર્ક કરવા હર્ષ સંઘવીએ અપીલ કરી હતી.

અધિકારીઓનું સન્માન કરાયું
ગ્રીષ્મા હત્યા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ તપાસમાં લગભગ 50 જેટલા અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. આ તમામ કર્મચારીઓએ રાતદિવસ એક કરીને આરોપીને ફાંસીના માચડે પહોંચડવા માટે તપાસ કરી હતી. આ તપાસ કરનારા અધિકારીઓના સન્માન માટે પરિવારે તમામ કર્મચારીઓને બિરદાવતા મોમેન્ટો આપ્યા હતા.

હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી હતી.
હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી હતી.

પરિવારે ન્યાયની લાગણી વ્યક્ત કરી
ગ્રીષ્માના હત્યારાને ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા મળતાં વેકરિયા પરિવારે ન્યાયની લાગણી વ્યક્ત કરી હતી, સાથે જ કોઈની પણ બહેન-દીકરી સાથે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને એ માટે કામના કરી હતી, સાથે જ ગ્રીષ્માના આત્માને શાંતિ મળે એ હેતુથી ધૂનનું આયોજન કર્યું હતું.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. પોલીસના પુરાવાના આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.