રાજ્યના મંત્રીમંડળની ફાળવણીમાં સુરત સૌથી ભારે રહ્યું. જેને આપને રોકવા અને કોંગ્રેસનો સફાયો કરવાનો પુરસ્કાર કહી શકાય. રાજ્યના 3 મોટાં શહેરોમાંથી અમદાવાદ, રાજકોટ અને વડોદરાને 3 મંત્રીપદ મળ્યાં છે, જ્યારે તેની સામે એકલા સુરતને 4 પદ મળ્યાં છે. હર્ષ સંઘવીનું વજન પહેલાં કરતાં મોટું થયું છે પરંતુ સુરત પાસે અગાઉની સરકારમાં મહત્વનાં અને વજનદાર મંત્રાલયોની સંખ્યા ઘટી છે.
અગાઉની સરકારમાં 4 મંત્રી પદ સુરત શહેરના હતા, પરંતુ આ વખતે શહેરમાંથી એક મંત્રી ઘટાડીને માંડવીમાં કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરવા માટે જિલ્લામાંથી કુંવરજી હળપતિને આદિજાતિ વિકાસ મંત્રાલય અપાયું છે. ચોંકાવનારી વાત એ રહી કે 2017માં ભાજપે જેમની ટિકિટ કાપી હતી તે પૂફુલ્લ પાનસેરિયાને મંત્રી પણ બનાવ્યા છે. પાનસેરિયા MA (પોલિટિકલ સાયન્સ) સુધી ભણ્યા હોવાથી સુરતને તેનો લાભ મળશે. જો કે, સુરતમાંથી કોઈને કેબિનેટમાં સ્થાન અપાયું નથી.
જૈન, પાટીદાર અને કોળી પટેલને મંત્રી પદ, મૂળ સુરતીને કોઈ મંત્રાલય ફાળવાયું નહીં
શહેરના જે 3 મંત્રીઓ છે તેમાં એક જૈન, બીજા પાટીદાર અને ત્રીજા કોળી પટેલ છે. આ વખતે શહેરની 12 બેઠકોમાંથી 6 બેઠકો પર પાટીદાર ધારાસભ્યો છે. પાટીદારોને મંત્રાલય ફાળવવામાં ભાજપે કોઈ વધારો કે ઘટાડો નથી કર્યો પણ પૂર્ણેશ મોદીને મંત્રીપદ ન મળતા હવે મંત્રીપદ પર કોઈ મૂળ સુરતી રહેશે નહીં.
આ વખતે 3 મંત્રીઓમાંથી એક માત્ર ગૃહ જ મહત્ત્વનું મંત્રાલય
ગઈ સરકારમાં સુરતના 4 મંત્રી પાસે ગૃહ, માર્ગ-પરિવહન, ટુરિઝમ, ઊર્જા મંત્રાલય, શહેર વિકાસ મંત્રાલય જેવા અતિ મહત્વના વિભાગો હતો. જ્યારે આ વખતે 3 મંત્રીમાંથી ગૃહ જ એક મહત્વનું મંત્રાલય છે. ટુરિઝમ, ઉર્જા, શહેર વિકાસ મંત્રાલય સુરતને નથી મળ્યા પણ તેની સામે વન મંત્રાલય અને પાણી પુરવઠા મંત્રાલય ફાળવાયાં છે.
વિનુ મોરડિયા અપેક્ષા સામે કાચા પડ્યા, પૂર્ણેશ મોદીની બાદબાકી
શહેરી વિકાસ મંત્રી તરીકે વિનુભાઈ મોરડિયાની પણ આ વખતે બાદબાકી થઈ છે. તેમને પણ પાટીદાર ચહેરા તરીકે પસંદ કરવાને બદલે પ્રફુલ પાનસેરિયાને તક અપાઈ હતી. તેઓ સંગઠનને કે લોકોને અપેક્ષામાં ખરા ઉતર્યા ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. બીજીતરફ મંત્રીપદની યાદીમાંથી પૂર્ણેશ મોદીની બાદબાકી થઈ ગઈ છે. આમ, સીઆરની ગુડ બુકમાં રહેલા તમામને મંત્રી પદ ફાળવાયા છે.
માંડવીમાં કોંગ્રેસનો ગઢ તોડવા બદલ કુંવરજીને આદિજાતિ મંત્રાલયનું ઈનામ
જિલ્લામાં 62 વર્ષથી કોંગ્રેસના કબજામાં રહેલી માંડવી બેઠક ભાજપના કુંવરજી હળપતિએ ચોંકવનારી રીતે જીતી બતાવી હતી, જેમને જાણે ઇનામરૂપે આદિજાતિ વિકાસનું મંત્રી પદ ફાળવાયું હતું. કુંવરજીએ 1992માંશિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી 7 વર્ષ આચાર્ય પણ રહ્યા છે. ત્યાર બાદ 2001માં કોંગ્રેસમાંથી રાજકીય સફર શરૂ કરી 2007 અને 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.