સુરતી માતા-પિતાની ખુશીનો પાર નહીં:કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈએ ગોલ્ડ જીત્યો, પરિવારજનોએ જીતને વધાવી લીધી

સુરત12 દિવસ પહેલાલેખક: પંકજ રામાણી
  • કોમનવેલ્થ ગેમ્સમાં ફરીથી ગોલ્ડ મેડલ મળતાં સુરતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

હાલ કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે, ત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારત માટે ગોલ્ડનો વરસાદ થયો હતો. ટેબલ ટેનિસમાં સુરતના હરમિત દેસાઈ દ્વારા ટેબલ ટેનિસમાં ફરીથી ગોલ્ડ મેડલ જીતતાં સુરતમાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સુરતમાં હરમિતના માતા-પિતાએ હર્ષના આંસુ સાથે હરમિતની આજની જીતને વધાવી લીધી હતી.

ખુશી વ્યક્ત ન કરી શકાય તેવી સ્થિતિ- અર્ચના દેસાઈ
હરમિતના માતા અર્ચના દેસાઈએ જણાવ્યું હતું કે, આજે સ્પર્ધા ખૂબ ટફ રહી હતી. સામેની ટીમ પણ ખૂબ મજબૂત હતી, છતાં આર્મિટનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું, જેના કારણે આ સફળતા મળી છે. જીતની ખુશી વ્યક્ત ન કરી શકાય તે પ્રકારની હાલ માહોલ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આસમાનથી પણ ઊંચી સફળતા-રાજુલ દેસાઈ
હરમિતના પિતા રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ સફળતાથી અમે ખૂબ ખુશ છીએ. અત્યારે આ સફળતા અમને સાતમા આસમાન કરતાં પણ ઊંચી લાગી રહી છે. મહેનત હરમિત દ્વારા ખૂબ કરવામાં આવી હતી જેનું આ પરિણામ મળ્યું છે.

હરમિતે શુગર છોડી દીધી હતી
હરમિતની માતાએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ જીતવા તેણે ખૂબ આખરી મહેનત અને પ્રેક્ટિસ કરી હતી. જર્મનીના કોચ પાસે તેણે ખૂબ ટ્રેનિંગ લીધી હતી. આખરી મહેનત કરવાની સાથે-સાથે તેણે ઘણા સમયથી સુગર સદંતર બંધ કરી દીધી હતી અને આખરે પ્રેક્ટિસના કારણે આજે આ સફળતા મળી છે.

દિવસો અને વર્ષો ટીટીને સમર્પિ‌ત કરી દીધાં
હરમિતના પિતા રાજુલને પહેલેથી સ્પોર્ટ્સમાં રસ છે, એટલે હરમિત 6 વર્ષનો હતો, ત્યારથી જ ટેબલ ટેનિસ રમવા માંડ્યો હતો. પછી તો દિવસો અને વર્ષો ટીટીને સમર્પિ‌ત કરી દીધાં હતાં. સુરતી હરમિતને ટેબલ ટેનિસ સિવાય મૂવીઝ જોવાનો, વાંચવાનો અને મ્યૂઝિક સાંભળવાનો ઘણો શોખ છે. સ્પોર્ટ્સમાં ટેબલ ટેનિસ ઉપરાંત ચેસ અને બેડમિન્ટન રમવું પણ તેને ખૂબ ગમે છે. હરમિતે ટેબલ ટેનિસથી સાથે સાથે બી.કોમ અને એમ.બી.એ.(એચઆર)નો અભ્યાસ કર્યો છે.

6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી
હરમિતના પરિવારમાં માતા-પિતા, મોટા ભાઈ અને ભાભી છે. હરમિતના પિતા રાજૂલ દેસાઇ ગુજરાત લેવલે ટેબલ ટેનિસ રમી ચૂક્યા છે. માતાપિતા બન્ને સુરતમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલનું સંચાલન કરે છે. એ જ્યારે સ્કૂલેથી પાછા આવતા ત્યારે સાંજે હરમિત સાથે ટેબલ ટેનિસ રમતા હતા. હરમિતે 6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. બે-અઢી વર્ષમાં તો તે સ્ટેટ અને પછી નેશનલ લેવલે રમવા લાગ્યા હતા. 14 વર્ષ સુધી તેમના પિતા તેમના કોચ હતા અને મોટાભાઈ પ્રેક્ટિસ પાર્ટનર તરીકે હરમિતને પ્રોત્સાહિત કરતાં રહ્યાં હતા.

હરમિતના માતા-પિતા ખુશખુશાલ
હરમિતના માતા-પિતા ખુશખુશાલ

15 વર્ષની ઉંમરે સ્વીડન જવાની તક મળી
હરમિતને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ સૌથી પહેલા 15 વર્ષની ઉંમરે સ્વીડન જવાની તક મળી બાદમાં ત્યાંથી અંતરરાષ્ટ્રીય તાલીમ મળવાની શરૂઆત થઈ. ખેલજગતમાં રફાલ નડાલ હરમિતનો આદર્શ છે. બોલિવૂડમાં શાહરૂખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદી તેમની મનપસંદ વ્યક્તિઓ છે.

કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
હરમિતની જીદ હતી કે, ટેબલટેનિસમાં વિશ્વમાં નામના મેળવવી છે. હરમિતે એટલો સંઘર્ષ પણ કર્યો અને સફળતાને આંબી શક્યો છે. હરમિતે 8 વર્ષની ઉંમરે જ અંડર-10નું સ્ટેટ લેવલનું ટાઇટલ મેળવ્યું હતું. અત્યાર સુધીમાં 150થી વધુ મેડલ તેણે મેળવ્યા છે. હવે તો પરિવારજનોએ મેડલ ગણવાના પણ બંધ કરી દીધા છે. દરમિયાન કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ મેળવીને સુરત, ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું હતું.

મિઠાઈ ખવડાવીને મોં મીઠા કરાયાં
મિઠાઈ ખવડાવીને મોં મીઠા કરાયાં

હરિમતને જીત મળી એ માટે માતાએ મેચ જ ન જોઈ
હરમિતના માતા અર્ચના દેસાઈ મેચ ચાલુ હતી, તે દરમિયાન મેચ જોવાથી દૂર રહ્યા હતા. તેમના ચહેરા ઉપર હરમિતની રમતની તથા હાર-જીત શું પરિણામ આવશે. તેની બેચેની દેખાતી હતી. અર્ચના દેસાઈ એ વખતે એટલે કે મેચ રમાતી હતી, તે દરમિયાન દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આમ તો એ રોજ મેચ જુએ છે, પરંતુ આજે ગોલ્ડ મેડલની મેચ હોવાથી તે આજે જોઈ શકી નથી. પરંતુ જીત બાદ તેમણે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...