હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા સુરતમાં મહિલા નગરસેવક, કાર્યકરોએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકી નારાજગી વ્યકત કરી હતી. શહેર ભાજપ પ્રમુખે આવી નારાજગી તેમના ધ્યાને આવી ન હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા રાજ્યના ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં જોવા મળી રહેલા વિરોધ અને નારાજગી મામલે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશએ મીડિયા સમક્ષ વાતચીત દરમ્યાન જણાવ્યું કે, એ તો હમણા દેખાય છે, ચુંટણી વખતે બધા ભેગા થઇ જશે. તો શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, આજ સુધી આવું ધ્યાનમાં આવ્યું નથી.નગરસેવિકા ઉર્વશી પટેલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકી છે કે, ‘મારી ભાજપ પાર્ટી મારૂ સ્વાભિમાન છે. કમળ માટે બધું સ્વીકાર પણ આ ડફોળનો કાયમી બહિષ્કાર. પાટીદાર સમાજમાં સૌથી મોટા અસામાજિક તત્વ એક જ છે.
પક્ષપલટુ. પેલો ડફર પ્રેસરમાં અનામત વખતે એની સાથે ઉભેલાને અસામાજિક તત્વો કે છે.’ નગરસેવિકા ઉર્વશી પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. યુવા મોરચાના આગેવાન મોનીલ ઠાકરે ‘હાર્દિકને ખેસ પેહરાવનાર નેતાને કાર્યકર્તાઓ આજીવન માફ નહીંં કરે. શેમ ઓન યુ. ’એવી પોસ્ટ મુકી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નિતિન પટેલ ને ટાર્ગેટ કર્યા હતા.
કારણ કે હાર્દિકને ખેસ સી.આર. પાટીલ અને નિતીન પટેલે પહેરાવ્યો હતો.ભાજપના યુવા કાર્યકર જેનીશ પટેલે સોશ્યલ મિડીયામાં પોસ્ટ મુકી છે કે, ‘પાટીલજીના ચહેરા ઉપર ખુશી બિલકુલ નથી પણ મજબૂરી છે. હજુ કહું છું હાર્દિક પાટીદાર સમાજનો નેતા નથી. દક્ષિણ ગુજરાતનો પાટીદાર સમાજ એને સ્વીકારશે નહિં.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.