2015માં પાટીદારોને અનામત અપાવવા ગુજરાતને માથે લેનારા હાર્દિક પટેલ હવે અનામત મામલે પાણીમાં બેસી ગયા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સુરતની મુલાકાત દરમિયાન કેન્દ્રએ કરેલી OBC બિલના સંશોધન અંગે કહ્યું કે, હું આ બિલને આવકારું છું. અનામતની 50 ટકાની મર્યાદા વધારવી જોઈએ અને પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માટે બે વર્ષથી અરજી કરી છે તેનો ઉકેલ લાવો. માત્ર પાટીદાર જ નહીં અન્ય સમાજના લોકો જે બિન અનામત છે તે તમામનો સર્વે હાથ ધરવો જોઈએ અને ત્યાર બાદ તેમને OBCમાં સમાવવા જોઈએ.
અનામત માટે જે 50 ટકાની મર્યાદા છે તેને વધારવા હાર્દિકની માગ
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે ઓબીસી અનમાત બિલનો સ્વીકાર કરું છું પરંતુ સરકારને મારી વિનંતી છે કે દરેક સમાજના આર્થિક અને સામાજિક ધોરણે સર્વે કરવામાં આવે. જેથી કરીને ખરેખર અનામતનો લાભ કયા સમાજને કેટલી જરૂરિયાત છે તે મુજબ આપવો જોઈએ. જેથી દરેક સમાજના લોકોને લાભ મળી શકે. ઓબીસી સંશોધન બિલની અંદર આ અગાઉ પણ આ રીતે રાજ્ય સરકારને ઓબીસીમાં જે જ્ઞાતિને સમાવવી હોય તે જ્ઞાતિને સમાવવા માટેની સત્તા હતી પરંતુ તે કેન્દ્ર સરકાર દ્વારા લઇ લેવામાં આવી હતી. ફરી એક વખત આપવામાં આવી છે. જેતી રાજ્ય સરકારે અનામત માટે જે 50 ટકાની મર્યાદાઓ રાખી છે તે મર્યાદાને હવે વધારવાની જરૂરિયાત જણાઈ રહી છે અમે આ બાબતે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છીએ.
પાટીદાર સમાજમાં પણ એવા ઘણા બધા પરિવાર છે જે ખૂબ ગરીબઃ હાર્દિક
પાટીદાર સમાજને ઓબીસીમાં સ્થાન મળે એ માટે અમે લાંબી લડત લડી છે અને આંદોલન કર્યા છે. છેલ્લાં 2 વર્ષથી ઓબીસી કમિશનમાં અમે પાટીદાર સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવા માટેની અરજી પણ કરી છે. હવે તેનો ઉકેલ લાવવો જોઈએ. સરકારે આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેને અનામતનો લાભ આપવો જોઇએ. એક સવર્ણ સમાજનો પરિવાર સુખી હોય શકે પરંતુ સવર્ણ સમાજના બધા પરિવાર સુખી ન હોય શકે. માટે હું વારંવાર કહું છું કે કોઈપણ જ્ઞાતિના લોકોને અનામતનો લાભ મળવો જોઈએ. બધા જ બ્રાહ્મણો પૈસાદાર નથી કે બધા જ પાટીદારો પૈસાદાર નથી. બ્રાહ્મણોમાં પણ કેટલાક પરિવાર એવા છે કે જે ખૂબ જ આર્થિક રીતે પગભર નથી તેમને પણ અનામતનો લાભ મળવો જોઇએ. પાટીદાર સમાજમાં પણ એવા ઘણા બધા પરિવાર હશે જે ખૂબ ગરીબ છે અથવા તો અન્ય કોઈ સમાજના લોકો પણ આર્થિક રીતે સદ્ધર ન હોય તો તેવા પરિવારોને પણ અનામત મળવું જોઈએ.
સુરતની જનતાને ખૂબ અન્યાય થઇ રહ્યો છેઃ હાર્દિક
હાર્દિક પટેલે જણાવ્યું કે સુરતની જનતાને ખૂબ અન્યાય થઇ રહ્યો છે. વર્ષોથી સુરત કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને રાજ્ય સરકાર પણ ભાજપની છે છતાં પણ સુરતની પ્રજાને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવાનો સમય આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સામાજિક અગ્રણીઓને, વિવિધ સંગઠનોના નેતાઓને મળીને સુરત માટે આગામી લડત કેવી રીતે શરૂ કરવી, કયા મુદ્દાઓને લઈને પ્રજા ખૂબ હેરાન થાય છે તેને વાચા આપવા માટેના અમે નિર્ણય લીધા છે.
કોંગ્રેસ પ્રજાની સુખાકારી માટે પ્રયાસો કરવા અગ્રીમ પંક્તિમાં દેખાશે
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેની સામે પણ નબળી પૂરવાર થઇ રહી છે તે અંગે હાર્દિક પટેલે કહ્યું કે દેશની આઝાદીમાં પણ કોંગ્રેસ પ્રથમ હરોળમાં રહેવાને કારણે આપણે સૌ કોઈ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઇ શક્યા છે. સમયના પ્રવાહમાં ઘણી વખત પાર્ટી વધારે મજબૂત બને છે અથવા તો ક્યારેક નબળી થતી હોય છે પરંતુ કોંગ્રેસ પ્રજાની સુખાકારી માટે તમામ પ્રયાસો કરવા માટે અગ્રીમ પંક્તિમાં દેખાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.