હાલમાં મિશ્ર ઋતુ વચ્ચે શહેરમાં વાયરલ ઈન્ફેક્શનની સાથે સાથે H3N2ના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો સાથે આવતા દર્દીઓમાં H3N2નું સંક્રમણ વધી રહ્યું છે. સિવિલમાં રોજ સરેરાશ 400 દર્દીમાંથી 10%ને દાખલ કરવા પડે છે. દર વર્ષે ઋતુના બદલાવ વખતે H1N1નું સંક્રમણ રહે છે.
જોકે આ વર્ષે ઈન્ફ્લુએન્ઝા વાયરસના નવા સ્ટ્રેઈન H3N2નું સંક્રમણ સૌથી વધુ છે. કોરોનાની જેમ આખા પરિવારમાં ફેલાય છે. દર્દીને કફ સારો થવામાં લાંબો સમય લાગે છે. અપર રેસ્પિરેટરી ઈન્ફેક્શનમાં દર્દીને દાખલ કરવાની જરૂર નથી પણ તકલીફ વધી લોઅર રેસ્પિટરી-ફેફસાંમાં ઈન્ફેક્શન પહોંચે તો ન્યુમોનીયાના સંજોગોમાં જીવનું જોખમ છે.
ઈન્ફ્લુએન્ઝા H3N2 શંકાસ્પદ લક્ષણના દર્દી વધ્યા: ડૉ. કે.એન. ભટ્ટ
સિવિલ મેડિસીન વિભાગના વડા ડો. કે.એન. ભટ્ટે જણાવ્યું કે હાલ વાયરલ કેસોમાં વધારો થયો છે. શરદી, ખાંસી, તાવના લક્ષણો સાથે દર્દીઓમાં ઈન્ફ્લુએન્ઝા H3N2 શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે. જે કોરોના જેવા જ છે. બે દિવસ પહેલાં 1200 દર્દીઓ ઓપીડીમાં આવતા હતા. જેમાંથી 40થી 50ને દાખલ કરવાની ફરજ પડે છે. બે દિવસથી તહેવારના કારણે દર્દીઓની સંખ્યા ઘટી છે.
આ વર્ષે H3N2ના કેસ વધુ જોવા મળે છે
દર વર્ષે H1N1 ઈન્ફ્લુએન્ઝાનું સંક્રમણ જોવા મળે છે. આ વર્ષે H3N2ના કેસ વધુ છે. ઘણા દર્દીને મહિના સુધી કફ રહે છે. અમે શંકાસ્પદ દર્દીનો પીસીઆર ટેસ્ટ કરાવીએ છીએ તેનાથી ખ્યાલ આવે છે કે મેજોરિટી દર્દીઓમાં અપર રેસ્પીરેટરી ફ્લુ જોવા મળે છે. જેમાં 10% દર્દીઓને દાખલ કરવા પડે છે. બાકીનાને સિમટમેટીક ટ્રીટમેન્ટ દ્વારા સારૂ થઈ જાય છે. જો ઈન્ફેક્શન લોઅર રેસ્પીરેટરી સુધી પહોંચે તો ફેંફસામાં ઈન્ફેક્શનના કારણે ન્યુમોનીયા થાય અને તેવા સંજોગોમાં દર્દીના જીવને જોખમ ઉભુ થાય. > ડો. પ્રતિક સાવજ, ઈન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ
કોરોનાએ માથું ઉચક્યું, વરાછા બાદ ડિંડોલીની મહિલા પોઝિટિવ
શહેરમાં કોરોનાએ 70 દિવસે ફરીથી માથુ ઉચક્યું છે. વરાછાના રત્નકલાકારનો સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મંગળવારે વધુ એક કેસ સામે આવ્યો છે. નવાગામ ડિંડોલીની 25 વર્ષીય મહિલાને દસેક દિવસથી ખાંસી તાવ અને શરીરની ફરિયાદ હતી. જેથી સ્મીમેરમાં ગયા હતા. જ્યાં 5મીએ કોવિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાને અન્ય કોઈ બીમારી નથી. તેના પરિવારના ૩ સભ્યોનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. મહિલાએ વેક્સિન લીધી ન હતી તેમજ અગાઉ કોવિડની પણ હિસ્ટ્રી નથી. તેના સેમ્પલ લઈ જીનોમ સીકવશિંગ માટે ગાંધીનગર મોકલાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.