સુરત મતગણતરી:મોદી મેજીકથી રોડ રોલર ફરી વળ્યું, વરાછામાં ભત્રિજા સામે કાકાની જીત, AAP અધ્યક્ષ ઈટાલિયા હાર્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કુમાર કાનાણીએ અલ્પેશની બાજુમાં બેસીને આશિર્વાદ આપી જીતની ખુશી વ્યક્ત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું છે. ત્યારે સુરતની તમામ બેઠકો પર ફરી મોદી મેજીક દેખાયો છે. સુરતની 16 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાસે રહેલી માંડવી બેઠક પણ ભાજપે આંચકી લીધી છે. તમામ બેઠકોમાંથી વરાછા રોડ બેઠક પર સમગ્ર ગુજરાતની નજર હતી. જોકે, ભાજપના કુમાર કાનાણીએ આ બેઠક જાળવી રાખી છે. ગત વખત કરતાં વધુ બહુમતીથી કાનાણીએ જીત હાંસલ કરી છે. જો કે, ચૂંટણીના પ્રતિસ્પર્ધી એવા અલ્પેશે ખેલદીલી દાખવીને કુમાર કાનાણીને સામેથી મળીને આશિર્વાદ લીધા અને એકબીજાએ શુભકામના પાઠવી હતી.

અલ્પેશ અને ધાર્મિક માલવિયાએ રેલી યોજી હતી.
અલ્પેશ અને ધાર્મિક માલવિયાએ રેલી યોજી હતી.

કથીરિયાએ આભાર રેલી યોજી
વરાછા બેઠક પરથી કુમાર કાનાણીને ટક્કર આપનાર અલ્પેશ કથીરિયા દ્વારા આભાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનગઢ ચોકથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર સાહેબની પ્રતિમાને દૂધ અને પાણીની સ્નાન કરાવવામાં આવી હતી.લોકોનો આભાર માનવા અલ્પેશ કથીરિયાની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.

ગોપાલ ઈટાલિયાએ હાર સ્વીકારી હતી.
ગોપાલ ઈટાલિયાએ હાર સ્વીકારી હતી.

હાર સ્વીકારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે જંગી બહુમતી મેળવી છે. જો કે, આ વખતે પ્રથમ વખત 182 બેઠકો પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યાં હતાં. દક્ષિણ ગુજરાત સહિત તમામ જગ્યાએ આપના ઉમેદવારોએ સારો દેખાવ કર્યો છે. ત્યારે હાર બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાતમાં વધતા વોટ શેરને લઈને તેમણે મતદારોનો આભાર માન્યો હતો. સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

ગોપાલ ઈટાલિયાએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો.
ગોપાલ ઈટાલિયાએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રીય પાર્ટી બનવાનો આનંદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, અમે માત્ર દસ વર્ષ જેટલા ટૂંકા સમયની અંદર જ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરીને આવ્યા છીએ. જેના કારણે હવે અમને રાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી ઓળખ મળશે અને પાર્ટીને આગળ વધવા માટે પણ ઘણા બધા લાભો મળશે. ગુજરાતની જનતાએ આપને 40 લાખ કરતાં વધુ આપ્યા છે.

કોંગ્રેસ પોતાની હારનું ઠીકરુ અમારા પર ન ફોડે
ઈટાલિયાએ કહ્યું કે, જે રીતે પરિણામ આવ્યું છે. તે જોતા આમ આદમી પાર્ટીના કારણે ઘણી એવી બેઠકો હતી કે, જેના પર કોંગ્રેસ વિજય થઈ શકે તેમ હતી. પરંતુ ઘણી ખરી એવી બેઠકો હતી કે, જેના ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારે વોટ મેળવી લેતા કોંગ્રેસ જે બેઠક ઉપર ફાઈટમાં દેખાતી હતી. તેમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ તમામ બેઠક ઉપર સીધી ટક્કર લીધી હતી. તેઓ જ પોતે જીતી ના શકી. અમારા ઉપર ખોટા આરોપ લગાડે તે યોગ્ય બાબત નથી. અમને 13% જેટલા વોટ શેર મળ્યા છે. જે બતાવે છે કે, અમે મહેનત કરીને લોકો વચ્ચે જઈને મત માંગ્યા છે અને મેળવ્યા છે.

સોશિયલ મીડિયામાં જાહેરાત વિજેતા ઉમેદવારે કરી હતી.
સોશિયલ મીડિયામાં જાહેરાત વિજેતા ઉમેદવારે કરી હતી.

સુરતના ઉમેદવારોની લીડ

નામબેઠકલીડ
મુકેશ પટેલઓલપાડ61016

પ્રફુલ પાનશેરિયા

કામરેજ50986
અરવિંદ રાણાસુરત પૂર્વ14017
કાંતિભાઈ બલરસુરત ઉત્તર33435
કુમાર કાનાણીવરાછા16834
પ્રવિણ ઘોઘારીકરંજ35974
સંગીતા પાટીલલિંબાયત22859
મનુ પટેલઉધના60915
હર્ષ સંઘવીમજૂરા116675
વિનુ મોરડિયાકતારગામ66277
પૂર્ણેશ મોદીસુરત પૂશ્ચીમ104637
સંદીપ દેસાઈચોર્યાસી127965

મોરડિયા યાત્રા નહી કાઢે
સુરતની કતારગામ વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવાર વીનુ મોરડિયા વિજય યાત્રા નહીં કાઢે તેવી જાહેરાત કરી છે. ગઈકાલે કતારગામ 8 વર્ષીય બાળકીની દુષ્કર્મ કરી હત્યા કરાઈ હતી. બાળકીના મોતના શોકમાં વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.આજે તમામ વિજેતા ઉમેદવાર વિજય યાત્રા કાઢી રહ્યા છે.ત્યારે મોરડિયાએ શોકમાં પોતાના વિજયની યાત્રા મોકૂફ રાખી છે.

પ્રવીણ ઘોઘારીની જીત થતાં સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી.
પ્રવીણ ઘોઘારીની જીત થતાં સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી.

કરંજમાં ઘોઘારીની જીત
સુરતમાં કરંજ વિધાનસભામાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારીની 35,000 પ્લસ મતથી જીત થઈ છે.ગત વખત કરતા વધુ લીડથી જીત મેળવી છે. પ્રવીણ ઘોઘારીએ પહેલેથી જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કરંજ વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે. તે મતદારો સાબિત કરી બતાવ્યું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

બન્ને નેતાઓએ સાથે બેસીને એકબીજાને શુભકામના પાઠવી હતી.
બન્ને નેતાઓએ સાથે બેસીને એકબીજાને શુભકામના પાઠવી હતી.

અલ્પેશે આશિર્વાદ લીધા
વરાછા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો હતો. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી અને આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ એકબીજા પર ઘણો વાણી વિલાસ કર્યો હતો. પરંતુ મતદાનના દિવસે અને પરિણામના દિવસે ચૂંટણીની ખેલદીલી જોવા મળી હતી. અલ્પેશ કથીરિયાએ આજે હાર્યા બાદ પણ સામે ચાલીને કુમાર કાનાણી પાસે પહોંચી ગયાં હતાં. ત્યાં જઈને તેમના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતાં. પ્રચાર દરમિયાન અને સામાન્ય દિવસોમાં પણ અલ્પેશ કથીરિયા કુમારભાઈને કાકા કહીને સંબોધન કરતા હોય છે. ત્યારે આજે કાકા સામે હાર્યા બાદ અલ્પેશ કથીરિયાએ શુભકામના આપવાની સાથે સાથે અલગ જ સંદેશ આપ્યો હતો.

વરાછા બેઠક ભાજપની જીત
સમગ્ર રાજ્યની જે બેઠક પર બધાની નજર હતી તે વરાછા બેઠક પર ત્રિપાંખિયો જંગ થયો હતો. જેમાં આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાને 17746 મતોથી હરાવીને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીની જીત થઈ છે. ગત વખતે કુમાર કાનાણી 12 હજાર કરતાં વધુ મતોથી જીત્યા હતાં. ત્યારે આ વખતે કોંગ્રેસની સાથે આપ ભળતાં અલ્પેશની જીતના દાવા વચ્ચે કુમાર કાનાણીની ગત વખત કરતાં પણ લીડ વધી છે. કુમાર કાનાણીની ભવ્ય જીતથી ભાજપમાં ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે.

કાર્યકરોએ મોહનભાઈને ખભે ઉચકી લીધા હતાં.
કાર્યકરોએ મોહનભાઈને ખભે ઉચકી લીધા હતાં.

મહુવામાં ભાજપની જીત
સુરત જિલ્લાની મહુવા બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના મોહનભાઈ ઢોડિયા 20 હજાર કરતાં વધુ મતોની જંગી લીડથી જીતી ગયા છે. સૌ પ્રથમ સુરત જિલ્લાની મહુવા બેઠકનું પરિણામ જાહેર થયું હતું.જેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જેથી મતગણતરી સ્થળ પર જ જીતનું જશ્ન મનાવવામાં આવ્યું હતું. કાર્યકરોએ મોહનભાઈને ખભે ઉચકી લઈને ડાન્સ કર્યો હતો.

ભાજપના ઉમેદવારો આગળ
સુરત 168 બારડોલી વિધાનસભામાં ભાજપના ઈશ્વર પરમાર 2418 મતથી આગળ ચાલી રહ્યાં છે. કામરેજમાં ભાજપના પ્રફુલ પાનશેરીયાને કોંગ્રેસ અને આપના ઉમેદવારથી ચાર ગણા વધારે મતો અત્યાર સુધી મળ્યા છે. સુરત જિલ્લાની ઓલપાડ બેઠક પર ભાજપ સરકારના ઊર્જા મંત્રી મુકેશ પટેલ પ્રથમ રાઉન્ડમાં 3689 મત સાથે આગળ છે. જ્યારે કોંગ્રેસના દર્શન નાયકને 2662 મત અને આપના ધાર્મિક માલવિયાને માત્ર 118 મત મળ્યાં છે.

માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાની જીત થતાં વિજયી મુદ્રામાં ખુશી વ્યક્ત કરી હતી
માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાની જીત થતાં વિજયી મુદ્રામાં ખુશી વ્યક્ત કરી હતી

આપનો લાભ ભાજપને
સુરત જિલ્લાની મહુવા બેઠક પર ભાજપના મોહન ઢોડિયા પ્રથમ રાઉન્ડમાં 3689 મત અને બીજા રાઉન્ડમાં 4247 મત મેળવી આગળ ચાલે છે. કોંગ્રેસના હેમાંગીની ગરાસિયાને પ્રથમ રાઉન્ડમાં 2395 અને બીજા રાઉન્ડમાં 1931 મત મળ્યાં છે. આપના કુંજન પટેલને પ્રથમ રાઉન્ડમાં 2775 અને બીજા રાઉન્ડમાં 2111 મત મળ્યાં. આપ અને કોંગ્રેસના મત વિભાજનનો લાભ ભાજપને મળી રહ્યો છે.

પૂર્વમાં ખરાખરીનો જંગ
બી જારાઉન્ડમાં સુરત પુર્વમાં અરવિંદ રાણા અસલમની સામે 6 હજાર મતોથી પાછળ ચાલી રહ્યાં છે. પૂર્વ વિધાનસબા બીજા રાઉન્ડના અંતે અસલમ સાયકલવાલા 6855 મતથી આગળ છે.બીજા રાઉન્ડના અંતે સુરત કરંજ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી 4414 મતથી આગળ ચાલી રહ્યાં છે.

વરાછા બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી.
વરાછા બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી.

ભાજપ આગળ
કતારગામમાં પ્રથમ રાઉન્ડમાં વિનુ મોરડિયા 2950 વોટથી આગળ છે. સુરત જિલ્લાની માંગરોળ બેઠક પર ભાજપના ગણપત વસાવા બીજા રાઉન્ડમાં 7500 મતોથી આગળ છે. ચોર્યાસી બેઠકના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈ 11,000 મતોની સરસાઈથી આગળ છે. ત્રીજા રાઉન્ડના અંતે સુરત મજુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ગૃહ મંત્રી હર્ષ સંઘવીને 21968 મત મળ્યા છે તેઓ તેમના પ્રતિસ્પર્ધી આપના પીવીએસ શર્માથી 20230 મતથી આગળ છે. પ્રવીણ ઘોઘારી 4 રાઉન્ડ બાદ 8270 મત થી આગળ છે.

કોંગ્રેસના ઉમેદવાર હેમાંગીબેને મતદગણતરી કેન્દ્ર છોડીને ચાલતી પકડી હતી.
કોંગ્રેસના ઉમેદવાર હેમાંગીબેને મતદગણતરી કેન્દ્ર છોડીને ચાલતી પકડી હતી.

કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
સુરત જિલ્લાની મહુવા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ચાલુ મતગણતરીએ મેદાન છોડ્યું હતું. 22 રાઉન્ડ પૈકી માત્ર 5 રાઉન્ડની ગણતરીમાં જ કોંગ્રેસના હેમાંગીની ગરાસિયાએ મેદાન છોડ્યું હતું. હાર સ્વીકારની મતગણતરી કેન્દ્ર પરથી જતાં હોય તેમ હેમાંગીનીબેને કહ્યું હતું કે, ઇ.વી.એમમાં ચેડા કર્યા હોવાના કારણે ભાજપ આગળ ચાલી રહ્યું છે.

વરાછામાં અલ્પેશ આગળ નીકળ્યો
વરાછા વિધાનસભા બેઠક પર કાંટે કી ટક્કર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમ જેમ ઈવીએમ ખુલતાં જાય છે તેમ તેમ ઉમેદવારોની સાથે સાથે તેમના ટેકેદારોના હ્રદયના ધબકારા પણ વધી રહ્યાં છે. ક્યારેક ભાજપના કુમાર કાનાણી આગળ રહે છે તો ક્યારેક અલ્પેશ કથીરિયા આગળ વધી રહ્યાં છે. પ્રથમ રાઉન઼્ડના અંતે અલ્પેશ કથીરિયા પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યાં છે.

ત્રીજા રાઉન્ડમાં જ હર્ષની 20 હજારની લીડ
મજૂરા વિધાનસભા બેઠક પરથી લડી રહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીની લીડમાં પ્રારંભથી જ થયેલો વધારો સતત આગળ વધી રહ્યો છે. ત્રીજા રાઉન્ડના અંતે સુરત મજુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીને 21968 મત મળ્યા છે. તેઓ તેમના કોંગ્રેસના પપ્રતિસ્પર્ધીથી 20230 મતથી આગળ છે

પૂર્વ બેઠક પર કોંગ્રેસ આગળ
સુરત પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના અસલમ સાયકલવાલા આગળ ચાલી રહ્યાં છે. 1151 વોટથી અસલમ સાયકલવાલા આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ભાજપના અરવિંદ રાણા પાછળ ચાલી રહ્યાં છે.

વરાછામાં કાનાણી આગળ
વરાછા વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયા જંગ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. આ વખતે આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા તરફી ભારે જુવાળ ચૂંટણી સમયે જોવા મળતો હતો. પરંતુ મતગણતરીના પ્રારંભિત તબક્કામાં ભાજપના કુમાર કાનાણી આગળ ચાલી રહ્યાં છે. કુમાર કાનાણી 1 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે. બીજી તરફ કતારગામ સીટ પર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પાછળ ચાલી રહ્યાં છે.

પ્રારંભિક ગણતરીમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.
પ્રારંભિક ગણતરીમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.

શરૂઆતમાં ભાજપ આગળ
પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈવીએમની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં સુરતની 16 બેઠકોમાંથી સુરત શહેરની 12 બેઠકોમાં ભાજપ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ભાજપને જે બેઠક પર ડર સતાવી રહ્યો છે. તે વરાછા બેઠક પર ભાજપના કુમાર કાનાણી આગળ ચાલી રહ્યાં છે. અલ્પેશ કથીરિયા થોડા મતથી પાછળ છે.

સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી
મતગણતરી સ્થળ પર બરાબર આઠ વાગ્યાના ટકોરે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓ અને ફરજ પર મતદાનના દિવસે હાજર રહેલા લોકોએ અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જેથી નિયમ પ્રમાણે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ ગણવાની શરૂઆત કરવામાં આવી હતી.લિંબાયત, વરાછા, મજુરા, કરંજ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

મતગણતરી સ્થળ પર ઉમેદવારોના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે.
મતગણતરી સ્થળ પર ઉમેદવારોના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે.

મતદારોના અકળ મૌન વચ્ચે ઉમેદવારોના જીતના દાવા
સુરતમાં પ્રથમ તબક્કાનું મતદાન ગત 1 ડિસેમ્બરના રોજ યોજાયું હતું. ત્યારે મતદારોએ અગાઉ કરતાં ઓછું મતદાન કર્યું હતું. અકળ મૌન સાથે મતદારોએ મતદાન કર્યું હતું. છતા ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મતદારોએ આગામી પાંચ વર્ષ માટે કયા ઉમેદવાર પર જીતનો કળશ ઢોળ્યો છે તે તો ગણતરી બાદ જ સામે આવશે.

ભાજપના ઉમેદવાર મતગણતરીના સમય અગાઉ જ સ્થળ પર પહોંચી ગયાં હતાં.
ભાજપના ઉમેદવાર મતગણતરીના સમય અગાઉ જ સ્થળ પર પહોંચી ગયાં હતાં.

આ બેઠકોના ઉમેદવારો પર સૌની નજર
સુરતની 16 બેઠકો પર સૌથી વધુ રસાકસી કતારગામ અને વરાછા બેઠકની સાથે સાથે સુરત પૂર્વ બેઠક પર પણ સૌની નજર છે. સાથે જ સુરતમાંથી રાજ્ય કક્ષાના મંત્રીઓ લડી રહ્યાં છે. જેથી તેના પર પણ મીટ મંડાયેલી છે. પરંતુ સમગ્ર રાજ્ય અને દેશી નજર વરાછા બેઠક પર છે. અહિં ત્રિપાંખીયા જંગ લડાઈ રહ્યો છે. આપમાંથી અલ્પેશ કથીરિયા અને ભાજપમાંથી કુમાર કાનાણી વચ્ચેની રસાકસીમાં કોણ મેદાન મારે છે તેના પર હાલ સૌની નજર છે.

મતદારોએ ઈવીએમમાં ભાવી સીલ કર્યા
દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ મનાય છે. ત્યારે આ ગઢને જાળવી રાખવા અને આદિવાસી મતદારોને રિઝવવા માટે ભાજપે ભરપૂર પ્રયાસો કર્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પોતાની બેઠકો જાળવી રાખવા માટે એડિચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ નવા પક્ષ તરીકે ઉભરી રહેલા આમ આદમીએ પણ સુરતની વરાછા-કતારગામ સહિતની તમામ બેઠકો પર પૂરતું જોર લગાવ્યું છે. ત્યારે મતદારો પણ પોતાના ઉમેદવાર માટે મતદાન કરવા માટે મતદાન બૂથ પર પહોંચ્યાં હતાં.અકળ મૌન ધરાવતા મતદારો ઈવીએમ પર બટન દબાવી કોના પર કળશ ઢોળ્યો છે તે તો 8મી ડિસેમ્બરના રોજ સામે આવશે.

સુરતના જિલ્લાના 168 ઉમેદવારો મેદાનમાં
સુરત જિલ્લામાં કુલ 47.45 લાખ મતદારો આજે સુરત જિલ્લાના 16 બેઠકો પર 168 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરવા ઉમટ્યાં હતાં.સુધારણાના અંતે 47.45 લાખ મતદારો નોંધાયેલા છે. જેઓ લોકશાહીના મહાપર્વમાં તા.1લી ડિસેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે, જિલ્લામાં 4623 મતદાન મથકો હતા. જેમાં 14 સહાયક મતદાન મથકોનો ઉમેરો થતા હવે 4637 મતદાન મથકોમાં મતદાન થયા છે.16 વિધાનસભામાં 168 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લામાં 2633 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થયુ હતું.

વરાછા સીટ
સૌરાષ્ટ્રના પાટીદારોનો ગઢ ગણાતા વરાછામાં આ વખતે ભાજપ-આપ વચ્ચે કાંટાની ટક્કર છે. અહીં AAPએ અહીં ગબ્બરના નામથી જાણીતા PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર છતાં કોંગ્રેસના એ વખતના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો.

કતારગામ
સુરતની કતારગામ સીટ પર બે દિગ્ગજ નેતા આમને-સામને છે. ભાજપ દ્વારા મંત્રી વિનુ મોરડિયાને ફરી મેદાનમાં ઉતારાયા છે, જ્યારે સામે આમ આદમી પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે. આ ઉપરાંત કોંગ્રેસે યુવા ચહેરો અને કોર્પોરેશની ચૂંટણી લડનાર પ્રજાપતિ સમાજના કલ્પેશ વરિયાને ટિકિટ આપી છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાસા સામે ભાજપના વિનુ મોરડિયાનો 79 હજારના જંગી મતથી વિજય થયો હતો.

કરંજ
કરંજ સીટ પર પણ આ વખતે જોરદાર ફાઇટ છે. અહીં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ ભાજપના પ્રવીણ ઘોઘારીને પડકાર ફેંક્યો છે. જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવાર ભારતી પટેલ મેદાનમાં છે. આ સીટ પર ગઈ વખતે પ્રવીણ ઘોઘારી કોંગ્રેસના ભાવેશ ભુંભળિયા સામે 35 હજારથી વધુની લીડથી જીત્યા હતા.

સુરત ઉત્તર (સુરત નોર્થ)
સુરત ઉત્તર સીટ પર પણ પાટીદારોનો દબદબો છે. ભાજપે અહીં પણ ઉમેદવાર રિપીટ કરી સીટિંગ ધારાસભ્ય કાંતિ બલ્લરને ટિકિટ ફાળવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ આ સીટ પર મહેન્દ્ર નાવડિયાને ઉતાર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી અશોક પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ગઈ ચૂંટણીમાં ભાજપના કાંતિ બલ્લરે કોંગ્રેસના દિનેશ કાછડિયાને 20 હજાર મતની લીડથી કરાવ્યા હતા.

કામરેજ
કામરેજ સીટ પર પણ આ ચૂંટણીમાં રસાકસી જામી છે. ભાજપે અહીં પ્રફુલ્લ પાનસેરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી રામ ધડૂક મેદાનમાં છે. કોંગ્રેસે અહીંથી પાટીદાર ચહેરો નિલેશ કુંભાણીને ઉમેદવાર બનાવ્યા છે. ગઈ ચૂંટણીમાં ભાજપના વી ડી ઝાલાવડિયાએ કોંગ્રેસના અશોક ઝીરાવાલાને 28 હજાર મતની લીડથી હરાવ્યા હતા. રામ ધડૂક ગઈ ચૂંટણીમાં પણ આપ તરફથી અહીંથી જ ચૂંટણી લડ્યા હતા. જેમને નોટા કરતાં પણ ઓછા માત્ર 1454 મત મળ્યા હતા. નોટામાં 3413 મત પડ્યા હતા.

ઓલપાડ
ઓલપાડમાં કોળી અને પાટીદાર વચ્ચે જંગ ખેલાશે. ભાજપે અહીં કોળી ઉમેદવાર મુકેશ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે AAPએ PAASના કન્વીનર ધાર્મિક માલવિયાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ તરફથી સહકારી આગેવાન દર્શન નાયક ચૂંટણી લડી રહ્યા છે. ગઈ ચૂંટણીમાં ભાજપના મુકેશ પટેલનો કોંગ્રેસના યોગેન્દ્રસિંહ બાકરોલાને 61 હજાર મતની જંગી સરસાઈથી માત આપી હતી.

સુરત પૂર્વ સીટનો રાજકીય સમીકરણ
આમ તો સુરત બેઠક એટલે ભાજપનો ગઢ, આ વાત કોઈને કહેવાની કદાચ જરૂર જ નથી. સુરતની અન્ય 6 બેઠકોની જેમ સુરત પૂર્વ બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટી અડીખમ ઉભી રહે છે અને તેના ઉમેદવારો જીતનો બુલંદ પરચમ લહેરાવે છે. સુરત વિધાનસભા બેઠકનો કોઈ ઓળખની જરૂર નથી. આ બેઠક ભાજપના દિગ્ગજ ગણાતા નેતા કાશીરામ રાણાની હોમપીચ કહી શકાય છે. સુરતની તમામ બેઠક પર તમામ પક્ષોની નજર રહેતી હોય છે તેવામાં સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તાર પણ બાકી રહેતો નથી. આ બેઠક પર સતત 15 વર્ષથી ભાજપ જીતી રહ્યો છે. વર્ષ 1990થી આ બેઠક પર ભાજપ જીતતો આવ્યો છે.સુરતની પૂર્વ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં સૌથી વધુ મતદારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, જ્યારે હિન્દુઓમાં રાણા સમાજના મતદારો સૌથી વધુ છે. સમગ્ર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં 77 હજાર 365 મુસ્લિમ મતદારો છે, જ્યારે હિન્દુઓમાં 35 હજાર 427 રાણા સમાજના, 14 હજાર 286 ખત્રી સમાજના, 6 હજાર 259 ઘાંચી સમાજના, બ્રાહ્મણ સમાજના હજાર લોકો છે.. આ સાથે જ અહીં 48 પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે, જેના કારણે મોટાભાગે અહીં પાતળી સરસાઈથી હારજીત થતી જોવા મળે છે. જો કે વર્ષ 2017ને બાદ કરતા અહીં લીડ વધુ જોવા મળતી હતી, પણ 2017માં પાટીદાર આંદોલનની અસરના પગલે પરિણામો પર પણ તેની નજર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...