30 વખત હાઇકોર્ટ ગયાં, અઢી લાખ પ્રિન્ટ કાઢી, કોઇ જગ્યા બાકી નહીં હોય જ્યાં અમે રજૂઆત ન કરી હોય
ઘટનાની યાદ આવતા આજે પણ આખાય શરીરમાં કંપારી છુટી જાય છે. 24 મે 2019ની ઘટના પછી આખું વર્ષ મારા માટે 24 મી મે જ લાગ્યો. આખું વર્ષ કોર્ટ કચેરીના ધક્કા ખાવામાં જ નીકળી ગયું. હવે તો એક જ લક્ષ્ય સામે છે કે આના અપરાધીઓને સજા કરાવવાનો.જેથી ભવિષ્યમાં કોઈની લાપરવાહીનો ભોગ બીજાને ન બનવું પડે. હજુ તો ઘટનાને બેે મહિના પણ ન થયા હોય ને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન પર છુટવા અરજીઓ કરી.આ અરજીઓ સામે વિરોધ કરવા વારંવાર સેશન્સ કોર્ટમાં ચાલુ ધંધો,નોકરી પરથી અમે બધા વાલીઓ જતા. તારીખ પર તારીખ પડતી તેમ છતાં પણ બધી તારીખોમાં કોર્ટમાં હાજર રહ્યા. જીલ્લા કોર્ટમાં જામીન ન મળતા હાઈકોર્ટમાં તેઓ જામીન માટે ગયા.
હાઈકોર્ટમાં પણ વિરોધ અરજીઓ મૂકવા 30 વખત અમદાવાદ હાઈકોર્ટમાં પણ ગયા. એક આરોપી તો સુપ્રિમ કોર્ટ સુધી જામીન મેળવવા ગયા.અમે પણ છ વખત સુપ્રિમ કોર્ટ ગયેલા. આઠથી નવ મહિના કોર્ટ કચેરીના ધક્કા ખાવામાં જ ગયા. અઢી લાખથી વધારે કાગળોની પ્રિન્ટ કાઢી. 35 હજારથી વધુ કીમી ફર્યા, આખરે ક્રાઈમ બ્રાંચ દ્વારા બધાજ આરોપીઓ પકડાયા પછી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી. કોર્ટમાં ચાર્જફ્રેમની સુનાવણી ચાલુ થઈને લોક ડાઉન આવી ગયું.
દરમિયાન આરોપીઓએ જામીન પર છૂટવા ધમપછાડા ચાલુ જ રાખ્યા. આખા વર્ષ દરમિયાન પોલીસ કમિશનરને નવ વખત આવેદનપત્રો આપ્યા. જેમ-જેમ અમારી પાસે માહિતી આવતી ગઈ એમ અમો પણ આવેદનપત્રો દ્વારા માહિતી પોલીસને આપતા. મ્યુનિસિપલ કમિશનરને પણ ત્રણ વખત મળ્યા. કલેક્ટરની મુલાકાત લીધી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મુખ્ય અધિકારીને પણ મળ્યા. પોલીસે કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓને આરોપી તરીકે બાકાત રાખ્યા. મને વિશ્વાસ છે કે લોકડાઉન ખુલતા જ તક્ષશીલાનો કેસ કોર્ટમાં ચાલુ થશે. ઝડપથી ચુકાદો આવી જશે. - વાલીઓ વતી લડત લડી રહેલા જયુસખ ગજેરાના મંતવ્ય
વર્ષ થયું છતાં સજા તો દુર ટ્રાયલ પણ શરૂ થઇ શકી નહીં, ન્યાય મળતાં લાંબો સમય ચાલ્યો જશે
વર્ષ થયું છતાં સજા તો દૂર પરંતુ તે વિરુદ્ધ ટ્રાયલ પણ શરૂ થઈ શકી નથી. મેં તક્ષશીલા કાંડમાં અટક કરેલા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટના કાગળોનો સારાંશ વાચ્યો છે. (1) સૌ પ્રથમ બીનઅધિકૃત બાંધકામને બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવાનો કારસો રચનાર માલિકોને આરોપી તરીકે દર્શાવ્યા છે અને તેમાં સમય મર્યાદા 28-3 2011 પહેલાના બાંધકામ હોય અને તેને ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ અરજી કરવાની વિગેરે હકિકત..(2) બીન અધિકૃત બાંધકામનો ભાડેથી ઉપયોગ કરનાર વ્યકિતને જેને સરકારી એજન્સી પોલીસ એજન્સીએ જ્વલનશીલ વસ્તુના ઉપયોગ હેઠળ ધરપકડ કરી. જ્વલંત વસ્તુનો અર્થ ખુબ વિશાળ છે.પરંતુ તેની ટીકા-ટીપ્પણીમાં જવાનો આ સમય નથી.(3) ત્રીજા ભાગમાં આરોપી તરીકે એસએમસી વિભાગના એ નાના કર્મચારીઓ કે જેણે ઉપરી અધિકારીઓના મૌખિક આદેશનું કર્યું અને મુખ્ય અધિકારી આરોપી તરીકે બચી ગયા.
ખરેખર તો જવાબદારી કેવી રીતે નક્કી કરવી તેના ધારધોરણ છે જ.(4) ચોથું કે ફાયર બ્રીગેડના અધિકારીઓ કેટલા મોડા પહોંચ્યા વગેરેની બેદરકારી સંબંધે મુદ્દા ટાંકીને આરોપીઓ બનાવ્યા તે પ્રશ્ન ટ્રાયલ સમયે સુચક રહેશે.(5) પાંચમાં ભાગમાં વીજ કંપની તરફથી તક્ષશીલાના વપરાશકર્તાઓને કેટલી માત્રામાં વીજળી પૂરી પાડી તે સંબંધે તે બેદરકારી દર્શાવવા અમુક કર્મચારીને આરોપી દર્શાવવા. મારા મંતવ્ય મુજબ ખરેખર શું તપાસ સાચી દિશામાં અને ગુનાના મૂળ સુધી થઈ છે ? આ ગોઝારી ઘટનામાં પણ જે-તે સમયના તત્કાલિન અધિકારી પણ એટલા જ બેદરકાર રહ્યા હોઈ શકે તો તપાસનો રેલો જેને બિન અધિકૃત બાંધકામ ગણેલ છે તેને કાયદેસર કરવા સંબંધે નિર્ણય લેનાર જે-તે સચિવો, સત્તાપક્ષ સરકારના નેતાઓ અને વિપક્ષોના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે. ટુંકમાં આ કેસમાં પણ અન્ય કેસોની જેમ ન્યાય મળતાં લાંબો સમય ચાલ્યો જશે એવું પ્રતિત થાય છે. -વકિલ યશવંતસિંહ વાળાના અંગત મંતવ્ય
બાળકોની યાદમાં તક્ષશીલા અગ્નિકાંડ મેમોરિયલ બનશે
બાળકોની ઇચ્છા આર્ટ ગેલેરી બનાવવાની હતી. તેથી આ 22 બાળકોની યાદમાં તક્ષશીલા અગ્નિકાંડ મેમોરિયલ ટ્રસ્ટ નામથી ટ્રસ્ટ બનાવવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી હતી. તેની ઓપચારિકતા પૂરી થઈ ગઈ છે. રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે. તેમાં બાળકોના કોઈ ફોટો, ડ્રોઈંગ કે પિક્ચર હશે તે મુકવામાં આવશે. બાળકોના પોતાના ફોટો મુકવામાં આવશે. બાળકોની મૂર્તિઓ મૂકવામાં આવશે. હવે ભવિષ્યમાં જે બાળકો આર્કિટેક્ટ બનવા માંગતા હોય, કલામાં આગળ વધવા માંગતા હોય તેમને રાહત દરે અહીં ભણાવવામાં આવશે. તે માટે સરકાર પાસે જમીનની માંગણી કરાશે. ઉલ્લેખનિય છે કે તક્ષશિલા અગનકાંડમાં જે બાળકો હોમાયા તે પ્રતિભાશાળી હતાં. મોટા ભાગના બાળકો સારા પેઇન્ટર હતાં તેમજ ક્રિએટિવ ફિલ્ડમાં જ આગળ વધવા માંગતા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.