માંગ:‘જમા થયેલી કરોડોની ITC છૂટી થાય તે માટે હીરા પરનો GST દર વધવો જરૂરી’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રફ અને પોલિશ્ડ ડાયમંડ પર GST દર 0.25%થી વધારી 1.5% કરવા GJEPCની રજૂઆત
  • આગામી બજેટથી જીએસટીનો વધારાનો દર લાગુ થાય તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી

ટેક્સટાઈલ સેક્ટરમાં જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરાતાં કાપડ વેપારીઓ અકળાઈ ઉઠ્યા છે, જ્યારે બીજી તરફ હીરા ઉદ્યોગમાં જીએસટી વધારવા માટે જીજેઈપીસીએ રજૂઆત કરી છે. રફ અને તૈયાર હીરા પર 0.25 ટકા જીએસટી વસૂલવામાં આવે છે, જેને વધારીને 1.50 ટકા કરવા માટે જીજેઈપીસી દ્વારા કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જીએસટીના અમલ બાદ અલગ અલગ સેક્ટર માટે દર નક્કી કરાયા હતાં. જેમાં તૈયાર હીરા પર 0.25 ટકા જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે.

સાથે સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ લેબર ચાર્જ પર 5 ટકા, બેન્ક સર્વિસ પર 18 ટકા, સર્ટીફિકેશન માટે 18 ટકા જીએસટી ચૂકવે છે. હીરા ઉદ્યોગકારો દ્વારા ચૂકવવામાં આવતા જીએસટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) સ્વરૂપે પરત મળે છે. આઈટીસી તરીકે મળતી રકમ હીરા ઉદ્યોગકારોના એકાઉન્ટમાં જમા થઈ જાય છે. પરંતુ આ આઈટીસીનો ઉપયોગ હીરા ઉદ્યોગકારો કરી શકતા નથી. જેને કારણે હીરા ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

જેને કારણે હીરા ઉદ્યોગકારોની મુશ્કેલીને દૂર કરવા માટે જીજેઈપીસી દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, ‘હીરાની રફ અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર 0.25 ટકા જીએસટીનો દર વધારીને 1.5 ટકા કરવામાં આવે એ જરૂરી છે. કેન્દ્ર સરકારના આવનારા વર્ષના બજેટમાં હીરા ઉદ્યોગ માટે થનારા પ્રોવિઝનમાં આ પ્રાવધાન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જો સરકાર દ્વારા જીએસટીનો દર વધારીને 1.5 ટકા કરવામાં આવશે તો આઇ.ટી.સી.ની મસમોટી રકમ છુટ્ટી થશે.’ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જીજેઈપીસી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જે માંગણી વહેલી તકે સંતોષવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે.

ઉદ્યોગકારોને આ રીતે રાહત મળી શકશે
જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, ‘હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ બેન્ક સર્વિસ, લેબર ચાર્જ સહિત જીએસટી ચૂકવે છે. જીએસટીનો દર વધે તો ITCનો ઉપયોગ આ ચૂકવણાંમાં કરી શકાશે. હાલમાં હીરા ઉદ્યોગકારો ઈનપુટ ટેક્સ ક્રેડિટની રકમનો ઉપયોગ કરી શકતા નથી. જેના માટે જીએસટી દરમાં વધારો કરવામાં આવે તો હીરા વેપારીઓની આઈટીસીની મસમોટી રકમ છૂટી થશે.’

અન્ય સમાચારો પણ છે...