5 વર્ષના સૌથી મોટા કાંડ બોગસ બિલિંગ સામે GSTએ રોજ દરોડા પાડી 4 દિવસમાં રાજ્યમાંથી 6 હજાર કરોડના બોગસ ટ્રાન્ઝેકશન શોધી કાઢ્યા છે. જો કે, આ પહેલાં જ કૌભાંડીઓએ તરકીબ શોધી કાઢી હતી, જે હવે બહાર આવી રહી છે. જે મુજબ બોગસ બિલિંગ કરનારા રિટર્ન ડિફોલ્ટર બની રહ્યા છે,
જેથી પાછલા વ્યવહારો-આઇટીસી પર આંચ ન આવે. તાજેતરમાં જ GSTએ આવા કેસ શોધી ફરી નોટિસ આપીને રિટર્ન ડિફોલ્ટરની જગ્યાએ ‘બોગસ બિલિંગ’ હેઠળ નંબર રદ કરી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. રાજ્યમાં અંદાજે 10 હજાર રિટર્ન ડિફોલ્ટર છે. હવે તંત્ર બિલોરી કાચ મૂકીને તપાસ શરૂ કરી શકે છે. આમ તો 5 વર્ષમાં 70 હજાર કરોડના બોગસ ટ્રાન્ઝેકશન મળ્યા છે, જેમાં 5 હજાર કરોડની ITC પાસઓન કરી દેવાઈ છે.
નવી તરકીબ વિશે એક્સપર્ટ શું કહે છે?
બોગસ એટલે બોગસ, રિટર્ન ડિફોલ્ડર કાયદેસરની તક આપે છે
આવા કેસમાં ડિપાર્ટમેન્ટ નવેસરથી નોટિસ આપીને તમામને બોગસ બિલિંગની વ્યાખ્યામાં નાંખી રહ્યા છે. બંને વાતમાં ફરક કાયદેસરતાનો છે. વેપારી રિટર્ન ડિફોલ્ટર ત્યારે થાય જ્યારે તે 2 મહિના રિટર્ન ફાઇલ ન કરે. એટલે ડિપાર્ટમેન્ટ તેનો નંબર સસ્પેન્ડ કરી દે, પરંતુ તેના પાછલા ટ્રાન્ઝેકશન કે ITC કાયદેસર રહે છે. જ્યારે બોગસ બિલિંગમાં બધુ જ ગેરકાયદે છે. પછી તે ટ્રાન્ઝેકશન હોય કે ITC. હવે તેમને રિટર્ન ડિફોલ્ટર સાબિત થાય એટલે ગેરકાયદે કામ કાયદેસર થઇ જાય.
કાયદામાં સ્પોટ વિઝિટ લાવો, બાકી આવા ધુપ્પલ ચાલુ રહેશે
ટેક્સ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે, ઠગો નવી-નવી તરકીબ અપનાવતા જ રહેશે. ખરેખર તો સ્પોટ વિઝિટ કાયદામાં હોવી જોઇએ. ડોક્યુમેન્ટના આધારે નંબર આપો તો કોઈની જવાબદારી ફિક્સ જ ન થાય. સ્પોટ વિઝિટ હોય તો અધિકારીથી લઇને દરેકની જવાબદારી બને. જે કરવું છે તે કરતા નથી. સી.એ. દીપ ઉપાધ્યાય કહે છે કે, ડેટા મિસમેચના આધારે પણ બોગસ પકડાઈ શકે. ડિફોલ્ટર ત્યારે થાય જ્યારે નાણાંના અભાવે ટેક્સ ન ભરે કે રિટર્ન ફાઇલ ન કરે.
કૌભાંડને આ રીતે સમજો
રિટર્ન ન ભરે તો ડિફોલ્ટર જાહેર થાય ને બોગસ વ્યવહારો લીગલ થઈ જાય
ધારો કે બોગસ બિલિંગ કરનાર છ મહિના બિલો આપ્યા બાદ બાકીના બે મહિના રિટર્ન નહીં ફાઇલ કરે અને આ દરમિયાન તેનું કારસ્તાન જાહેર ન થયું હોય તો સિસ્ટમ કે અધિકારી તેનો નંબર સસ્પેન્ડ કરી દે છે. આથી બોગસ વેપારી પણ ડિફોલ્ટર બની જાય છે. ડિફોલ્ડર જાહેર થવાથી તેના પાછલા ટ્રાન્ઝેકશનની કાયદેસરતા ઊભી રહે છે. ઉપરાંત અન્યોને જે આઇટીસી પાસઓન કરી છે તે પણ કાયદેસર રહે છે. જ્યાં સુધી તેને ફરી બોગસ સાબિત ન કરાય. હાલ આવા કિસ્સા સામે આવતા સમગ્ર સિસ્ટમ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.