પડ્યા પર પાટું:સુરતમાં મંદીમાં ફસાયેલા કાપડ ઉદ્યોગ પર GSTનો માર,મીલ માલિકોએ અઠવાડિયામાં ત્રણેક રજા રાખવાનું આયોજન કર્યુ

સુરતએક મહિનો પહેલા
જોબ વર્ક ઘટી જતાં મીલ માલિકોએ કારીગરોને અઠવાડિયાને બદલે 2-3 રજા આપવાનો વિચાર બનાવી લીધો છે
  • બહારગામની ખરીદી અટકી જતાં મીલ માલિકોનો નુકસાન ઘટાડવા પ્રયાસ

કોરોનાની માહામારીથી મંદીના ભમરમાં ફસાયેલા કાપડના વેપારીઓ બાદ હવે જોબ વર્ક ઘટી જતાં મીલ માલિકોએ કારીગરોને અઠવાડિયાને બદલે 2-3 રજા આપવાનો વિચાર બનાવી લીધો છે. ઉદ્યોગ અગ્રણી જીતુભાઇ વખારીયાનું કહેવું છે કે, બહારગામની ખરીદી અડધી થઈ ગઈ છે. આવા સંજોગોમાં GSTનો મુદ્દો યથાવત હોવાથી આવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જ્યારે કાપડ વેપારી રંગનાથનએ જણાવ્યું હતું કે,જો GSTનો મુદ્દો હલ ન થાય તો આના કરતાં ખરાબ પરિસ્થિતિ જોવી પડે તો નવાઈ ન કહેવાય.

જીએસટીના દર પહેલીથી બદલાઈ રહ્યા હોવાને કારણે સાવચેતી ખાતર વેપારીઓએ કામકાજ મર્યાદિત કરી દીધું
જીએસટીના દર પહેલીથી બદલાઈ રહ્યા હોવાને કારણે સાવચેતી ખાતર વેપારીઓએ કામકાજ મર્યાદિત કરી દીધું

પોંગલની સિઝન ફેઈલ ગઈ
જીતુ વખારીયા(પ્રમુખ, ટેકસટાઇલ મિલ એસોસિએશન)એ જણાવ્યું હતું કે, કાપડ બજારના વેપારીઓ માટે આ વખતે પોંગલની સિઝન તદ્દન ફેઇલ થઈ છે . જીએસટીના દર પહેલીથી બદલાઈ રહ્યા હોવાને કારણે સાવચેતી ખાતર વેપારીઓએ કામકાજ મર્યાદિત કરી દીધું હતું. બીજી બાજુ ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું હોવાને કારણે કામકાજ ખોરવાશે તેવી ભીતિ હતી. બહાર ગામની ખરીદી અડધો અડધ જેટલી થઇ ગઇ છે. પાર્સલોની રવાનગી તદ્દન ઘટી ગઈ હોવાને કારણે વેપારીઓએ ડાઇંગ પ્રોસેસિંગમાં નવા પ્રોગ્રામ આપવાનું હાલ પૂરતું અટકાવી રાખ્યું છે.જેને કારણે જોબવર્ક ઘટ્યું હોવાથી મિલોમાં અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ રજાનો અમલ ચાલુ થયો છે. મીલોમાં આવેલી આ મંદી હજુ કેટલાં દિવસ રહેશે એ નક્કી નથી. જોકે જીએસટીના દરનો મુદ્દો હજુ ઊભો છે.પહેલી પછી જીએસટીના દર યથાવત રહે તો પણ લાંબો ફરક પડે એમ નથી. કામકાજ થોડા આગળ વધી શકે છે. હાલમાં તો વેપારીઓ ફિનિશ્ડ માલ મિલોમાંથી ઉપાડી રહ્યાં છે.પરંતુ નવા પ્રોગ્રામો પર બ્રેક મારી છે .

પાર્સલોની રવાનગી તદ્દન ઘટી ગઈ હોવાને કારણે વેપારીઓએ ડાઇંગ પ્રોસેસિંગમાં નવા પ્રોગ્રામ આપવાનું હાલ પૂરતું અટકાવી રાખ્યું છે
પાર્સલોની રવાનગી તદ્દન ઘટી ગઈ હોવાને કારણે વેપારીઓએ ડાઇંગ પ્રોસેસિંગમાં નવા પ્રોગ્રામ આપવાનું હાલ પૂરતું અટકાવી રાખ્યું છે

ખરીદી પર બ્રેક લાગી
રંગનાથ શારદા (ફોસ્ટા અગ્રણી)એ જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતના 5 રાજ્યોની 1200 કરોડની સિઝન ફેઈલ ગઈ છે. ક્રિસ્મસની સિઝન ફેઈલ ગઈ છે. બહારગામના વેપારીઓ સ્ટોક ક્લિયર કરવાના મૂડમાં છે. ખરીદી પર બ્રેક લાગી ગઈ છે. પ્રોસેસ હાઉસમાં માલ ન આવતા હવે કારીગરોની રજા વધારી દેવાય છે. આંખ સામે વેપાર જ નથી, હવે GST 5 ટકા રહે તો જ આગામી દિવસોમાં કઈ વેપાર દેખાશે. એટલે હાલ માર્કેટ અને પ્રોસેસ હાઉસમાં સુધારો આવવાની રાહ જોવા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મજબુર બન્યા છે. આગામી લગ્ન સિઝનમાં જો ઓમિક્રોનનો ભય રહ્યો તો લગ્ન સિઝન પણ ફેઈલ જવશે તો વેપારીઓને બેઠા થતા લગભગ 2 વર્ષ લાગી જાય એ વાતને નકારી ન શકાય.