ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ નોંધાયા બાદ ફરી કોરોનાના કેસમાં વિસ્ફોટ થઈ રહ્યો છે. 2021માં બીજી લહેરમાં રાજ્યમાં 27 એપ્રિલે 14,352 કેસની પીક નોંધાઈ હતી. ગઈકાલે આપણા રાજ્યમાં 4213 કેસ નોંધાયા હતા. ગઈ વેવમાં 9 એપ્રિલે 4511 કેસ નોંધાયા બાદ માત્ર 18 દિવસમાં જ પીક આવી ગઈ હતી. જ્યારે એ પહેલાંના કેસની વિગતો જોઈએ તો 10 માર્ચે 675 કેસ નોંધાયા હતા અને ત્યાંથી 4200નું બેરિયર 9 એપ્રિલે તૂટ્યું હતું, જે દિવસે 4541 કેસ નોંધાયા હતા. આમ, ગત વખતની વાત કરીએ તો 675 કેસથી 4200 પહોંચતાં 1 મહિનો (30 દિવસ) લાગી ગયો હતો. જ્યારે આ વખતે 31 ડિસેમ્બરે 654 કેસ હતા અને ત્યાંથી ફક્ત 6 દિવસમાં જ 4200નું બેરિયર તોડીને 4213 કેસ નોંધાયા હતા.
કુલ કેસમાં 20 હજારનું બેરિયર પણ તોડી નાખે એવી શક્યતા
બીજી વેવની તુલનામાં આ વખતે 5 ગણી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ ગતિએ જોઈએ તો 14,353ની ગુજરાતની ઓલટાઈમ પીક પર પહોંચતાં ગઈ વખતે 18 દિવસ લાગ્યા હતા. એની સરખામણીએ આ વખતે ડેઈલી એવરેજ જોઈએ તો માત્ર 5થી 7 દિવસમાં પહોંચી શકીએ છીએ અને શક્ય છે કે આ વખતે કુલ કેસમાં 20 હજારનું બેરિયર પણ તોડી નાખશે.
એક મહિનાના કેસમાં 7થી વધુ ગણો વધારો નોંધાય એવી શક્યતા
ગુજરાતમાં બીજી લહેરની શરૂઆત ફેબ્રુઆરી-2021 મહિનાથી થઈ હતી. ત્યાર બાદ સતત કેસ વધતા ગયા હતા. 2021માં માર્ચ મહિનામાં 37,809, એપ્રિલ મહિનામાં 2,60,079, મે મહિનામાં 2,41,387 કોરોનાના કેસ નોંધાયા હતા. આમ, બીજી લહેરમાં માર્ચ મહિનાથી એપ્રિલ મહિનામાં 7 ગણા વધારા સાથે કેસ નોંધાયા હતા. બીજી લહેરમાં કરતા ત્રીજા લહેરમાં ઝડપ વધુ હોવાથી આ આંકડો મોટો હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
છેલ્લા 6 દિવસમાં જ 13,124 કેસ નોંધાયા
ગુજરાતમાં 26 ડિસેમ્બરથી ફરી કોરોનાના કેસ વધવાનું શરૂ થયું છે. 31 ડિસેમ્બરના રોજ 654 કેસ હતા, ત્યાર બાદ સતત વધારા સાથે ગત રોજ 4213 કેસ નોંધાયા હતા. છેલ્લા 6 દિવસમાં જ 13,124 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે છેલ્લા 6 દિવસમાં 9 લોકોનાં મોત પણ થયાં છે. કુલ કેસના સરેરાશ પ્રમાણે રોજ 2187 કેસસ નોંધાવાનું શરૂ થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.