ગ્રાઉન્ડ રિપોર્ટ: કોરોના વાઈરસના કારણે શહેરના મેડિકલ સ્ટોર્સમાં ક્લોરોક્વીન દવાનો સ્ટોક ખલાસ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ દુકાને પણ દવા મળી ન હતી. - Divya Bhaskar
આ દુકાને પણ દવા મળી ન હતી.
  • 10 મેડિકલ સ્ટોર્સ પૈકી માત્ર એકમાં જ દવા મળી
  • સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો કે આ દવાથી રાહત મળે છે જેથી ખરીદીમાં પડાપડી

મિત સ્માર્ત / મેહુલ પટેલ, સુરતઃ સોશિયલ મિડીયામાં છેલ્લાં બે દિવસથી એક મેસેજ વાયરલ થયો છે, જેમાં જણાવાયું છે કે હાઈડ્રોક્સિલક્લોરોક્વીન દવા લેવાથી શરીરમાં ઈમ્યુનિટી વધે છે તેમજ કોરોના સામે રાહત મળે છે. આ મેસેજ વાયરલ થતાંની સાથે જ શહેરીજનોએ શહેરના વિવિધ વિસ્તારમાંથી આ દવાનો સ્ટોક ખરીદવા દોડ મચાવી હતી. જેના કારણે સ્થિતિ એવી છે કે ક્લોરોક્વીનનો સ્ટોક મળવો મુશ્કેલ થયો છે. કેમિસ્ટ એસો.એે વગર પ્રિસ્કીપ્શને આ દવાનું વિતરણ નહીં કરવા 2200 કેમિસ્ટ્સને મનાઈ ફરમાવી છે.

10 પૈકી 9 મેડીકલમાં આ દવા ન હતી
છેલ્લાં ત્રણ દિવસથી મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે, કોરોના વાયરસથી બચવા હાઈડ્રોક્સિલક્લોરોક્વીન દવા અકસીર છે. જેથી શહેરીજનોએ આ દવાઓ ખરીદવા મેડીકલની દુકાનોમાં ભીડ કરી છે. આ મુદ્દાની ગંભીરતા તપાસવા દિવ્યભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો કે આ દવાનો ઉપયોગ ક્યા રોગ માટે થાય છે, તેને વગર પ્રિસ્કીપ્શને ખરીદી શકાય કે નહીં. આ ઉપરાંત આ દવા બજારમાં કેટલી સરળતાથી મળે છે, તે અંગે ચકાસણી કરવા મંગળવારે રાંદેર રોડ, મોરાભાગળ, પાલનપુર પાટીયા, આનંદ મહલ રોડ, એલ પી સવાણી રોડ, જહાંગીરપુરા-જહાંગીરાબાદ, તાડવાડી મળીને 10 મેડિકલ સ્ટોર્સની તપાસ કરાઈ હતી. જેમાં મેડિકલ સ્ટોર્સના માલિકને પુછવામાં આવ્યું કે, આ હાઈડ્રોક્સિલક્લોરોક્વીન દવા ઉપલબ્ધ છે કે નહીં, તો 10 પૈકી 9 મેડીકલમાં આ દવા ન હતી, માત્ર એક મેડિકલ સ્ટોર્સમાં દવા મળી હતી.

કેમિસ્ટને પુછવામાં આવેલો પ્રશ્નોના જવાબ
પ્રશ્નઃ હાઈડ્રોક્સિલક્લોરોક્વીન દવા છે?
-ના, આ દવા પતી ગઈ છે.
પ્રશ્નઃ દવા ક્યારે મળશે
-આગળથી જ સ્ટોક નથી આવતો, ક્યારે આવશે તે ખબર નથી
પ્રશ્નઃ દવાનો ઉપયોગ શેના માટે થાય છે
-દવાનો ઉપયોગ ગળામાં થતી ખરાસ દૂર કરવા માટે અને શરીરની ઈમ્યુનિટી વધારવા માટે થાય છે.

આ દવા પ્રિસ્કિપ્શન વિના આપવા ના પાડી છે
હાઈડ્રોક્સિલક્લોરોક્વીન આ દવા એન્ટી બાયોટીક છે, મેક્રોલાઈટ છે. તેને કોરોના સાથે કોઈ લેવા-દેવા નથી. પ્રિકોસન્લી પણ આ દવા લેવાની જરૂર રહેતી નથી. માસ મીડિયાના નેગેટીવ પ્રચારના કારણે આ દવા લેવા માટે લોકો ખોટી રીતે ઉમટી પડ્યા છે. આ દવા હેલ્ધી વ્યક્તિએ લેવી ન જોઈએ. આ ઉપરાંત, દવા પ્રિસ્કીપ્શનવાળી છે એટલે પ્રિસ્કીપ્શન વગર તેનું વેચાણ પણ કરી નહીં શકાય, અમે તમામ 2200 જેટલા સભ્યોને તેનું વેચાણ પ્રિસ્ક્રીપ્શન વગર કરવા માટે મનાઈ ફરમાવી દીધી છે. - પ્રવિણ વેકરીયા, પ્રેસિડેન્ટ, કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એશોસિએશન

અન્ય સમાચારો પણ છે...