સુરતની કોર્ટનો મહત્વનો ચૂકાદો:‘બિલ વિના કરિયાણાનો વેપાર સમજી શકાય પણ હીરાનો વેપાર સામાન્ય નથી, તે ગેરકાયદે ગણાય’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બિલ વિના થતો હીરાનો વેપાર ગેરકાયદે, શહેરમાં વર્ષોથી ચાલતો ‘વિશ્વાસનો વેપાર’ કેટલો સુરક્ષિત?
  • 38 લાખના હીરાની ખરીદી સામે 7 વર્ષ જૂના ચેક બાઉન્સના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો

વરાછાનું હીરા બજાર હોય કે મહિધરપુરા હીરાબજાર દરેક જગ્યાએ રસ્તા પર જ કરોડોના ડાયમંડ લે-વેચના વ્યવહાર વર્ષોથી માત્ર વિશ્વાસ પર જ થાય છે. પરંતુ ચેક બાઉન્સના એક કેસમાં કોર્ટે આપેલો ચુકાદો આ ધંધા સાથે જોડાયેલાં વેપારીઓની આંખો ખોલી શકે છે. ડાયમંડ ખરીદી અને ચેક બાઉન્સના કેસમાં કોર્ટે ઠેરવ્યું હતું કે બિલ વિના કરિયાણાનો વેપાર થાય તે સમજી શકાય પણ હીરાનો વેપાર સામાન્ય નથી, તે ગેરકાયદે ગણાય. આ સાથે જ કોર્ટે આરોપીને નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો.

માત્ર ચેકના આધારે ફરિયાદ કરાઈ હતી
વર્ષ 2014માં ફરિયાદી રાયચંદ પટેલે તન્મય ક્રિએશનના કથિત પોપ્રાઇટર પરેશ સાવલિયાને રૂ. 38 લાખ ઉપરાંતનો હીરાનો માલ આપ્યો હતો. જેના ચુકવણા પેટે ફરિયાદીએ ચેકો લીધા હતા. જે ચેકો રિટર્ન થતા ફરિયાદીએ કોર્ટમાં ત્રણ કેસ કર્યા હતા. જેમાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલો કરી હતી.

ફરિયાદી હીરાનો કારોબાર કરતો હોય તેવો કોઈ પુરાવો નથી
બચાવ પક્ષે વકીલ અશ્વિન જોગડિયાએ ફરિયાદીની ઊલટતપાસ કરી દલીલ રજૂ કરી હતી કે, આરોપી તન્મય ‘તન્મય ક્રિએશન’ના પોપ્રાઇટર હોવાનો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. આરોપીને હીરા આપ્યા હોવાના બિલ, પુરાવા તથા જરૂરી કેપિસી સર્ટિ. કે હીરાની માલિકી દર્શાવતો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. જેથી આવા હીરાને બ્લડ ડાયમંડ કહેવાય. ઉપરાંત ફરિયાદી પોતે ડાયમંડનું કામ કરતા હોવાનો પણ કોઈ પુરાવો રજૂ નથી.

રેકોર્ડ વિના હીરા વેચાય તો તે ગેરકાયદે જ ગણાય: કોર્ટ
કોર્ટે ટાંક્યું હતું કે ફરિયાદીએ બચાવ પક્ષની ઊલટતપાસમાં એ વાત કબૂલ રાખી છે કે આરોપીએ હીરા લીધા હોય તે અંગે ચેક સિવાય બીજો કોઈ પુરાવો નથી. જો કોઈ અનાજ કરિયાણાનો વેપાર કરે અને જણાવે કે બિલ, ડિલિવરી પુરવાર કરવા જરૂરી નથી તો એક તબક્કે માની પણ લઈએ. પરંતુ હીરા કોઈ સામાન્ય વેપાર નથી, જેથી જો બિલ વગર હીરા વેચાણનો વ્યવહાર થતો હોય તો તે ગેરકાયદે જ ગણાય.

અન્ય સમાચારો પણ છે...