ગ્રીષ્માની શ્રદ્ધાંજલિ સભા:‘તેરી લાડકી...’ ગીત ગાતા જ પિતરાઈ બહેનોના ગળે ડૂમો ભરાયો, ભાવુક થઈ ગ્રીષ્માના પિતાને બાથભરીને રડી પડી

સુરત2 મહિનો પહેલા
શ્રદ્ધાંજલિ સભામાં ગ્રીષ્માને યાદ કરીને બહેનો સહિતની યુવતીઓ રડી પડી હતી. - Divya Bhaskar
શ્રદ્ધાંજલિ સભામાં ગ્રીષ્માને યાદ કરીને બહેનો સહિતની યુવતીઓ રડી પડી હતી.
  • ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થતાં આજે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં ગત તા.12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં થઈ હતી. આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને તા.5મી મે એ ફાસ્ટટ્રેક કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી. જેના અનુસંધાને આજરોજ ગ્રીષ્મા વેકરિયાને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રીષ્માની બહેનોએ તેરી લાડકી ગીત ગાતા જ પોતાના આંસુ રોકી શકી નહોતી અને ધ્રુસકે ધ્રુસકે રડતા પિતાને બાથ ભરી તે વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

શ્રદ્ધાંજલિ સભામાં તેરી લાડકી ગીત ગવાતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.
શ્રદ્ધાંજલિ સભામાં તેરી લાડકી ગીત ગવાતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

તેરી લાડકી ગીત પર અશ્રુધારા વહી
ગ્રીષ્માને ન્યાય મળ્યાની લાગણીથી વેકરિયા પરિવાર દ્વારા આજે રામધુન સહિત પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતાં. આ વખતે નેતાઓની હાજરીમાં ગ્રીષ્માની પિતરાઈ બહેનો દ્વારા તેરી લાડકી મે..ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી. જો કે, ગીત ગાઈ રહેલી બહેન આખું ગીત ગાઈ નહોતી શકી અને ડૂમો બાઝી જતાં પિતાને બાથ ભરીને રડવા લાગી હતી. જેથી હાજર સૌ કોઈની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતાં.

ગ્રીષ્માની બહેનો પિતાને બાથ ભરીને રડતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં.
ગ્રીષ્માની બહેનો પિતાને બાથ ભરીને રડતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં.

પિતાએ ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી
ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ કહ્યું કે, અમારી વ્હાલી દીકરીને આજે ખરા અર્થમાં ન્યાય મળ્યો એની ખુશી છે, પરંતુ તે અમારાથી હંમેશા માટે દૂર જતી રહી છે, તેનું ખુબ દુઃખ છે. ગૃહરાજ્યમંત્રીએ આ દુઃખના સમયે ખુબ સાથ-સહકાર આપ્યો હતો, તેમજ આ કેસમાં અમને ઝડપી ન્યાય અપાવવા રાજય સરકાર, પોલીસ ખાતાના અધિકારીઓ સહિત તમામ પ્રત્યે હૃદયથી આભાર વ્યકત કર્યો હતો.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.બાદમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. પોલીસના પુરાવાના આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.